મોરારિબાપુને રામમંદિરનું નકલી આમંત્રણ વાયરલ થતાં વિવાદ

મોરારિબાપુને રામમંદિરનું નકલી આમંત્રણ વાયરલ થતાં વિવાદ
 
શ્રીરામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટની પત્રકાર પરિષદમાં 18.61 કરોડના ફાળાની નોંધ લેવાઈ
 
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.3 : અયોધ્યામાં રામ મંદિરનાં શિલાન્યાસ પ્રસંગે શ્રી મોરારિબાપુને આમંત્રણ ના અપાયું એ મુદે ખાસ્સી ચર્ચા ચાલે છે. રામકથાનું ગાન વર્ષોથી ગાનારા અને રામ મંદિર માટે લોક અપીલ કરે અને 18.61 કરોડ એકત્ર થાય એવા મોરારીબાપુને આમંત્રણ ના મળે એ મુદે એક મોટા વર્ગમાં રોષ પણ છે. અને હવે મોરારિબાપુને આમંત્રણ અપાયું છે એવો નકલી પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એટલે ફરી ચર્ચા શરૂ થઇ છે કે, આવું કોણે કર્યું અને શા માટે કર્યું?
કારણ કે, આ મુદે મહુવા પુછાણ કરાયું તો ખબર પડી કે , બાપુને કોઈ આમંત્રણ મળ્યું નથી. એટલે કે, કોઈએ ખોટું આમંત્રણ વાયરલ કર્યું હતું. આ આમંત્રણમાં જે સમિતિ છે એ જ કાગળનો ઉપયોગ થયો છે પણ એ ભાંડો એટલે ય ફૂટી ગયો કારણ કે એમાં વિશ્વવિખ્યાત કલાકાર પહેલા લખાયું અને પછી એ ભૂંસી કથાકાર લખાયું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં લેટર પેડ પર કોઈ આ રીતે આમંત્રણ આપે તો એ ગુનો બનવો જોઈએ. તીર્થ ક્ષેત્ર દ્વારા કોઈ સત્તાવાર ખુલાસો થયો નથી પણ એવી માહિતી મળે છે કે, ત્યાંથી મોરારિબાપુને કોઈ આમંત્રણ અપાયું નથી પણ કોઈ આ રીતે ખોટો આમંત્રણ પત્ર ફેરવે તો તીર્થ ક્ષેત્ર આ સામે કોઈ પગલા લેવા જોઈએ કે નહિ? ફરિયાદ કરવી જોઈએ કે નહિ?
બીજી બાજુ, ગુજરાતના કેટલાક સંતોને આમંત્રણ અપાયું એમાં એકનો ઉમેરો થયો છે. નડિયાદના સંતરામ મંદિરનાં રામદાસ બાપુને આમંત્રણ મળ્યું છે.
અયોધ્યામાં આજે શ્રીરામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આયોજીત પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરીએ મોરારિબાપુના નામ સાથે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, બાપુએ પોતાના તરફથી પાંચ લાખ રૂપિયા સહિત ભક્તોના યોગદાન સાથે પાંચ કરોડ રૂપિયાનો ફાળો જાહેર કરેલો જે કુલ 18.61 કરોડ રૂપિયા થયો છે. આમાથી 11 કરોડ રૂપિયા જેટલું દાન ભારતમાંથી મળ્યું છે અને આ રકમ શિલાન્યાસ પૂર્વે ટ્રસ્ટના ખાતામાં જમા થઈ જવાની છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer