હવે ઉત્તરાખંડ સીમાએ નેપાળની ‘ચીની’ નજર

હવે ઉત્તરાખંડ સીમાએ નેપાળની  ‘ચીની’ નજર
 
ચંપાવત જીલ્લાની બોર્ડરે આવેલા વિસ્તાર ઉપર નેપાળનો દાવો
નવી દિલ્હી, તા. 3 : નેપાળને ભારત વિરોધી નવી એક સાજીશને હવા આપતા ઉત્તરાખંડ નજીક આવેલા એક નવા વિસ્તાર ઉપર પોતાનો દાવો કર્યો છે. નેપાળ સ્થિત કંચનપુર જીલ્લાના ભીમદત્ત નગરપાલિકાના મેયરે ઉત્તરાખંડના ચંપાવત જીલ્લાની બોર્ડરે આવેલા વિસ્તારને નેપાળનો ભાગ ગણાવ્યો છે. આ અગાઉ પણ નેપાળી સરકારે એક વિવાદાસ્પદ નકશો જારી કરીને ભારતના કાલાપાની, લિપૂલેખ અને લિપિંયાધૂરાને પોતાનો ભાગ ગણાવ્યો હતો. બીજીબાજુ ચીન સીમાએ ભારતે ડેપસાંગમાં ટેન્કો પણ તૈનાત કરી દીધી છે. જેથી ચીનને જડબાતોડ જવાબ આપી શકાય.
એક અહેવાલ મુજબ નેપાળના ભીમદત્ત નગરપાલિકાના મેયર સુરેન્દ્ર બિષ્ટે આરોપ મુક્યો છે જે ક્ષેત્ર નેપાળમાં બ્રહ્મદેવ ક્ષેત્ર સાથે જોડાય છે. તે વર્ષોથી નેપાળની નગરપાલિકાની વન સમિતિ દ્વારા પ્રશાસિત છે. વર્ષો પહેલા ક્ષેત્રમાં લાકડીની વાડ બનાવવામાં આવી હતી. જે જુની થયા બાદ થોડા સમય પહેલા જ બદલવામાં આવી હતી. મેયરે એવો દાવો કર્યો હતો કે ક્ષેત્રમાં નેપાળે વૃક્ષારોપણ પણ કર્યું છે. ચંપાવત જીલ્લાના સુત્રો અનુસાર નેપાળી નગરપાલિકાએ વાડ બનાવવા અને વૃક્ષારોપણ કરવા માટે 45 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.  જ્યારે તેઓને પુછવામાં આવ્યું છે કે નોમેન્સ લેન્ડ ઉપર કેવી રીતે કબજો કરી શકાય તો જવાબ આપ્યો હતો કે મુદ્દાના ઉકેલ માટે એક સંયુક્ત સર્વેક્ષણ થવું જોઈએ. જેનાથી તસવીર સાફ થશે. ભારત સરકાર સાથે સરહદ વિવાદ મુદ્દે વાતચીતનો રાગ આલાપી રહેલા નેપાળે પોતાના વિવાદિત નકશાને વિશ્વ સમુદાયને મોકલવાની પણ તેયારી કરી લીધી છે. નેપાળના ભૂમિ પ્રબંધન મંત્રાલયના અનુસાર દેશના નવા નકશાને અંગ્રેજીમાં પ્રકાશિત કર્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર અને ગુગલને મોકલવામાં આવશે. આ નકશામાં ભારતના અંદાજીત 335 કિમીના વિસ્તારને નેપાળમાં બતાવવામાં આવ્યો છે.
 
સરહદે નેપાળ બનાવી રહ્યું છે 200 નવી ચોકી
નવી દિલ્હી, તા. 3 : ચીન એક તરફ પાકિસ્તાનને પુરી રીતે મદદ કરવાની પેરવીમાં છે. તો બીજી તરફ નેપાળને પણ ઉશ્કેરી રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે નેપાળે ચીનની ઉશ્કેરણીમાં આવીને ઘણી જગ્યાએ ભારત-નેપાળ બોર્ડરે પોતાની ગતિવિધી તેજ કરી દીધી છે. નેપાળે પુરી બોર્ડર ઉપર પોતાની તરફ 200થી વધારે નવા બોર્ડર આઉટ પોસ્ટ બનાવવાનું કામ ઝડપી બનાવ્યું છે. આ કામ નેપાળ પહેલા કરી રહ્યું નહોતું. આ ઉપરાંત લિપુલેખ પાસે હેલીપેડ્સ બનાવવાનું કામ પણ શરૂ છે.
એક ચેનલના અહેવાલ પ્રમાણે નેપાળે અત્યારસુધીમાં અલંગા, છાંગરુ અને ઝુલાઘાટ બાદ પંચેશ્વરના રોલઘાટમાં પણ બોર્ડર આઉટ પોસ્ટ બનાવીને સશત્ર પ્રહરી ફોર્સના જવાનોની તૈનાતી કરી દીધી છે. આટલું જ નહી નેપાળ લિપુલેખ પાસે પણ નવી પોસ્ટ બનાવી રહ્યું છે. પુરી ભારત-નેપાળ બોર્ડરે ભારતનું એસએસબી તૈનાત છે. જેના 500 બોર્ડર આઉટ પોસ્ટ છે. નેપાળ હવે ભારતની બરાબરી કરવાના પ્રયાસમાં છે અને 400-500 બીપીઓ પોતાના વિસ્તારમાં બનાવવાની કામગીરી શરૂ કરી  છે.
લોકડાઉન અને સરહદ વિવાદ વચ્ચે નેપાળે પોતાની સરહદે ચોકસાઈ પણ વધારી દીધી છે. નેપાળના ઝુલાઘાટ સ્થિત સરહદે પુલ ઉપર અસ્થાયી ચોકી બનાવીને જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પુલ પાસે નેપાળની સેના બંકરો બનાવી રહી છે. આ ઉપરાંત લિપુલેખ પાસે નેપાળના ગરબાધાર અને ઝાંગરુમાં બે હેલીપેડ્સ પણ બનાવવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓના કહેવા પ્રમાણે નેપાળ સુસ્તામાં પણ એક હેલીપેડ બનાવી રહ્યું છે. આ વિસ્તાર બિહારના પૂર્વી ચંપારણ નજીક આવે છે.
 
ચીનનાં ગુપ્ત સાયબર જાસૂસી યુનિટે ભારત વિરોધી સક્રિયતા વધારી
નવીદિલ્હી, તા.3: ચીની સેનાનાં સૌથી ગુહ્ય સીક્રેટ યુનિટ 61398ને સાયબર જાસૂસી માટે ઓળખવામાં આવે છે. આ સીક્રેટ યુનિટે ભારત વિરુદ્ધ પોતાની ગતિવિધિઓને હવે વેગવંતી બનાવી દીધી છે. સુરક્ષા એજન્સીઓનાં રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાંક માસમાં એવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા હતાં જેમાં દેશની સંવેદનશીલ જાણકારીઓની સાયબર જાસૂસી માટે પ્રયાસો કરવામાં આવ્યા હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer