અવધ આતુર : આવતીકાલે અયોધ્યા રામ જન્મભૂમિ ઉપર મંદિર નિર્માણનું ભૂમિપૂજન

અવધ આતુર : આવતીકાલે અયોધ્યા રામ જન્મભૂમિ ઉપર મંદિર નિર્માણનું ભૂમિપૂજન
 
વડાપ્રધાન મોદી, સંઘનાં વડા સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે : સંતો-મહંતો આ શુભપ્રસંગને દીપાવવા પહોંચવા લાગ્યા
 
અયોધ્યા,તા.3: અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પ્રારંભની શુભઘડી માટે આજે રક્ષાબંધનનાં પાવન દિવસે ગૌરી-ગણેશ પૂજાથી ત્રણ દિવસનાં અનુષ્ઠાનનો શુભારંભ થઈ ચૂક્યો છે. અયોધ્યા સાથે જ સમગ્ર દેશમાં રામ જન્મોત્સવ જેવો હર્ષોલ્લાસ છવાઈ ગયો છે. જેમાં આજે શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં મહાસચિવ અને વિહિપનાં ઉપાધ્યક્ષ ચંપત રાયે આજે જણાવ્યું હતું કે, પાંચમી તારીખનાં ભૂમિપૂજનનાં મહાપર્વ માટે અનેક સંતો અયોધ્યા પહોંચી ગયા છે. પરમાનંદ મહારાજા પણ આવી ગયા છે. હરિદ્વારમાંથી પણ અખાડાનાં અનેક મહંતો આવી પહોંચ્યા છે. મંગળવાર સાંજ સુધીમાં સંઘનાં પ્રમુખ મોહન ભાગવત, સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશી અને અન્ય મહાનુભાવો પણ આવી પહોંચશે.
તેમણે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, આ અયોજનમાં દેશની 36 આધ્યાત્મિક પરંપરાનાં 13પ સંતોને નિમંત્રિત કર્યા છે. નેપાળનાં સંત પણ આમાં સામેલ થશે. જનકપુરનો બિહાર, ઉત્તરપ્રદેશ અને અયોધ્યા સાથે નાતો છે. જાનકી મંદિરનાં મહંત પણ પધારશે. કેટલાંક લોકો સંતોને દલિત કહે છે. જેમને કેટલાંક દલિત કહે છે તેઓ સાધુ થઈ ગયા છે. આવા પણ અનેક લોકો ભૂમિપૂજનમાં સાથે રહેશે. ભારતનાં ભૂગોળનાં પ્રત્યેક હિસ્સાનું પ્રતિનિધિત્વ અહીં થશે. સંતો-મહાત્માઓ મળીને આશરે 17પ લોકો આ પ્રસંગમાં હાજરી આપશે.
ચંપત રાયે આગળ કહ્યું હતું કે, જે નિમંત્રણ પત્રિકાઓ છપાવવામાં આવી છે તેમાં એક સુરક્ષા કોડ છે. જે માત્ર એક જ વખત કામ કરશે. કોઈ વ્યક્તિ એક વખત અંદર આવી ગયા બાદ ફરી બહાર નીકળી જશે તો કોડ ફરીથી કામ કરશે નહીં. પરિસરમાં મોબાઈલ, કેમેરા કે અન્ય કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણની મંજૂરી નહીં હોય. દરેક કાર્ડ ઉપર એક નંબર છે જે મુજબ પોલીસ તેને ગેઈટ ઉપરથી પ્રવેશ આપશે.
નંબર અને નામની ઉલટ તપાસ પણ થશે અને પછી જ પ્રવેશ આપવામાં આવશે. નિમંત્રણ અયોધ્યામાં વહેચાઈ રહ્યા છે અને જેમજેમ બહારથી લોકો આવવા લાગશે તેમતેમ તેમને પણ તેમની આમંત્રણો સુપરત કરાતા જશે.
ચંપત રાયે આગળ કહ્યું હતું કે, ભગવાનનાં લીલા રંગના વત્રો ઉપર પણ વિવાદ કરવામાં આવી રહ્યો છે. તેનો વડાપ્રધાન, મુખ્યમંત્રી કે ટ્રસ્ટ સાથે કોઈ સંબંધ નથી. પૂજારી જ નિશ્ચિત કરે છે કે ભગવાન ક્યા દિવસે ક્યા રંગનાં વત્રો ધારણ કરશે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે અને હરિયાળી ખુશાલીની દ્યોતક છે. રંગ ઉપર ચર્ચા કે વિવાદ કરવો એ બુદ્ધિની વિકલાંગતા છે.
તેમણે આગળ કહ્યું હતું કે, 18 એપ્રિલથી ગર્ભગૃહ પર વાસ્તુપૂજા અને ભગવાન વિષ્ણુનાં નામે 1 હજાર આહુતિ, રામનાં નામની એક હજાર આહુતિ, હનુમાનજીનાં નામે 1000 આહુતિ આપવામાં આવી હતી. એકવખત રામ અર્ચના પણ થઈ હતી અને તેમાં 6થી 7 કલાક લાગેલા. ગુપ્ત નવરાત્રિએ દુર્ગાપૂજા પણ કરવામાં આવી હતી. 700 મંત્રોની પૂજા પણ થઈ. સોમવારે ગણેશપૂજન કરવામાં આવ્યું અને 9 શિલાઓની પૂજા પણ કરવામાં આવી. હવે મંગળવારે ફરીથી રામાર્ચ એટલે કે રામઅર્ચના થશે.
હનુમાન ગઢીનાં નિશાનની પૂજા પણ કરવામાં આવશે. ચંપત રાયે આગળ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે વિભિન્ન મંદિરોથી થઈને સરયૂ સુધી જવામાં આવે પરંતુ હવે ત્યાં જ પૂજન કરાશે. નહીતર ભીડ થઈ જાય તેમ છે. પાંચ ઓગસ્ટે જ્યાં ગર્ભગૃહ તૈયાર થવાનું છે તેનું ચિહ્ન અંકિત થઈ ગયું છે અને એ સ્થળે જ પૂજન થશે. એક શિલાપટનું અનાવરણ પણ પાંચમી તારીખે થશે. ઉત્તરપ્રદેશ સરકાર મંદિરની નવી રૂપરેખા ઉપર એક ટપાલ ટિકિટ પણ જારી કરી છે. તેનું પણ વડાપ્રધાનનાં હસ્તે લોકાર્પણ થશે. વડાપ્રધાન રામલલ્લાનાં દર્શન પણ કરશે અને વૃક્ષ પણ રોપશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનાં યજમાન સલિલ સિંઘલ છે. જે અશોક સિંઘલનાં મોટાભાઈનાં સૌથી મોટા પુત્ર છે. આજે ટ્રસ્ટનાં ખાતામાં 1 કરોડ રૂપિયા મહારાષ્ટ્રથી જમા થયા છે અને તેની સ્લિપ શિવસેનાનાં નામની છે.
 
રામમંદિર : પહેલું નોતરું અંસારીને, બાબરી મસ્જિદના પક્ષકાર ગદગદ
 
નવી દિલ્હી, તા. 3: અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજન આડે 1 દિવસ બાકી છે ત્યારે ભગવા રંગની આમંત્રણપત્રિકાનું અનાવરણ અને વિતરણ શરૂ કરાયું છે. આમંત્રિતોમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત 4 નામ છે, તે દર્શાવે છે કે મહામારીની સ્થિતિમાં મહેમાનયાદીમાં ખાસો કાપ મૂકાયો છે. બુધવારે ભૂમિપૂજન પ્રસંગે મંચ પર પીએમ મોદી, આરએસએસ વડા મોહન ભાગવત, યુપીના ગવર્નર આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ અને મહંત નુત્યાગોપાલદાસ ઉપસ્થિત રહેશે. પ્રથમ આમંત્રણપત્રિકા અયોધ્યા કેસના મુસ્લિમ વાદી ઈકબાલ અન્સારીને અપાઈ હતી. ખુશાલી પ્રગટ કરતા તેમણે જણાવ્યું હતું કે ‘રામજીની ઈચ્છા હશે કે પ્રથમ આમંત્રણ મને મળે, તેનો સ્વીકાર કરું છું, ભૂમિપૂજનમાં સામેલ થઈ મંદિરનિર્માણમાં સહભાગી બનવા મને તક મળી છે. ભગવાન રામ કોઈ એક નહીં સહુ સમુદાયના છે. અમે તેમની નગરીમાં રહીએ છીએ, તે સૌભાગ્યની વાત છે.’ આશરે દોઢસો લોકોને આ અવસરે આમંત્રિત કરાયા છે. ઉમા ભારતીએ જણાવ્યું છે કે પ્રસંગથી દૂર રહીશ અને સહુ ચાલ્યા ગયા બાદ સ્થળની મુલાકાત લઈશ.
મંદિરનિર્માણના પ્રતીકાત્મક આરંભરૂપે પીએમ મોદી 40 કિલોની ચાંદીની ઈંટનું સ્થાપન કરશે. બુધવારે કુલ 2ાાા કલાક અયોધ્યામાં રોકાણ કરનારા પીએમ વિશેષ વિમાન વાટે લખનૌ એરપોર્ટ પહોંચી ત્યાંથી હેલિકોપ્ટર વાટે અયોધ્યાના કેએસ સાકેત પીજી કોલેજ ગ્રાઉન્ડ જઈ સીધા હનુમાનગઢી જશે, ત્યાંથી 12 કલાકે શ્રીરામ જન્મભૂમિ જશે. ત્યાં પૂજા તથા રામલલ્લા બિરાજમાનના દર્શન બાદ પારિજાતનો છોડ રોપશે. તે પછી ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થઈ મંદિરનો શિલાન્યાસ કરશે. તે પછી સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer