ભારતના નાગરિકોને મળશે ડિજિટલ હેલ્થ આઇડી કાર્ડ

ભારતના નાગરિકોને મળશે ડિજિટલ હેલ્થ આઇડી કાર્ડ
15 ઓગસ્ટે યોજના જાહેર થવાની શક્યતા
નવી દિલ્હી, તા. 3 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી  સ્વાતંત્ર્ય દિન  15 અૉગસ્ટે “નેશનલ ડિજિટલ હેલ્થ મિશન’’ (એનડીએચએમ)ની જાહેરાત કરશે એવી શક્યતા છે. આ યોજના હેઠળ દેશના દરેક નાગરિકને સંપૂર્ણ ડિજિટલ હેલ્થકેર સિસ્ટમ  હેઠળ અંગત આરોગ્ય ઓળખપત્રો આપવામાં આવશે. તેનાં ઈ-રોકોર્ડસ રહેશે અને દેશભરનાં ડૉક્ટરો તેમ જ હેલ્થકેર સુવિધાઓની રજિસ્ટ્રી બનાવવામાં આવશે. આ પ્રસ્તાવને કેન્દ્રીય પ્રધાનમંડળની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને આ સપ્તાહના અંતે આખરી મંજૂરી આપવામાં આવે એવી શક્યતા છે, એમ ઉચ્ચ સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું.
15 અૉગસ્ટના સ્વાતંત્ર્યદિનનાં ભાષણમાં વડા પ્રધાન આ મિશન લૉન્ચ કરશે એવી વકી છે. આ મિશન હેઠળ ચાર મહત્ત્વની બાબતોને આવરી લેવામાં આવશે, જેમાં હેલ્થ આઈડી, અંગત હેલ્થ રેકોર્ડ, ડિજિટલ ડૉક્ટર અને હેલ્થ સુવિધાઓની રજિસ્ટ્રીનો સમાવેશ થશે. પછીના તબક્કામાં તેમાં ઈ-ફાર્મસી અને ટેલી મેડિસીન સેવાઓ પણ સામેલ કરવામાં આવશે. આ માટેની નિયમાવલી તૈયાર કરવામાં આવી રહી છે. જેકે, આ મિશનમાં જોડાવાનું સ્વૈચ્છિક હશે એટલે કે આ ઍપમાં જોડાવું કે નહીં તે વ્યક્તિગત નિર્ણય પર આધારિત હશે. વ્યક્તિ સંમતિ આપશે એ પછી જ કોઈને હેલ્થ રેકોર્ડ આપવામાં આવશે. એવી જ રીતે ઍપ માટેની માહિતી આપવાનું હૉસ્પિટલો કે ડૉક્ટરો નક્કી કરશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer