રામમંદિર: ઉંમર ધ્યાને રાખતા અડવાણી, કલ્યાણસિંહને નિમંત્રણ નથી અપાયા

રામમંદિર: ઉંમર ધ્યાને રાખતા અડવાણી, કલ્યાણસિંહને નિમંત્રણ નથી અપાયા
નવી દિલ્હી, તા.3: રામમંદિર ભૂમિપૂજન માટે  નિમંત્રિત 200 લોકોમાં ભાજપનાં વરિષ્ઠ નેતા અને રામમંદિર આંદોલનનાં આગેવાન એલ.કે.અડવાણી અને યુપીનાં પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું નામ શા માટે સામેલ થયું નથી તેની વિગતો બહાર આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં મહાસચિવ ચંપતરાયનાં જણાવ્યા અનુસાર જે લોકોને બોલાવી નથી શકાયા તેમની વ્યક્તિગત ફોન કરીને માફી માગવામાં આવી છે. આમાં ખાસ તો વયનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 90 વર્ષની વ્યક્તિ કેવી રીતે આવી શકે? અડવાણીજી કેવી રીતે હાજરી આપી શકશે? કલ્યાણસિંહને મે પોતે કહ્યું કે, તમારી ઉંમર વધુ છે અને ભીડમાં જવું હિતાવહ નથી તો તેઓ માની ગયા હતાં.

મોદી તમામનું પ્રતિનિધિત્વ કરે છે: યોગી
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે અયોધ્યાની મુલાકાત લઇને રામ મંદિરના ભૂમિપૂજનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમ્યાન તેમણે કહ્યું હતું કે, પાંચમી ઓગસ્ટના રામ મંદિરની પાયાવિધિમાં બધા જ શ્રદ્ધાળુઓ જોડાવા માગે છે, પરંતુ માત્ર આમંત્રિત છે તેમણે જ અહીં આવવું જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તમામનું પ્રતિનિધિત્વ કરશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોઇપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે અમે તમામ વ્યવસ્થા કરી છે. અમારું મુખ્ય ધ્યાન કોવિડ-19 છે. પ્રોટોકોલનું પાલન સખ્તાઇથી કરવામાં આવશે. જેમને આમંત્રણ છે તેમણે જ આવવું જોઇએ. બધા અહીં આવવા માગે છે, પરંતુ તેમના વતી વડાપ્રધાન હાજરી આપે છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer