ફેબ્રુઆરીમાં જ સુશાંતના જીવ ઉપર જોખમની સૂચના આપી હતી

ફેબ્રુઆરીમાં જ સુશાંતના જીવ ઉપર જોખમની સૂચના આપી હતી

            સુશાંત સિંહના પિતાએ વીડિયો જારી કરી કહ્યું, મુંબઇ પોલીસે 40 દિવસમાં કોઈ કાર્યવાહી ન કરી
નવી દિલ્હી, તા. 3 : સુશાંત સિંહના મૃત્યુને દોઢ મહિનાથી વધુ સમય થઈ ચુક્યો છે અને આ મામલામાં તપાસ ચાલી રહી છે. સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા રિયા ચક્રવર્તી સામે પટણામાં એફઆઈઆર દાખલ થયા બાદ હવે બિહાર પોલીસ પણ સક્રિય થઈ છે. તેવામાં વધુ એક વળાંકમાં સુશાંતના પિતાએ એક વીડિયો જારી કર્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 25 ફેબ્રુઆરીના રોજ બાંદ્રા પોલીસને જાણ કરી હતી કે પુત્રના જીવને જોખમ છે પણ કોઈ કાર્યવાહી થઈ નથી.
સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે વીડિયોમાં કહ્યું હતું કે, 25 ફેબ્રુઆરીના રોજ બાંદ્રા પોલીસને કહ્યું હતું કે, સુશાંતના જીવને જોખમ છે. 14 જુનના રોજ પણ 25 ફેબ્રુઆરીના રોજ નામિત લોકો સામે એક્શન લેવા કહેવામાં આવ્યું હતું પરંતુ 40 દિવસ વિતવા છતીં કોઈ કાર્યવાહી કરી નથી. જેના કારણે પટણા જઈને ફરિયાદ કરી હતી. પટણા પોલીસ તરત જ સક્રિય થઈ હતી પણ આરોપીઓ ભાગી રહ્યા છે. મુંબઈ પોલીસે આ મામલે પટણા પોલીસની મદદ કરવી જોઈએ.
પટણા એસપી મુંબઈમાં ક્વોરન્ટાઈન
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યાના કેસમાં તપાસ કરી રહેલી બિહાર એસપી બિનય તિવારી મુંબઈ પહોંચ્યા તો બીએમસીએ તેઓને બળજબરીપૂર્વક ક્વોરન્ટાઈન કરી દીધા હતા. જેને લઈને બીએમસીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારના નિયમો અનુસાર તેઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. મુંબઈમાં પટણા એસપી સાથે જે વર્તન થયું તેને લઈને બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે વાંધો ઉઠાવ્યો હતો.
સુશાંતને ખબર હતી દિશાના મૃત્યુની હકીકત ?
છેલ્લા છ દિવસથી મુંબઈમાં તપાસ કરી રહેલી પટણા પોલીસને ઘણા મહત્ત્વના પુરાવા મળ્યા હોવાના અહેવાલ છે. એસઆઈટી એ કડીઓ શોધી રહી છે જેના ઉપર મુંબઈ પોલીસ પડદો પાડવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રો મુજબ એસઆઈટીને જાણવા મળ્યું છે કે દિશાના મૃત્યુની હકીકત સુશાંતને મળી ગઈ હતી. મૃત્યુ પહેલા દિશાને ફોન કરીને સુશાંત સાથે વાત કરી હતી. જેને સુશાંત જાહેર ન કરે તે માટે ધમકીઓ મળી રહી હતી. એમ પણ કહેવાય છે કે સુશાંતના રૂમ પાર્ટનર સિદ્ધાર્થ પિઠાનીને આ તમામ ઘટનામાં મહત્ત્વની જાણકારી છે. એટલે એસઆઈટી પિઠાનીનું નિવેદન નોંધવાનો તમામ સંભવ પ્રયાસ કરે છે. કહેવાય છે કે બાંદ્રા સોસાયટી સહિત સુશાંતના ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરા ફુટેજ મુંબઈ પોલીસ અને ષડયંત્રકર્તાઓએ પોતાના કબજામાં લઈ લીધા છે. એટલે પટણા એસઆઈટીને કોઈ પુરાવા મળ્યા નથી.
રિયા અંગે સવાલ પૂછાતા ભડક્યા મુંબઈ કમિશનર
            પત્રકારોને કહ્યું, પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ, કેમેરા બંધ કરો
નવી દિલ્હી, તા. 3 : સુશાંત સિંહના કેસ મામલે સોમવારે મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કેસની તપાસ સંબંધિત જાણકારી આપી હતી. જો કે અંતમાં સવાલો પૂછવામાં આવતા કમિશનર ભડકી ગયા હતા અને પત્રકારોને કહ્યું હતું કે, પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ ચૂકી છે કેમેરા તરત બંધ કરો. કમિશનરને સવાલ કરવામાં આવ્યો હતો કે શું મુંબઈ પોલીસ યોગ્ય દિશામાં કામ કરી રહી હતી. કારણ કે પહેલા નેપોટિઝ્મ અંગે તપાસ થઈ રહી હતી અને હવે મામલો બદલી ચૂક્યો છે. જેના ઉપર કમિશનરે કોન્ફરન્સ પૂરી થઈ હોવાનું કહી દીધું હતું.  રિયાના નિવેદનથી શું જાણવા મળ્યું છે તેવો સવાલ કરવામાં આવતા કેમેરો બંધ કરી દેવા કહી દીધું હતું. સુશાંતને લઈને કહ્યું હતું કે, તે સતત ગુગલ ઉપર બાયપોલર, શાંતિની મોત વગેરે સર્ચ કરી રહ્યો હતો. તેમજ સુશાંત પૂર્વ મેનેજર દિશાની મૃત્યુથી પણ પરેશાન હતો. પરમબીર સિંહે બિહાર પોલીસની તપાસ અંગે કહ્યું હતું કે, જ્યાં એફઆઈઆર દાખલ થઈ ત્યાંનો મામલો નથી તો ઝીરો એફઆઈઆર કરીને કેસ ટ્રાન્સફર થાય છે. આ મામલે લીગલ એક્સપર્ટની સલાહ લેવામાં આવી રહી છે કે બિહાર પોલીસ પાસે અધિકાર છે કે નહીં. આ દરમિયાન એમ પણ કહ્યું હતું કે, સુશાંતના ઘરે 13 જૂને કોઈ પાર્ટી થઈ નહોતી. વધુમાં મહારાષ્ટ્રની મોટી હસ્તી કેસમાં સામેલ હોવાની ચર્ચા અંગે કહ્યું હતું કે, તપાસમાં કોઈ તથ્ય સામે આવ્યું નથી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer