કાંગશિયાળીની સરકારી જમીન હડપ કૌભાંડમાં ભૂમાફિયા ગેંગના છ શખસો ઝડપાયા

મહિલા સહિત બે ફરાર : રીમાન્ડ પર લેવા તજવીજ
રાજકોટ, તા.3 : રાજકોટ-ગોંડલ હાઈવે પર આવેલા કાંગશિયાળી ગામની સરકારી જમીનના બોગસ સોગંદનામા અને દસ્તાવેજો બનાવી વેંચી નાખવાનો કારસો કરી જમીન કૌભાંડ આચરનાર ભૂમાફિયા ગેંગની મહિલા સહિત આઠ વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નેંધાવવામાં આવતા પોલીસે ગુનો નેંધી ભૂમાફિયા ગેંગના છ શખસોને ઝડપી લીધા હતા અને ફરાર થઈ ગયેલી મહિલા સહિતનાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.  આ પ્રકરણ સંદર્ભેની વિગત એવી છે કે, કાંગશિયાળી ગામે આવેલી સરકારી જમીનના બોગસ દસ્તાવેજો બનાવીને રાતોરાત ગોડાઉન ઉભા કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની લોધીકાના મામલતદાર હીરપરાએ મહિલા સહિત આઠ શખસો વિરૂધ્ધ શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતે. આ પ્રકરણમાં પોસઈ.કે.એ.ગોહીલ તથા રાઈટર દીલીપભાઈ કલોતરા, કીરીટસિંહ જાડેજા, રોહીતભાઈ બકોત્રા, માવજીભાઈ ડાંગર અને રવુભા ગીડા સહિતના સ્ટાફે ભૂમાફિયા ગેંગના કોઠારિયા સોલવન્ટમાં નાગબાઈપરામાં રહેતા માલદેવ કરશન ગઢવી, લોધીકાના ખાભાગામના ભરવાડ વિભા ધુસા બવ, કાલાવડના કાલમેઘડા ગામના ઓસમાણ સુમરા કુકડ, કોઠારિયા રોડ પરની તિરૂપતી સોસાયટીમાં રહેતા રાજેન્દ્રસિહ ગજુભા વાળા, કાંગશિયાળી ગામે રાજપથ સિલ્વર સીટી એ/401માં રહેતા અને ગેંડલ હાઈવે પર રોનક સોફાસેટ નામે ફર્નીચરનો ધંધો કરતા મૂળ મેંદરડાના અમરગઢ ગામના મુકેશ રમણીક ડોબરીયા અને મવડી પ્લોટના ઉદયનગરમાં રહેતા ભરવાડ ભરત મૈયા ગમારાને ઝડપી લીધા હતા અને રીમાનડ પર લેવા તજવીજ હાથધરી હતી. કરોડોની સરકારી જમીન પચાવી પાડવાનો કારસો કરનાર ભૂમાફિયા ગેંગનો સૂત્રધાર કોણ તે સહિતના મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer