આજે ફ્રેન્ડશિપ ડે, કાલે રક્ષાબંધન

મિત્રો-ભાઈ-બહેનોમાં બંને તહેવારો ઉજવવા અનેરો થનગનાટ
રાજકોટ, તા.1: (ફૂલછાબ ન્યુઝ) આવતી કાલ રવિવાર તા.2 ઓગસ્ટે ફ્રેન્ડશિપ ડે છે. મિત્રતાને કોઈ વય હોતી નથી, મિત્રતા ગમે ત્યારે, ગમે તેની સાથે નાત, જાતના ભેદભાવ વગર બંધાઈ જતી હોય છે. ફ્રેન્ડશિપ ડે ને ઉજવવા યુવાધન ઘેલું બન્યું છે. રાજકોટ શહેરમાં ફ્રેન્ડશિપ ડે ઉજવવા યુવાનોની કેવી પસંદગી છે ? ખાસ કરીને કેવા આયોજન કરે છે તે બાબતે અમુક વેપારીઓએ કહ્યું કે ફ્રેન્ડશિપ ડે ઉજવવા યુવાનો રાજકોટમાં ડો.યાજ્ઞિક રોડ ખાતે આવેલ જોહર કાર્ડ્સવાળા યુસુફ અલી તથા હસનેનભાઈ તેમજ કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ, ગાર્ડન સામે આવેલ જોહર કાર્ડસવાળા જોહરભાઈએ ફ્રેન્ડશિપ ડેના બેલ્ટ, કાર્ડસ અને ગીફટ અંગે “ફૂલછાબ’’ સાથે વાત કરતા કહ્યું કે, ફ્રેન્ડશીપ બેલ્ટ ઘણા જ પ્રકારના આવેલ છે. જેમાં કપલ બેલ્ટ, અલગ અલગ સિમ્બોલવાળા ફેન્સી બેલ્ટ, લેધરમાં અલગ અલગ ગુંથણીવાળા બેલ્ટ, ક્રીસ્ટલના બેલ્ટ, ફ્રેન્ડ લખેલ બેલ્ટ, બેસ્ટ ફ્રેન્ડના બેલ્ટ, કોટન રેશમની ગુંથણીવાળા બેલ્ટ, પ્લાસ્ટીકના વોટરપ્રુફ લખાણવાળા બેલ્ટ, સાટીનની પટ્ટીમાં ફ્રેન્ડ લખેલ કલીપવાળા બેલ્ટ, ફ્રેન્ડ લખેલ બ્રોકન હાર્ટવાળા બેલ્ટ, બ્રેસલેટ ટાઈપના ફેન્સી બેલ્ટ, ફ્રેન્ડ લખેલ બ્રોકન હાર્ટવાળા બેલ્ટ, બ્રેસલેટ ટાઈપના ફેન્સી બેલ્ટ, માય ડીયર ફ્રેન્ડ, સુપર ફ્રેન્ડ, ગ્રેટ ફ્રેન્ડ વિ. લખાણવાળા બેલ્ટ, ફ્રેન્ડશિપ બેલ્ટમાં ઘણી જ વેરાયટીઓ આવેલ છે. ફ્રેન્ડશિપની ઉજવણી માટે અને એકબીજા મિત્રોને ભેટની આપ-લે કરવા રાજકોટના માર્કેટમાં સીઝનલ દુકાનો પર યુવાનોની ભીડ જામી હોવાનું જોવા મળે છે.
દબદબાભેર ઉજવાશે રક્ષાબંધન : સોમવારે શાસ્ત્રોકત પ્રમાણે શ્રાવણી પૂનમ છે. જે સૌ બળેવ કે રક્ષાબંધન પર્વ તરીકે ઉજવે છે. ભાઇ બહેનના નિર્દોષ પ્રેમને વ્યકત કરતા આ તહેવારને ઉજવવા રાખડી બજારમાં ભાઈ-બહેનો રીતસરના ઉમટી પડયા છે. વેપારીઓ કોરનો માર્ગદર્શિકાના પાલન વચ્ચે ભાઈ-બહેનોને સમજાવી અવનવી રાખડીઓથી આકર્ષિત કરી રહ્યાં છે. રાખડી બાંધતા પહેલા બહેન તેના મસ્તક પર તિલક કરે છે જે કેવળ ભાઇના મસ્તકની પૂજા નથી, પણ ભાઇના વિચારો અને બુધ્ધિ પરના વિશ્વાસનું દર્શન છે. તિલકની સામાન્ય લાગતી આ ક્રિયામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયા સમાયેલી હોય છે. રક્ષા બંધન પર્વને લઇને રાખડી ઉપરાંત મીઠાઇ બજારમાં પણ થોડી રોનક જોવા મળી રહી છે. અત્રે એ નોંધનીય છે કે આ શ્રાવણી પૂનમના પાવન દિવસે ભૂદેવો પણ પોતાના યજમાનોને કાંડે રાખડી બાંધી આશીર્વચનો આપતા હોય છે.