144 હટાવાઈ પણ કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ જ ચાલુ રાખવા છૂટ

144 હટાવાઈ પણ કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ જ ચાલુ રાખવા છૂટ

હોટેલ-રેસ્ટોરન્ટ રાત્રીના 10 વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે

કલેકટરે બહાર પાડયું જાહેરનામું

રાજકોટ, તા.1 : કોરોના મહામારી અનુસંધાને કેન્દ્ર અને રાજ્ય સરકારે અનલોક-3ની નવી ગાઈડલાઈન જાહેર કરતા રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રકારની દુકાનો રાત્રીનાં 8 સુધી તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ અને આર્થિક સેવાઓના સમયમાં એક કલાક વધારી રાત્રીના 10 વાગ્યા સુધીની છુટછાટ આપવામાં આવી છે. જ્યારે કન્ટેનમેન્ટ અને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના 7થી રાત્રીના 7 સુધી ચાલુ રાખી શકાશે.

રાજકોટ કલેકટર સુશ્રી રેમ્યા મોહને પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, ચાર કે તેથી વધુ વ્યકિતઓએ કોઈપણ જગ્યાએ એકઠા થવું નહી. પરવાનગી વગર સભા, સરઘસ, સંમેલન મેળાવડા કે લોકમેળાના આયોજન કરવા નહી. કોઈપણ સ્થળોએ ધરણા, આંદોલન કરવા નહી.

ઉપરાંત તમામ શાળા, કોલેજો, શૈક્ષણિક/તાલીમ અનુ.શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવાની રહેશે. જ્યારે યોગા ઈન્સ્ટીટયુટ અને જીમ્નેશીયમ આગામી તા.5થી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની એસ.ઓ.પી. અનુસાર શરૂ કરી શકાશે. શોપીંગ મોલ્સ ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ ચાલુ રાખી શકાશે. તમામ સિનેમાગૃહો, મલ્ટીપ્લેકસ, સ્નાનાગારો, મનોરંજન ગૃહો, કલબ, જાહેર બગીચાઓ, પ્રાણી સંગ્રહાલય, વોટરપાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, બાર અને સભાગૃહો, સભાગૃહો, સભાખંડો અને તે પ્રકારના સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવાના રહેશે. રમતગમત સંકુલો અને સ્ટેડીયમ ખોલી શકાશે પરંતુ દર્શકો માટે બંધ રાખવાના રહેશે.  પુસ્તકાલય 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

સીટી બસ સેવાઓ કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તાર માટે 60 ટકાની બેઠક ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. ખાનગી બસ સેવા જી.એસ.આર.ટી.સી.ની માર્ગદર્શિકાઓ મુજબ 60 ટકાની બેઠક ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. ઓટો રિક્ષામાં 1 ડ્રાઈવર તથા 2 મુસાફર તથા કેબ, ટેક્ષી, કેબ એગ્નીગેટર્સ, ખાનગી વાહન-1 ડ્રાઈવર તથા મુસાફર જો બેઠક ક્ષમતા છે કે તેથી વધુ હોય તો 1 ડ્રાઈવર તથા 3 મુસાફરો સાથે પરિવહન કરી શકશે.

રાત્રી કફર્યૂ હટતા લોકોની ચહલ-પહલ શરૂ

દેશમાં લદાયેલા લોકડાઉન દરમિયાન લોકો સંપૂર્ણ રીતે ઘરમાં બંધાયેલા હતા. પરંતુ અનલોકમાં આંશિક છુટછાટ અપાતા લોકોએ કામ-ધંધા શરૂ થવા સહિતનો હાશકારો પણ અનુભ્યો હતો. સાથે કોરોનાનું સંક્રમણ પણ વધતુ જાય છે ત્યારે હવે અનલોક-3માં સરકાર તરફથી રાત્રી કર્ફયુ હટાવી લેવાતા રંગીલા રાજકોટની ફરવાની શોખીન જનતા પહેલા દિવસે બહાર નીકળી પડી હતી અને શહેરના મુખ્યમાર્ગો પર રાત્રીના સમયે લોકોની ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી. (દર્શન પંડયા)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer