કાશ્મીરમાં શત્રવિરામ ભંગ, જાસૂસી ડ્રોન અને ઘૂસણખોરીનો પ્રયાસ

કાશ્મીરમાં શત્રવિરામ ભંગ, જાસૂસી ડ્રોન અને ઘૂસણખોરીનો પ્રયાસ
જમ્મુ, તા.1: ચીન સીમાએ તનાવ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને પણ પોતાની નાપાક ગતિવિધિ વધારી દીધી છે. જેમાં આજે પૂંચ જિલ્લાનાં બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાની દળોનાં શત્રવિરામ ઉલ્લંઘનમાં ભારતનો એક જવાન વીરગતિને પ્રાપ્ત થયો હતો. તો કુપવાડાનાં મચ્છલ સેક્ટરમાં આતંકી ઘૂસણખોરીનો પ્રયાસ અને હિરાનગર સેક્ટરમાં પાકિસ્તાનનું જાસૂસી ડ્રોન પણ દેખાયું હતું. નાપાક શત્રવિરામ ઉલ્લંઘન વિશે જાણકારી આપતાં સેનાનાં સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, રાજૌરી સેક્ટરમાં પાક. દળોએ અકારણ ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો અને તેમાં સિપાઈ રોહિન કુમારને ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું હતું. દરમિયાન હિરાનગર સેક્ટરમાં પહેરેદારી કરતી સીમા સુરક્ષાદળની બટાલિયનને આકાશમાં એક પાકિસ્તાન ડ્રોન દેખાયું હતું. આ ઘટના શુક્રવારે રાત્રે દસેક વાગ્યે બની હતી. જેને પગલે આ સમગ્ર વિસ્તારમાં તલાશી શરૂ કરી દેવામાં આવી હતી. આ પહેલા શુક્રવારે જ કુપવાડાનાં મચ્છલ સેક્ટરમાં અંકુશરેખાની 600 મીટરનાં અંતરે ભારતીય જવાનોએ ભેદી હિલચાલ પકડી પાડી હતી અને ઘૂસણખોરોને ખધેડવાની કાર્યવાહીમાં એનકાઉન્ટર શરૂ થઈ ગયું હતું. જો કે આમાં હજી સુધી એકેય આતંકવાદીને પકડી શકાયો નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer