અનલોક-3ના પ્રારંભે દર્દીઓ 17 લાખને પાર

અનલોક-3ના પ્રારંભે દર્દીઓ 17 લાખને પાર
નવી દિલ્હી, તા. 1 : અનલોક-3ના પ્રથમ દિવસે જ કાળમુખા કોરોના વાયરસે સંક્રમણનો વિક્રમ સર્જતા ભારતમાં છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 57,212 નવા કેસ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 16,96,780 પર પહોંચી ગઈ હતી. જો કે, શનિવારની સાંજે પાંચ વાગ્યા પછી વધુ નવા કેસ ઉમેરાતાં સંક્રમિતોની સંખ્યા કોવિડ-19 પ્રમાણે 17 લાખને પાર કરી 17,01,532 પર પહોંચી ગઈ હતી.
કોવિડ-19 ઈન્ડિયાના આંકડા નજર સામે રાખીએ તો છેલ્લા 24 કલાકના ગાળામાં દેશના વિવિધ ભાગોમાં 62,662 નવા કેસ નોંધાયા છે.
બીજીતરફ, દેશમાં શનિવારે વધુ 853 મોત સાથે મરણાંક 36,600ને પાર ચાલ્યો ગયો છે. શનિવારે લગાતાર ત્રીજા દિવસે 50 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. કોરોનાના કારણે 52.34 ટકા મોત એકલા જુલાઈ મહિનામાં થયાં છે. પહેલી જુલાઈની સવારે દેશમાં સંક્રમિતોની સંખ્યા 5,85,493 હતી. આમ, આજના આંકડા પર નજર કરીએ તો 31 દિવસમાં કુલ 11 લાખથી વધુ કેસ દેશમાં વધ્યા છે. મતલબ કે, જુલાઈમાં રોજ સરેરાશ 36 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. ઉપરાંત, પહેલી જુલાઈની સવારે કોરોનાથી જીવ ખોનાર સંક્રમિતોલની સંખ્યા 17,400 હતી અને માસના અંત પછી આજે અનલોક-3ના પ્રારંભે કુલ 36,600નો મરણાંક ધ્યાને લેતાં માત્ર એક મહિનામાં 19,200 દર્દીના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 36,569 સંક્રમિતોને ઘાતક વાયરસની ચુંગાલમાંથી છૂટકારો મળી જતાં ભારતમાં કુલ 10,94,374 દર્દી સાજા થઈ ચૂક્યા છે. આમ, રિકવરી રેટ 64.54 ટકા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer