સૌરાષ્ટ્રમાં GSTની તપાસમાં 120 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહાર ઝડપાયા

સૌરાષ્ટ્રમાં GSTની તપાસમાં 120 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહાર ઝડપાયા
 
-મગફળી અને સીંગદાણાના ત્રણ વેપારીઓને ત્યાં તપાસ ચાલુ : વધુ બેનામી વ્યવહાર બહાર આવવાની શક્યતા
(ફૂલછાબ ન્યુઝ) અમદાવાદ,તા. 1 : સૌરાષ્ટ્રમાં સ્ટેટ જીએસટી વિભાગે તા. 30મીનાં રોજ 23 જેટલા મગફળી અને સીંગદાણાના વેપારીઓને ત્યાં દરોડા પાડયા હતા અને બે દિવસની તપાસમાં કુલ 120 કરોડથી વધુ બિનહિસાબી વ્યવહાર ઝડપી પાડયા હતા અને હજુ ત્રણ વેપારીઓને ત્યાં તપાસ ચાલુ છે. જેમાં વધ બિનહિસાબી વ્યવહાર બહાર આવવાની શક્યતા છે.
આ બિલીંગ કૌભાંડમાં રાજકોટ, માંગરોળ, ગોંડલ, જૂનાગઢ, કેશોદ, ધોરાજી અને માણાવદરની કુલ 23 કંપનીઓ સંડોવાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કુલ બિલીંગના આંકડાને જોતા અને શોધખોળ આગળ ચલાવતા અન્ય કંપનીઓના નામ ખૂલવાની શક્યતા છે. એક જીએસટીના અધિકારીએ નામ નહિ આપવાની શરતે જણાવ્યું હતું કે જૂનાગઢ, ધોરાજીની કંપનીઓનો દોરીસંચાર રાજકોટથી થતો હોવાની શંકા છે. જો કે તે તો પૂર્ણ તપાસ બાદ જ બહાર આવશે.
દરોડા દરમિયાન કંપનીઓના સ્થળેથી મોટા પ્રમાણમાં બેહિસાબી સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે. મોટાભાગના વ્યવહારો ફક્ત બીલ પર જ દર્શાવીને રિફંડ મેળવવાનું કૌભાંડ આ કંપનીઓ દ્વારા આચરવામાં આવ્યું છે. સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટની શ્રીગણેશ એન્ટરપ્રાઈઝ સહિત આ કૌભાંડમાં  ધોરાજીની શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ, મારૂતિ ટ્રેડિંગ, રઘુવીર ટ્રેડિંગ, રોયલ એન્ટરપ્રાઈસ, કૃષ્ણા ટ્રેડિંગ તેમજ જૂનાગઢની તીર્થ ટ્રેડિંગ કંપની, જલારામ ટ્રેડિંગ કંપની, સ્વરાજ એગ્રી, કાજલ એન્ટરપ્રાઈસ, સદગુરુ એન્ટરપ્રાઈસ, જસ્મિન ટ્રેડિંગ કંપનીનો સમાવેશ થાય છે.
જાણવા મળ્યા મુજબ આજે પણ ત્રણ કંપનીના માલિકોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાંથી જે કંપનીઓના નામે ડમી બીલ બનાવવામાં આવતા હતા તે કંપનીઓની વિગતો બહાર આવી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં સંડોવાયેલી અન્ય પેઢીઓના નામ પણ ટૂંક સમયમાં બહાર આવશે તેમ મનાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer