રાજ્યમાં કુલ 7.64 લાખ કોરોના ટેસ્ટ થયા

રાજ્યમાં કુલ 7.64 લાખ કોરોના ટેસ્ટ થયા
 
-   50 ટકાથી વધુ ટેસ્ટ જુલાઈમાં થયા : રોજના ટેસ્ટિંગની સંખ્યા સરેરાશ 410.83
 
અમદાવાદ, તા.1, રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે વિપક્ષ દ્વારા સરકાર સામે કોરોના ટેસ્ટને લઈને અનેક આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. વિપક્ષે આક્ષેપ કર્યાં હતાં કે, ગુજરાત સરકાર કોરોનાનું ટેસ્ટિગ વધુ પ્રમાણમાં કરતી નથી, ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કોરોના ટેસ્ટિંગના આંકડા બહાર પાડવામાં આવ્યાં હતાં જેમાં જણાવાયું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 7.64 લાખથી વધુ ટેસ્ટિગ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે પોતાના ટેસ્ટિગના આંકડા બહાર પાડતાં જણાવ્યું હતું કે 31 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં 7,64,777 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. માત્ર જુલાઈ મહિનામાં જ 3,91,114 ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યાં છે. ઉપરાંત એપ્રિલમાં 64,007, મે મહિનામાં 1,47,923 અને જૂન મહિનામાં 1,61,733 કોરોના ટેસ્ટ થયાં છે.
આમ 31 જુલાઈના રોજ ગુજરાતમાં દર 10 લાખે રોજના ટેસ્ટિંગની સંખ્યા 410.83 રહી છે. જે આઇસીએમઆરની પર ડે પર મિલીયન 140ની ગાઈડલાઈનના લગભગ ત્રણ ગણી થવા જાય છે.જ્યારે ગુજરાતમાં પેશન્ટ રિકવરી રેટ અન્ય રાજ્ય કરતાં ઘણો ઊંચો 73.09 ટકા છે. જ્યારે મૃત્યુદર ઘટીને 3.97 ટકા થઇ ગયો છે.
રાજ્ય સરકારે ગુજરાતમાં 19 માર્ચ, 2020ના સૌથી પહેલો કેસ આવ્યો ત્યારથી અત્યાર સુધીની ટેસ્ટીંગની તમામ વિગતો જાહેર કરી હતી. ખાસ કરીને અમદાવાદ મહાનગરમાં ધનવંતરી રથ, 104 ફિવર હેલ્પલાઇન, સંજીવની વાન અને ખાનગી હોસ્પિટલની કોવિડ-19 નિયંત્રણ, સારવારમાં સક્રિય ભાગીદારી જેવી બાબતો ડબલ્યુએચઓએ વિશ્વના અને દેશના અન્ય શહેરો માટે કોવિડ મેનેજમેન્ટના કેસ સ્ટડી પ્લેટફોર્મ તરીકે પ્રસ્તુત કરવા સૂચવ્યું છે.  ડબલ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્યા સ્વામીનાથને વીડિયો કોન્ફરન્સ મારફતે સ્વયં આ બધી જ સારવાર સુશ્રુષા વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન નિહાળીને અમદાવાદ કોવિડ મેનેજમેન્ટની સમગ્રતયા સરાહના કરી હોવાનું મુખ્યપ્રધાને જણાવ્યું હતું.
----------------
અનલોક-3ના પ્રથમ દિને રાજ્યમાં કોરોનાના 1136 કેસ
14327 એક્ટિવ કેસ : 24નાં મૃત્યુ
અમદાવાદ, તા. 1 : ગુજરાતમાં આજથી અનલોક-3ની શરૂઆત થઇ છે. અનલોક-3ના પ્રથમ દિવસે જ વિતેલા 24 કલાક દરમિયાન 1136 કોરોના સંક્રમિતના કુલ કેસ નોંધાવા પામ્યા છે. તેને લઇને ગુજરાતમાં કોરોનાના સંક્રમિતના કુલ કેસનો આંક 62 હજારને પાર કરીને 62578 થયો છે. 24 કલાકમાં ગુજરાતમાં 24 દર્દીના નિધન થવા પામ્યા છે. કુલ કોરોના નિધનનો આંક 2465 થયો છે. બીજી બાજુ આજે 875 કોરોનાના દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થયા છે. જેને લઇને કોરોનાના ડીસ્ચાર્જ દર્દીનો આંક 45782 થયો છે. જ્યારે ગુજરાતમાં કોરોના દર્દીનો ડીસ્ચાર્જ રેશિયો 73.16 ટકા થયો છે. ગુજરાતમાં દિન પ્રતિદિન એક્ટિવ કેસ વધતા જાય છે. ગઇકાલના 14090ની જગ્યાએ આજે 14327 એક્ટિવ કેસ થયા છે. 78 કોરોનાના દર્દી વેન્ટિલેટર પર છે.
આજે ગુજરાતમાં નોંધાયેલા 1136 કોરોના સંક્રમિતના કેસોમાં સુરત મોખરે રહેવા પામ્યુ છે. સાથે સાથે આજે પણ ગુજરાતના 32 જિલ્લામાં કોરોના સંક્રમિતના કેસ નોંધાવા પામ્યા છે. આજે નોંધાયેલા 1136 કેસમાં શહેરોના 580 ગ્રામ્યના 553 અને અન્ય રાજ્યનાં 3 કેસ છે. સુરત શહેરમાં 214 અને ગ્રામ્યમાં 48 મળી 262, અમદાવાદ 146, રાજકોટ 87, જામનગર અને જૂનાગઢમાં 42-42, ગીર સોમનાથમાં 37, ભાવનગરમાં 34, સુરેન્દ્રનગરમાં 29, મોરબીમાં 16, બોટાદમાં 13, અમરેલીમાં 11, પોરબંદરમાં 10, દેવભૂમિ દ્વારકામાં 4 કેસ હતા. 24 કલાકમાં 26303 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને રાજ્યમાં 7,91,080 ટેસ્ટ અત્યાર સુધીમાં થયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer