શિક્ષા નીતિથી આત્મનિર્ભર થશે દેશ : મોદી

શિક્ષા નીતિથી આત્મનિર્ભર થશે દેશ : મોદી
 
- સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનના સ્પર્ધકો સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ
 
નવી દિલ્હી, તા. 1 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2020ના ગ્રાન્ડ ફિનાલેના પ્રતિભાગિયો સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગ મારફતે સંવાદ કર્યો હતો. સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 21મી સદી જ્ઞાનની સદી છે અને ઝડપથી બદલી રહેલી દુનિયામાં ભારતને પણ ઝડપથી બદલવું પડશે. વડાપ્રધાને નવી શિક્ષણ નીતિની પ્રશંસા કરતા કહ્યું હતું કે, શિક્ષા નીતિમાં અગાઉની ખામીઓને દૂર કરવામાં આવી છે. નવી શિક્ષા નીતિ નોકરી શોધનારાને બદલે નોકરી આપનારા લોકો બનાવવા ઉપર ભાર આપે છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, 21મી સદી જ્ઞાનની સદી છે અને આ દરમિયાન શીખવા ઉપર ધ્યાન હોવું જોઈએ. નવી શિક્ષા નીતિમાં ખામીઓ દૂર થયા બાદ હવે કોઈ ગણિત અને સંગિતનો એક સાથે અભ્યાસ કરવા માગે છે તો તે કરી શકશે. નવી શિક્ષા નીતિથી ભારતની ભાષાઓ વધશે અને દુનિયા પણ ભારતની સમૃદ્ધ ભાષાઓની પરિચિત થશે. વડાપ્રધાને ઉમેર્યુ હતું કે, શિક્ષા નીતિમાં બદલાવથી ભારતની ભાષાઓ આગળ વધશે અને વિકાસ થશે. જેનાથી ભારતનું જ્ઞાન વધશે અને એકતા પણ મજબૂત બનશે. સંવાદ દરમિયાન છાત્રોએ પોતપોતાના વિચારો અને ટેક્નિકો વડાપ્રધાન મોદી સાથે શેર કર્યા હતા. પીએમએ આ દરમિયાન છાત્રોનું મનોબળ વધાર્યુ હતું.
આ દરમિયાન કોયંબતૂર પીએચડી કોલેજના છાત્ર કુંદને મશીન લર્નિંગના ઉપયોગની ટેક્નોલોજી અંગે પીએમ મોદીને જાણકારી આપી હતી. જેનાથી પોલીસની કામગીરીમાં સુધારો થઈ શકે છે. જ્યારે ગોવિંદ નામના એક સ્પર્ધકે હેલ્થ કેર  સંબંધિત પોતાના નવા વિચારો રજૂ કર્યા હતા. સંવાદમાં પીએમ મોદીએ સ્પર્ધકોને બાળકો અને મહિલાઓની સુરક્ષાને લઈને કોઈ એલર્ટ સિસ્ટમ વિકસાવવા અંગે પ્રેરિત કર્યા હતા અને સવાલ કર્યો હતો કે શું સ્કૂલ બસ, ઓટો, કેબને પોલીસ કન્ટ્રોલ સાથે રિયલ ટાઈમ કનેક્ટ કરી શકાશે ? સંવાદ દરમિયાન છાત્રોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ હેકાથોનની શરૂઆત 2017માં થઈ હતી. જેને એચઆરડી મિનિસ્ટ્રી અને અખિલ ભારતીય ટેક્નોલોજી શિક્ષા પરિષદ સંયુક્ત રૂપે આયોજીત કરે છે.
--------------
નવી શિક્ષણ નીતિમાં માધ્યમિક સ્તરે ઓફર થતી વિદેશી ભાષા યાદીમાંથી ચીની બાકાત
નવી દિલ્હી તા. 1: સપ્તાહના આરંભે ઘોષિત કરાયેલી નવી શિક્ષણ નીતિમાં માધ્યમિક શાળા સ્તરે વિદ્યાર્થીઓને ઓફર થયેલી વિદેશી ભાષાઓની યાદીમાંથી ચીની ભાષા પડતી મુકાઈ છે. આ યાદીમાં ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ, કોરીઅન, સ્પેનિશ, પોર્ટુગીઝ, રશિયન અને થાઈ ભાષાનો ઈલેક્ટીવ તરીકે  સમાવેશ થાય છે, જે ભાષાઓ વિદ્યાર્થીઓ વિશ્વ કલ્ચર વિશે શીખવા અને વૈશ્વિક જ્ઞાન સમૃદ્ધ કરવાને શીખવા લઈ શકે છે. નીતિનો મુસદ્દો ઘડાયો ત્યારે તેમાં ચીની ભાષા સામેલ હતી, પણ બુધવારે બહાલી બાદ જારી થયેલી નીતિમાંથી તે બાકાત કરી દેવાઈ હતી. પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં તા. 1પ જુને થયેલી લોહીયાળ અથડામણ બાદ બેઉ દેશો વચ્ચેના તનાવ વચાળે આ પગલું લેવાયું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer