રાજ્યસભા સાંસદ અમરસિંહની વિદાય

રાજ્યસભા સાંસદ અમરસિંહની વિદાય
 
લાંબા સમયથી બીમાર પૂર્વ સપા નેતાએ સિંગાપુરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
લખનૌ, તા. 1 : લાંબા સમયથી બીમાર સમાજવાદી પક્ષના પૂર્વ નેતા અમરસિંહનું 64 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું છે. બીમારીના કારણે સિંગાપુરની એક હોસ્પિટલમાં  સારવાર દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એક સમયે ઉત્તરપ્રદેશના કદાવર નેતાઓમાં ગણાતા અમરસિંહ સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંહ યાદવની નજીકના સાથી હતા. આ વર્ષે જ તેમણે ફેબ્રુઆરીમાં અમિતાભ બચ્ચનની પણ માફી માગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમરસિંહના નિધન ઉપર શોક પ્રગટ કર્યો હતો.
અમરસિંહ વર્તમાનમાં ઉત્તરપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ હતા.  5ાંચમી જુલાઇ 2016ના તેમની ઉપલા ગૃહ માટે પસંદગી થઇ હતી. સમાજવાદી પક્ષમાંથી નીકળી ગયા બાદ તેમની સક્રિયતા ખતમ થઇ ગઇ હતી. જોકે, બીમાર થવાથી પહેલાં સુધી તેઓ ભાજપથી નજીક આવી રહ્યા હતા. તેમની રાજકીય સફરની શરૂઆત 1996માં રાજ્યસભાના સભ્ય તરીકે ચુંટાયા બાદ શરૂ થઇ હતી.
તેઓ 2002 અને 2008માં  પણ રાજ્યસભા માટે પસંદ થતા રહ્યા છે. એસપી નેતા મુલાયમસિંહ યાદવ ઉપરાંત મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના પરિવાર સાથે પણ અમરસિંહના નજીકના  સંબંધ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષથી તેમના સંબંધમાં ખટાશ આવી ગઇ હતી. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અમરસિંહે એક વીડિયો જારી કરીને અમિતાભની માફી માગી હતી. એક સમયે મુલાયમસિંહના ‘ખાસ’ કહેવાતા અમરસિંહનું વર્ષ 2017થી તેમનાથી અંતર વધવા લાગ્યું હતું. સમાજવાદી પક્ષમાં શિવલાલ યાદવ અને અખિલેશ યાદવના ઝઘડામાં અખિલેશે અમરસિંહને વિલન માન્યા હતા. અનેકવાર અખિલેશે અમરસિંહની ખુલ્લેઆમ ટીકા કરી હતી. એ પછી તેઓ ભાજપના કાર્યક્રમોમાં દેખાતા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer