જામનગરમાં 12 વર્ષની બાળાનું રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ

જામનગરમાં 12 વર્ષની બાળાનું રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ
પ્રાથમિક તપાસમાં રમતા-રમતા ફાંસો ખાઈ લીધાનું અનુમાન
(ફૂલછાબ ન્યુઝ)  જામનગર, તા.1 : જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં પ્રગતિપાર્ક શ્લોક બિલ્ડીંગમાં રહેતા એક નેપાળી પરિવારની 12 વર્ષની બાળાનું ગળાફાંસાથી મૃત્યુ નિપજયું છે. આ બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો તે જાણવા પોલીસ મથામણ કરી રહી છે. રમતા-રમતા ગળાફાંસો આવી ગયો હોવાનું પરિવારજનો દ્વારા જાહેર કરાયું છે.
જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં પ્રગતિપાર્કમાં રહેતી પૂજા કમલભાઈ સોની નામની 12 વર્ષની બાળાની લાશ તેના રૂમમાં લોખંડના સળિયા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.108ની ટીમને જાણ કરવામાં આવ્યા બાદ સિટી સી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહ કબજે કર્યો હતો.
માત્ર 12 વર્ષની બાળાના શંકાસ્પદ મૃત્યુને લઈને પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બાળાએ રમતા-રમતા ગળાફાંસો આવી ગયો હોવાનું પરિવારજનો દ્વારા જાહેર કરાયું હતું. મૃતકની બે નાની બહેનો સાથે તે રમતી હતી. તેઓએ આ અંગે જાણ કરી હતી. છેલ્લા 7 વર્ષથી નેપાળી પરિવાર અહીં જામનગરમાં વસવાટ કરી રહયો છે અને ચોકીદારી કરતા કમલભાઈને સંતાનમાં ત્રણ પુત્રીઓ હોવાનું અને સૌથી મોટી પુત્રીએ ગળાફાંસો ખાઈ લીધાનું જાહેર કરાયું હતું. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે. જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ડૂબી જતા મૃત્યુ : ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં મહાવીરસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.50) ગઈકાલે બપોરે પોતાની ભેંસોને ચરાવવા માટે ગયા હતા. જયાં પાણી ભરેલા મોટા ખાડામાં અકસ્માતે પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ નિપજયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer