કોરોનાના દર્દી અને આઈસોલેશનના લોકો માટે પૌષ્ટિક ભોજન, દવાની વ્યવસ્થા

કોરોનાના દર્દી અને આઈસોલેશનના લોકો માટે પૌષ્ટિક ભોજન, દવાની વ્યવસ્થા

અનાજ, કરિયાણા, શાકભાજીની ખરીદીથી માંડી ભોજન બને ત્યાં સુધી તંત્રની નજર

રાજકોટ: શહેરમાં કોવિડ કેર સેન્ટર અને કવોરન્ટાઈન સેન્ટર કાર્યરત છે. કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં કોરોના સંક્રમિત લોકોને યોગ્ય ઔષધીઓ સાથે ઈમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક ઉકાળા, હોમિયોપેથીક દવાઓ સાથે પૌષ્ટિક ભોજન પણ અગત્યતા ધરાવે છે. જેને ધ્યાને લઈ સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં આઈસોલેશનમાં રહેલા દર્દીઓ અને કવોરન્ટાઈન સેન્ટરમાં રહેલા લોકોને સમરસ બોયઝ હોસ્ટેલ ખાતે આવેલા ઈન હાઉસ કિચનમાંથી પૌષ્ટિક આહાર તથા નાસ્તો, ચા-દૂધ, કોફી નિયમિત આપવામાં આવે છે. અનાજ, કરિયાણું, શાકભાજીની ખરીદીથી માંડીને ભોજન બને અને લોકોને પિરસાય ત્યાં સુધી સમગ્ર પ્રક્રિયા પર તંત્રની નજર રહે છે તેમ પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ કામ કરતાં મોનિટરિંગ મામલતદાર ઉતમ કાનાણીએ જણાવ્યું છે.

અનાજ-કરિયાણું અને શાકભાજીથી ખરીદીથી માંડીને ભોજન બને અને લોકોને પિરસાય ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયાની પર તંત્રની નજર રહે છે. ભોજનની ગુણવત્તા અને જરૂરી પોષકતત્ત્વો જળવાય તે માટે ત્રિસ્તરીય ચેકિંગ હાથ ધરવામાં આવે છે. કુમાર સમસર છાત્રાલયમાં બનનારા ભોજનની ગુણવત્તા બન્ને સેન્ટરોના વહિવટી સ્ટાફ, મેડિકલ સ્ટાફ અને ડોકટરો દ્વારા ચકાસણી થયા બાદ દર્દીઓને ભોજન પિરસવામાં આવે છે.

જસદણ તાલુકાના વતની કાંતિભાઈ મોડપરા જણાવે છે કે, મારા ભાઈની કોરોનાની સારવાર રાજકોટ સિવિલમાં કરવામાં આવી. મેં અને મારી પત્નીએ સુરતની મુસાફરી કરી હોવાના કારણે અમને કવોરન્ટાઈન કરાયા છે. સવારે ઉઠીએ ત્યારે ન્હાવા માટે ગરમ પાણી, ચા નાસ્તો, રોજ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ભોજન, પાણી, ઉપરાંત દિવસમાં બે વાર ડોકટરો મુલાકાત લઈને જરૂરી દવા આપી જાય છે. પથારી અને ચાદર સમયસર બદલી અપાય છે. ઘર કરતાં પણ સારું જમવાનું મળે છે. ઘરે પણ એક શાકથી ચલાવીએ છીએ જ્યારે અહિયા બે શાક, કઢી, ખીચડી, ગરમ ગરમ રોટલી, સંભારો, છાસ સંધુય મળે છે. અહિયાથી ઘરે ગ્યા પછી થોડાક દિવસ તો ઘરે નહીં ફાવે. આટકોટના વતની કિશોરભાઈ ભટ્ટી જણાવે છે કે, મારા પત્નીને કોરોના પોઝિટિવ આવવાથી મને અહિયા કવોરેન્ટાઈન કરાયો છે. અહિયા ખૂબ સારી સુવિધા મળે છે. સાફ-સફાઈ નિયમિત અને સમયસર થઈ જાય છે. ટુથબ્રશથી માંડીને કપડા ધોવાનું બ્રશ, શેમ્પુ, તેલ જે કાંઈ જોઈતું હોય તેમ મળી જાય છે. જમવાનું નિયમિત અને જેટલું જોઈએ તેટલું મળી જાય છે. અહિયા મળતી સેવા અને સુવિધાથી અમને ખૂબ સંતોષ છે. દિવસમાં બે વાર ડોકટરો આવીને ચેકઅપ કરી જાય છે. સાચુ કહું તો અમને ઘરથી દૂર, ઘર કરતાં વિશેષ સુવિધા રાજ્ય સરકાર આપે છે. 10 લોકોના સ્ટાફ સાથે સતત ખડેપગે ફરજ બજાવતા રસોઈના કોન્ટ્રાકટર નિતાબેન ખારોડ જણાવે છે કે અમે અહિયા અમારી માનવતાની ફરજ બજાવીએ છીએ. કોરોનાના કાળમાં જ્યારે કોઈ બહાર નિકળવા તૈયાર નથી ત્યારે અમે કોવિડ દરદીઓ અને તેના પરિવારજનો માટે ભોજન બનાવવાનું કામ સ્વીકાર્યું છે. રસોઈ તૈયાર કરવાની પ્રક્રિયામાં અમે સ્વચ્છતા અને સુઘડતાને પ્રાથમિકતા આપી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer