સમરસ હોસ્ટેલ કોવિડ કેર સેન્ટર એટલે પારિવારિક ભાવના સાથે લોક સારવારનું કેન્દ્ર

સમરસ હોસ્ટેલ કોવિડ કેર સેન્ટર એટલે પારિવારિક ભાવના સાથે લોક સારવારનું કેન્દ્ર

તબીબ તરીકે દરેક પળ જીવી ગયાનો આનંદ મળે છે - ડો. દિશીતા

રાજકોટ: શહેરમાં સમરસ હોસ્ટેલ ખાતે તૈયાર કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં મામલતદાર ઉત્તમ કાનાણીના માર્ગદર્શન હેઠળ વહિવટી અને મેડીકલ સ્ટાફ કામગીરી બજાવી રહ્યો છે. કોવિડ કેર સેન્ટરની માહિતી આપતાં મેડીકલ નોડલ ઓફીસર જયદિપ ભૂંડિયા જણાવે છે કે, સેન્ટરમાં મેડીકલ સ્ટાફ 8 થી 8 વાગ્યાની બે શિફ્ટમાં કામ કરે છે. બંને શિફ્ટમાં બે મેડીકલ ઓફિસર અને પેરા મેડીકલના પાંચ વ્યક્તિ એમ કુલ મળીને 14 વ્યક્તિઓ અવિરતપણે સેવા આપી રહ્યા છે. ઉપરાંત, સમરસ હોસ્ટેલના નોડલ ઓફીસર વિશાલ કપુરિયાના માર્ગદર્શન તળે કુલ ત્રણ શિફ્ટમાં 9 જેટલા વહિવટી અધિકારી અને કર્મચારી સેવારત છે. સિક્યોરીટી સહિત 24 જેટલા વ્યક્તિઓનો હાઉસ કિપીંગનો સ્ટાફ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યો છે.   

કોવીડ કેર સેન્ટર ખાતે ફરજ બજાવતાં ડો. દિશીતા ગિનોયાના શબ્દોમાં કહીએ તો, કોવીડ-19ના સંક્રમિત લોકોની સેવા માટે મારી પસંદગી થઇ ત્યારે મને રોમાંચ સાથે નવા અનુભવ અંગે અનેક સવાલો હતા. અહીં આવતા દરેક દર્દીઓ પોતાના ઘર અને પરિવારથી દુર હોવા સાથે કોરોનાના કારણે માનસિક તણાવ સાથે આવતો હોય છે. દરેક દર્દીની નિયમિત તપાસ, સારવાર અને તેઓની દૈનિક જીવનચર્યા સાથે તેઓ ઘરથી દુર હોવાની લાગણી અનુભવે તે માટે તેમના આત્મીયજન તરીકેની વિશેષ કાળજી પણ લેવી મહત્વપૂર્ણ બની રહે છે. કોરાનાના દર્દીઓની સારવાર પૂર્ણ થયા બાદ તેઓ જ્યારે ઘરે સાજા થઇને પરત જાય છે, તે સમયે દર્દી અને તેમના પરિવારજનો દ્વારા વ્યક્ત થતી લાગણી તથા તેમની સાથે વિતાવેલા સમય અને આત્મીયતાને કારણે અમને એક તબીબ તરીકે જિંદગીની એક એક પળ જીવી ગયાની લાગણી અનુભવાય છે.

આવું કંઇક સમરસ હોસ્ટલ ખાતે દિનરાત દર્દીઓની સારવાર કરતા ડો.દર્શના ડઢાણિયા કહે છે. ડો. દર્શના પોતાના અનુભવો વર્ણવતા કહે છે કે, સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે તૈયાર કરાયેલા કોવિડ કેર સેન્ટર ખાતે મેડીકલ ઓફિસર - આયુષ તરીકે ફરજ બજાવુ છું. ડયુટીના સમયે સવારે 8 થી સાંજે 8 સુધી હું અન્ય તબીબી સ્ટાફ સાથે ફરજ બજાવું છું. અમે દિવસ દરમ્યાન બે વખત દર્દીઓને રૂબરૂ મુલાકાત લઈને તેમની તબિયત જાણીએ છીએ. ઉપરાંત જ્યારે પણ દર્દીને જરૂર પડે ત્યારે ક્ષણનોય વિચાર કર્યા વિના અમે તેની પાસે પહોંચીને તેમનું ટેમ્પરેચર, ઓક્સિજનનું લેવલ વગેરે ચેક કરીએ છીએ. દરમિયાન દર્દીઓ માટે પારિવારીક માહોલ ઉભો કરીએ છીએ જેથી તેઓ ઝડપથી સાજા થાય છે. જયારે દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવે છે, ત્યારે દર્દીઓ તથા તેમના પરિવારજનો દ્વારા અમારા પ્રત્યે વ્યક્ત થતી લાગણી અમને તબીબી વ્યવસાયમાં જોડાયાનું ગૌરવ બક્ષે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer