કોરોના કાળમાં કારગર નિવડતા ધન્વંતરિ રથ !

કોરોના કાળમાં કારગર નિવડતા ધન્વંતરિ રથ !

શહેરમાં 50થી વધુ રથ કન્ટેનમેન્ટ ઝોન અને ગીચતા ધરાવતા વિસ્તારોમાં ફરે છે અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડે છે

રાજકોટ તા.31 : શહેરમાં કોરોનાના વધતા કેસો વચ્ચે ધન્વંતરિ રથ કારગર સાબીત થઈ રહ્યાં છે. રાજકોટની વાત કરીએ તો શહેરના કન્ટેનમેન્ટ ઝોન અને ગીચતા ધરાવતા વિસ્તારોમાં આશરે 50 જેટલા રથ દ્વારા લોકોને વિવિધ આરોગ્ય વિષયક સેવાઓ પુરી પાડવાની સાથોસાથ તેઓની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે જેનો હજારોની સંખ્યામાં લોકો લાભ લઈ ચૂક્યાં છે.

દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ કોરોના સામે નિયંત્રણ લાવવા માટે વિવિધ ઉપાયો વિચારવામાં આવી રહ્યાં છે ત્યારે સામાન્ય બિમારીઓ તાવ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, શરદી-ઉધરસના નિદાન અને સારવાર માટે રાજ્ય સરકારે ધન્વંતરિ આરોગ્ય રથ અને સંજીવની રથ જેવી સુવિધાઓ શરૂ કરી છે. રાજકોટ મ્યુનિ.તંત્ર દ્વારા ગત તા.1 જુલાઈના રોજ કુલ 15 ધન્વંતરિ રથ દ્વારા સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ તા.8 જુલાઈના રોજ વધુ 35 ધન્વંતરી રથ શરૂ કરતાં હવે કુલ સંખ્યા 50 પહોંચી ગઈ છે. રથોના માધ્યમથી અત્યાર સુધીમાં આશરે એક હજાર આસપાસ લોકોને લાભ મળ્યો છે એટલુ નહીં પરંતુ કોરોનાના સંક્રમણની શંકા પર અનેક દર્દીઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ પણ ખસેડવામાં આવ્યાં છે.

ધન્વંતરિ રથ શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનોને પોતાના ઘરના દરવાજે નોન-કોવિડ આરોગ્યવર્ધક સેવાઓ પૂરી પાડવાનો છે. શહેરની આશરે 12 જેટલી હોસ્પિટલોને કોવિડ-19 કેર સેન્ટર તરીકે જાહેર કરવામાં આવી છે ત્યારે અમુક હોસ્પિટલમાં હાલ પૂરતો તાવ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, શરદી-ઉધરસ જેવી સામાન્ય બિમારીઓ સંલગ્ન ઓપીડી પર કાપ મૂકવામાં આવ્યો છે. મહામારીના કપરા સમયમાં દર્દીઓને હોસ્પિટલ સુધી લાંબુ થવું પડે તે માટે સુવિધા ઉભી કરાઈ છે.

ધન્વંતરિ રથમાં આયુષ ડોક્ટર, પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફ, સ્થાનિક મેડિકલ ઓફિસર પણ સેવારત હોય છે જે આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડે છે. દરેક રથમાં થર્મલ ગન અને પલ્સ એક્સોમીટર દ્વારા ક્રીનીંગ કરવાની કામગીરી પણ કરવામાં આવે છે. રથના માધ્યમથી શહેરમાં કોરોના અંગે જાગૃતતા ફેલાવવા માટેનો પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે. રથ સવારે 9 થી 12 તથા સાંજે 4 થી 6 સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer