જેતપુરમાં પગાર નહીં મળતા શિક્ષકનો ઝેરી દવા પી આપઘાત

જેતપુરમાં પગાર નહીં મળતા શિક્ષકનો ઝેરી દવા પી આપઘાત
(ફૂલછાબ ન્યુઝ)
જેતપુર, તા.31 : લોકડાઉનના કારણે ધંધા-રોજગાર અને નોકરીઓ બંધ થઈ જતા આર્થિક સંકડામણ અને બેકારીના કારણે આપઘાત કે આપઘાતના પ્રયાસ કરવામાં આવતા હોવાના કિસ્સા પોલીસમાં નોંધાતા હોય છે. ત્યારે આવો જ વધુ એક બનાવ જેતપુરમાં બન્યો હતો. લોકડાઉનના કારણે સ્કૂલ બંધ થઈ જતા અને પગાર નહીં ચૂકવવામાં આવતા આર્થિક ભીંસથી કંટાળી જઈ શિક્ષકે ઝેરી દવા પી આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો.
આ બનાવ અંગેની વિગત એવી છે કે જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં રહેતા અતુલભાઈ મગનભાઈ ઠુમ્મર નામના શિક્ષકે જીથુડી હનુમાન મંદિર રોડ પર આવેલી તેની વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગેની જાણ થતા પોલીસ તથા મૃતક અતુલભાઈના પરિવારજનો દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અતુલભાઈ ઠુમ્મર જૂનાગઢમાં આવેલી જીનીયસ પબ્લિક  સ્કૂલમા  અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે નોકરી કરતા હતા પરંતુ લોકડાઉનમાં સ્કૂલો બંધ થઈ જતા સંચાલકોએ પગાર નહીં ચૂકવતા અને કોઈપણ પ્રકારની આર્થિક મદદ નહીં કરતા  અને આર્થિક ભીંસથી કંટાળી જઈ આ પગલું ભરી લીધાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer