ગણેશ ઉત્સવમાં પણ કોરોનાનું ‘િવઘ્ન’!

ગણેશ ઉત્સવમાં પણ કોરોનાનું ‘િવઘ્ન’!
ગણેશજીની બે ફૂટની જ મૂર્તિ ઘરમાં જ સ્થાપન કરી વિસર્જન કરવાનું રહેશે
રાજકોટ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આદેશ જારી કર્યો : જન્માષ્ટમી, અને પર્યુષણ પર્વની જાહેર ઉજવણી નહી થાય 
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.31 : શ્રાવણ મહિનામાં આવતા ધાર્મિક તહેવારોને ધ્યાને લઈને રાજકોટ કલેક્ટરે એક ખાસ જાહેરનામુ બહાર પાડયું છે. જેમાં ખાસ કરીને જન્માષ્ટમી, ગણેશોત્સવ અને જૈન સંપ્રદાયના પર્યુષણ જેવા તહેવારોની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ગણેશ મહોત્સવ નિમિતે જાહેરમાં ગણેશ મૂર્તિના સ્થાપન અને વિસર્જન પણ ન કરવા આદેશ જારી કરાયો છે. આ ઉપરાંત આવતીકાલે બકરી ઈદ નિમિતે હાઈકોર્ટના આદેશને પગલે જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
જનમાષ્ટમી પર્વે રાજકોટમાં યોજાતો સૌરાષ્ટ્રનો પ્રખ્યાત લોકમેળો ઓણસાલ કોરોના મહામારીના કારણે રદ થયો છે ત્યારે આગામી મહિનાઓમાં અન્ય ધાર્મિક તહેવારો પણ આવવાના છે. જેમાં શ્રાવણ મહિનામાં જ આવતા ગણેશોત્સવને ધ્યાને લઈને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ખાસ તકેદારીના ભાગરૂપે ગણેશોત્સવની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જાહેરનામામાં જણાવાયું છે કે, ગણેશ મહોત્સવની ઉજવણી અનુસંધાને મૂર્તિકારો હવે ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવા લાગતા હોય છે. મૂર્તિકારોને મૂર્તિઓના કદ અને ઉંચાઈ બાબતે યોગ્ય ધોરણ જળવાઈ રહે તે માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગણેશજીની મૂર્તિ 2 ફૂટ કરતા વધુ ઉંચાઈની કોઈ વ્યક્તિ ઘરે પણ સ્થાપન કરી શકશે નહી, જેથી મૂર્તિકારો પણ તેટલી ઉંચાઈની મૂર્તિઓ જ બનાવે જેથી તેઓને નુકશાનીનો સામનો ન કરવો પડે.
જિલ્લામાં ગણેશજીની મૂર્તિની જાહેરમાં સ્થાપના ઉપરાંત વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. લોકોએ ઘરે સ્થાપન કરેલી મૂર્તિનું વિસર્જન પણ ઘરે જ કરવાનું રહેશે. આ સિવાય મૂર્તિકારો પાસે રહેલી ખંડિત મૂર્તિઓનું પણ જાહેરમાં ક્યાંય વિસર્જન ન કરવા આદેશ જારી કરાયો છે. આ ઉપરાંત કોઈ પ્રકારના સભા-સરઘસ પણ કાઢી શકાશે નહી.
બીજી તરફ ગઈકાલે સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સાથે જૈન અગ્રણીઓની એક બેઠક યોજાઈ હતી. જેમાં જૈન સંપ્રદાય, શ્વેતાંબર જૈન સંપ્રદાય તથા દિગંબર જૈન સંપ્રદાયના અગ્રણીઓએ પર્યુષણ દરમિયાન મહાવિર જયંતિની ઉજવણી ન કરવા અને સવંત્સરી પ્રતિક્રમણ અને ચાતુર્માસ દરમિયાન ધર્મ કરણી પણ સૌ પોતાની રીતે ઘરે જ કરશે તેવું જણાવ્યું હતુ.
 
આજે બકરી ઈદ નિમિત્તે રાજકોટ, જામનગર, દ્વારકામાં 144 લાગુ
રાજકોટ, જામનગર, ખંભાળિયા, તા.31 : આજે બકરી ઈદ નિમિતે જાહેરમાં કુરબાની અને જુલૂસ કાઢવા પર પ્રતિબંધ જાહેર કરતું જાહેરનામુ રાજકોટ, જામનગર અને દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવાયું છે કે, તા.1 ઓગસ્ટના રોજ ઈદ-ઉલ-અઝા એટલે કે બરી ઈદનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવારની ઉજવણી પ્રસંગે જાનવરની કુરબાની આપવામાં આવે છે અને આ કુરબાની જાહેર કે ખાનગી સ્થળે, મહોલ્લા કે ગલીમાં દેખાય તે રીતે કરવાથી અન્ય ધર્મ-સમૂદાયના લોકોની લાગણી દુભાવાના કારણે સુલેહ-શાંતિનો ભંગ થવા સંભવ રહે છે. ઉપરાંત જિલ્લા વિસ્તારમાં આવેલી મોટી મસ્જિદો, ઈદગાહોમાં બકરી ઈદના તહેવાર અન્વયે મોટાપ્રમાણમાં લોકો નમાજ માટે એકત્રિત થવાનો કે જુલુસ યોજવાના શકયતા હોય છે. પરિસ્થિતિને ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોવિડ-19 અન્વયે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ધાર્મિક આગેવાનો-ટ્રસ્ટીઓ-સંચાલકો-મૌલવીઓને યોગ્ય સમજ કરવી જરૂરી હોવાથી કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શહેરમાં કે મહોલ્લામાં વગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવા પર તેમજ કોઈપણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે શહેરમાં લઈ જવા કે ફેરવવા પર, બકરી ઈદ તહેવાર નિમિતે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા પર તથા જાહેર જગ્યામાં કોઈપણ વ્યકિતએ થૂંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ જણાવાયું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer