ગુજરાતના નવા DGP ભાટિયા

ગુજરાતના નવા DGP ભાટિયા
અમદાવાદ પોલીસ કમિશનરના નામની જાહેરાત હવે પછી કરાશે
અમદાવાદ, તા. 31: ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાના નામ પર મહોર લગાવવામાં આવી છે. આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ અધિકારી છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપાસિંહ જાડેજાએ અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાની ગુજરાતના નવા ડીજીપી તરીકે નિમણૂંક થઇ હોવાની જાહેરાત કરી છે. હાલના ડીજીપી શિવાનંદ ઝાનો કાર્યકાળ આજે પૂરો થાય છે. શિવાનંદ ઝા ત્રણ મહિના પહેલા નિવૃત્ત થઇ ગયા હતા પરંતુ કોરોનાની સ્થિતિને કારણે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું, જે આજે પુરું થાય છે.
મહત્ત્વનું છે કે, ડીજીપીની રેસમાં તેમનું નામ સૌથી આગળ હતું. ગુજરાત સરકાર દ્વારા યુપીએસસીને ત્રણ નામ મોકલવામાં આવ્યા હતા જેને યુપીએસસીએ મહોર માર્યા પછી રાજ્યસરકારે આશિષ ભાટિયાને ડીજીપી બનાવવાનો નિર્ણય કર્યો છે. આમ ગુજરાતને 38માં ડીજીપી તરીકે આશિષ ભાટિયા મળ્યા છે. આશિષ ભાટિયા આવતીકાલે અમદાવાદ પોલીસ કમિશ્નરનું પદ છોડી ગુજરાતના પોલીસ વડા તરીકેનું પદ ગ્રહણ કરશે. હવે અમદાવાદ પોલીસ કમિશ્નર કોણ થશે તેની જાહેરાત આગામી એકાદ દિવસમાં થશે, એમ ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપાસિંહ જાડેજાએ જણાવ્યુ હતું. હાલ અમદાવાદ પોલીસ કમિશ્નર પદની જગ્યા માટે સંજય શ્રીવાસ્તવ, કેશવકુમાર અને અજય તોમરના નામો ચર્ચામાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના નવા પોલીસ વડા તરીકે નીમાયેલા આશિષ ભાટિયાનો જન્મ હરિયાણામાં થયો હતો. તેમણે એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો છે. તેઓ 2016માં સુરત પોલીસ કમિશનર, સીઆઇડી ક્રાઇમના વડા તરીકેની પણ ફરજ બજાવી ચૂક્યા છે. અહીં નોંધવું ઘટે કે,2008માં અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ થયો હતો તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં તેઓ જોઈન્ટ પોલીસ કમિશનર હતા અને તેમણે અને તેમની આખી ટીમે ભેગા થઈને 20 જ દિવસમાં આખો કેસ ઉકેલી 30 જેટલા આરોપીઓને પકડી લીધા હતા. આમ તેઔ સૌ પહેલુ ઇન્ડિયન મુઝાદીનું મોડયુલ બહાર પાડનારા અધિકારી પણ છે.
આ ઉપરાંત તેમણે અનેક કેસની તપાસ કરીને રાજ્યની પોલીસ સેવામાં તેમનું યોગદાન આપ્યુ છે. જેમાં જાણીતા કૌભાંડોમાં2008માં લઠ્ઠાકાંડ, 2018માં બીટકોઇન કૌભાંડનો સમાવેશ થાય છે. તેઓ 2001માં પોલીસ મેડલ અને 2011માં પ્રેસિડન્ટ મેડલ મેળવી ચૂક્યા છે. તેમજ ડેટાબેઇઝ આધારે ગુનાઓની તપાસ કરવામાં માહિર છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer