પેંગોંગ પાસે ચીને ફરી ખડક્યા દળો

પેંગોંગ પાસે ચીને ફરી ખડક્યા દળો
સેટેલાઈટ ઈમેજમાં ચીનની હરકતનો ખુલાસો, ફિંગર-5 થી 8 સુધી વધારી રહ્યું છે શક્તિ
નવી દિલ્હી, તા. 31 : ભારત અને ચીન વચ્ચે થયેલી કોર કમાન્ડર સ્તરની વાત દરમિયાન પાછળ હટવા માટે રાજી થયેલું ચીન ફરીથી એલએસી ઉપર ષડયંત્ર રચી રહ્યું છે. હકીકતમાં ચીન લદ્દાખના પેંગોંગ ત્સો વિસ્તારમાં પોતાના સૈનિકોની તૈનાતી વધારી રહ્યું છે. સેટેલાઈટ ઈમેજથી આ ખુલાસો થયો છે. 14 જુલાઈના રોજ કોર કમાન્ડર સ્તરની વાતચીતમાં બન્ને દેશો વચ્ચે પાછળ હટવા માટે સહમતિ બની હતી. જેને લઈને ચીનની સેના અમુક વિસ્તારમાં પાછળ પણ હટી હતી. પરંતુ પેંગોંગ ત્સો વિસ્તારમાં ચીનની સેના હજી પણ પાછળ હટવા માટે તૈયાર નથી અને સૈનિકોની તૈનાથી વધારવામાં આવી રહી છે .
ચીનની સેનાએ પેંગોંગ ત્સો વિસ્તારમાં નવા કેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ છાવણીઓમાં વધારાના સૈનિકોની તૈનાતી કરવામાં આવી છે. આ ઉપરાંત તળાવની દેખરેખ માટે ચીને બોટોની સંખ્યા પણ વધારી છે. એક અહેવાલ અનુસાર 29 જુલાઈની સેટેલાઈટ તસવીરોમાં ચીનની હરકતોનો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર ચીની સેના હજી પણ ફિંગર-5 અને ફિંગર-6મા છે.
ફિંગર-5 ઉપર ચીનની 3 બોટ અને ફિંગર -6 ઉપર 10 બોટ દેખાઈ રહી છે. ફિંગર-5 ઉપર પીએલએની નૌસેનાનો બેઝ બન્યો છે. જેમાં અંદાજીત 40 કેમ્પ છે. ચીનની સેનાના બેઝને ધ્યાને લેતા ખ્યાલ આવે છે કે ચીને ઠંડી માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને સેના લાંબા સમય સુધી ટકવાની યોજનામાં છે. ભારતીય સેના અનુસાર એલએસી ફિંગર-8 નજીકથી પસાર થયા છે. જેના કારણે ભારતીય સેના ત્યાં પેટ્રોલિંગ કરે છે. બીજી તરફ ચીન ફિંગર-4 સુધી પોતાની સરહદ હોવાનો દાવો કરે છે અને ફિંગર-4 સુધી પેટ્રોલિંગ કરે છે. તેમજ વિવાદ બાદ ચીને પોતાની સ્થિતિ મજબુત કરી લીધી હતી.

ચીનને વધુ એક ઝટકો
સોલાર પેનલ ઉપર ડયૂટી એક વર્ષ માટે લંબાવાઈ
નવી દિલ્હી, તા. 31 : મોદી સરકાર ભારત અને ચીન સરહદે તનાવ અને ઘર્ષણ બાદ ચીનના કારોબારને પ્રભાવિત કરતા નિર્ણયો લઈ રહી છે અને ચીની આયાત ઉપરની નિર્ભરતા ઘટાડવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જ ક્રમમાં સરકારે આયાત કરવામાં આવતી સોલાર પેનલ અને સેલ ઉપરની સેફગાર્ડ ડયૂટીને એક વર્ષ માટે લંબાવી દીધી છે. આ ઉપરાંત અન્ય વસ્તુઓની આયાત ઉપર કર પણ લાદવામાં આવ્યો છે.
ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી સૌથી વધારે નુકસાન ચીનને જ થશે. કારણ કે ભારતમાં સોલાર પેનલ અને સેલનો એક મોટો હિસ્સો ચીનથી જ આયાત કરવામાં આવે છે. સોલાર પેનલ અને સેલ ઉપરાંત સરકારે ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ બનાવવામાં ઉપયોગમાં લેવાતી પ્રિન્ટિંગ પ્લેટ અને કાચા માલની આયાત ઉપર કર લાદ્યો છે. આટલું જ નહી ડિજિટલ ઓફસેટ પ્રિન્ટિંગ પ્લેટ્સ અને એનિલિન ઓઈલ ઉપર પણ આયાત કર લાગુ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે સરકારે આ અગાઉ એલાન કર્યું હતું કે, સોલાર પેનલ અને સેલ ઉપ્ર અંદાજીત 15 ટકા સેફગાર્ડ ડયૂટી 29 જુલાઈ સુધી લાગુ કરવામાં આવશે. હવે આ ડયૂટીને  એક વર્ષ લંબાવવામાં આવી છે. વાણિજ્ય મંત્રાલયના જાહેરનામા પ્રમાણે પહેલા છ મહિના સુધી સોલાર પેનલ અને સેલ ઉપર સેફગાર્ડ ડયૂટી 14.9 ટકા રહેશે. ત્યારબાદ ઘટાડીને 14.5 ટકા કરવામાં આવશે. ચીન ઉપરાંત વિયેતનામ અને થાઈલેન્ડથી આવતા સોલાર ઉત્પાદનો ઉપર પણ ડયૂટી લાગુ કરવામાં આવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer