સ્કૂલ ફી માફીનો પરિપત્ર હાઈકોર્ટમાં ‘નાપાસ’

સ્કૂલ ફી માફીનો પરિપત્ર હાઈકોર્ટમાં ‘નાપાસ’
 ગુજરાત હાઇકોર્ટે સરકારનો પરિપત્ર રદ કર્યો  ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા શાળાઓને નિર્દેશ
 
હાઇકોર્ટનો વિસ્તૃત ચુકાદો આવ્યા બાદ અભ્યાસ કરીને સરકાર પાલન કરશે : શિક્ષણ પ્રધાન
(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા. 31: કોરોના સંકટનાં કાળમાં ઓનલાઈન શિક્ષણ આપતી શાળાઓને ફીનાં ઉઘરાણા કરતાં અટકાવતાં રાજય સરકારનાં રાહતકારી પરિપત્રને આજે ગુજરાત હાઈકોર્ટે રદ કરી નાખતાં છાત્રોનાં વાલીઓને મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટનાં આજનાં આ વચગાળાનાં આદેશ પછી ગુજરાત સરકાર પાસે ખાનગી શાળા સંચાલકો સાથે વાટાઘાટ કે પછી ઉપલી કોર્ટમાં જવાનો વિકલ્પ બચે છે. લોકહિતમાં હવે રાજ્ય સરકાર કઈ દિશામાં આગળ વધે છે તેનાં ઉપર આ સમગ્ર વિવાદનું ભાવિ નક્કી થશે. ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ચાલુ ન હોવાથી ખાનગી શાળાઓ ફી વસૂલી ન શકે તે મુદ્દો રદ કરતાં પરિપત્રના બાકીના મુદ્દાઓ યથાવત રાખ્યા છે. હવે આગામી થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે.
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રાસિંહ ચુડાસમાએ હાઇકોર્ટના ચુકાદા બાબતે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતુ કે આજરોજ હાઈકોર્ટે રાજ્ય સરકાર,વાલીમંડળ અને સંચાલક મંડળને સાંભળીને વચગાળાનો આદેશ કરતા જણાવ્યું છે કે શાળાઓ ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રાખે, રાજ્ય સરકારની ઓનલાઈન ભણાવવાની કામગીરીને હાઈકોર્ટે બિરદાવી છે અને વિસ્તૃત ચુકાદો બાકી રાખ્યો છે. હાઈકાર્ટે એમ પણ જણાવ્યું છે કે શાળામાં ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રહેવું જોઈએ. હાઈકોર્ટના વિસ્તૃત ચુકાદો આવ્યા બાદ તેનો અભ્યાસ કરીને સરકાર સંપૂર્ણ પાલન કરશે.
હાઇકોર્ટના ચુકાદા પર કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયામા સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, સરકાર હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમકોર્ટમાં કેમ નહીં જાય? પોતાનું પ્રધાન પદ બચાવવા સુપ્રીમ સુધી જઇ શકતા હોય તો વાલીઓ માટે કેમ નહીં? તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની નીતિ-નિયત સાફ નથી તેમજ રાજ્યના વાલી-વિદ્યાર્થીઓની તેમને ચિંતા નથી.
દરમિયાન પક્ષકારના વકીલ રાહીલ જૈને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૂ ના થાય ત્યાં સુધી ફી વસુલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. આ ઠરાવ કાયદાથી વિપરીત હોવાની શાળા સંચાલકોની રજૂઆત હતી. હાઈકોર્ટ શાળા સંચાલકોને કહ્યું કે ભણાવવાનું ચાલુ રાખો, અમે સંતુલન બનાવવા મુદ્દે હુકમમાં નોંધ કરીશું. વાલીઓની સમસ્યા, શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે. હાઈકોર્ટ આ અંગે વધુ નિર્દેશ આપશે અને વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જારી કરશે.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજય પટેલે હાઇકોર્ટના ચુકાદાને આવકારતા જણાવ્યું હતું કે, હજુ પણ કોઈ વાલીને તકલીફ હોય તો રૂબરૂ  આવીને મળી શકે છે. ફી ઘટાડા અથવા ફી માફી સુધીના અમે નિર્ણય પણ લઈશું. પરંતુ જે વાલીઓ સક્ષમ છે તે વાલીઓ ફી ભરવા આગળ આવે. જેથી શિક્ષકો અને સ્કૂલમાં રહેલા બિન શૈક્ષણિક સ્ટાફનો પગાર પણ કરી શકાય.
 
‘ભણતર નહીં તો વળતર નહીં’
કોંગ્રેસ દ્વારા વાલી-છાત્રોનાં હિતમાં લડતનો નિર્ણય
અમદાવાદ, તા.31 : કોરોનાની મહામારીથી પીડિત સમગ્ર રાજ્યમાં સરકારી તથા ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓની ચાલુ શૈક્ષણિક વષર્ની સંપૂર્ણ ફી માફ કરવા તેમજ સ્વનિર્ભર શાળાઓને પગાર અને વહીવટી ખર્ચ પેટે વિશેષ નાણાંકીય સહાય તથા વગર વ્યાજે લોન ઉપલબ્ધ કરવાની માંગણી સાથેનો પત્ર વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીને લખ્યો છે. ધાનાણીએ ચીમકી ઉચ્ચારી છે કે, જો રાજ્યના વાલી-વિદ્યાર્થીઓના હિતમાં સરકાર નક્કર પગલા નહીં લે અને માંગણી નહીં સ્વીકારાય તો ભણતર નહીં તો વળતર નહીંના સંકલ્પ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ધરણા-પ્રદર્શન-ઉપવાસ કરવામાં આવશે.
ધાનાણીએ કહ્યું કે, રાજ્યસરકાર દ્વારા કરવામાં આવેલ પરિપત્રને હાઇકોર્ટે રદ્દ કર્યો છે. જેના સંદર્ભમાં રાજ્યના શિક્ષણપ્રધાને હાઇકોર્ટના આ નિર્ણય સામે સરકાર સુપ્રિમમાં નહીં જાય તેવું વલણ જાહેર કર્યું છે જેના કારણે ગુજરાતના વાલી-વિદ્યાર્થીઓની પરેશાનીમાં મોટાપાયે ઉમેરો થયો છે. જ્યારે શિક્ષણપ્રધાન ખુદ પોતાનું ધારાસભ્ય પદ રદ્દ થયું ત્યારે સુપ્રિમ કોર્ટમાં ગયા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા રૂ.20 લાખ કરોડનું પેકેજ જાહેર થયું, તેમાં શિક્ષણ વ્યવસ્થા માટે કોઇ જોગવાઇ કરી હોય તેમ જણાતું નથી.
 
હાઈકોર્ટના આદેશ મુજબ ટયુશન
ફી લઈ શકાશે : જતીન ભરાડ
(ફૂલછાબ ન્યૂઝ) રાજકોટ, તા.31 : હાઈકોર્ટના આદેશથી ખાનગી શાળાના સંચાલકોને રાહત મળતા શૈક્ષણિક ફી બાબતે શાળાઓ હાઈકોર્ટની ગાઈડલાઈન પળાશે તેવું વાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે કહ્યું હતું.  તેમણે કહ્યંy કે, ટયુશન ફી વસૂલવાની કોર્ટે મંજૂરી આપતા શાળાઓ ક્રમશ: બેઠી થઈ શકશે. એટલું જ નહીં કોર્ટના ચૂકાદાની રાહ જોઈને બેઠેલા સક્ષમ વાલીઓ પણ હવે ટયુશન ફી ભરવા આગળ આવશે.  શાળા સંચાલકોની માનવતા બતાવતા ભરાડે એમ પણ જણાવ્યું હતું કે ગરીબ તેમજ મધ્યમ વર્ગના જે વાલીઓને ખરેખર કોરોનાની મહામારી નડી ગઈ છે તેવા વાલીઓની સંપુંર્ણ અથવા આંશિક ફી વસુલવા શાળાઓ વિચારશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer