ગાગવાધારમાં ટ્રકની લોનના હપ્તા નહીં ભરાતા યુવાનનો આપઘાત

મૃતકના પરિવારજનો દ્વારા લાશનો સ્વીકાર નહીં કરાતાં મામલો ગરમાયા પછી મેઘપર પોલીસે ગુનો નોંધ્યો
જામનગર, તા.31: (ફૂલછાબ ન્યુઝ) જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગાગવાધારમાં રહેતા એક યુવાને ઝેરી દવા પી લઈ જીવનનો અંત આણ્યો હતો. મૃતક યુવાનના કાકાજી સસરાએ છળકપટથી તેના નામ પર ટ્રકની ખરીદી કરી હતી અને તે ટ્રકના પૈસા નહીં ભરતા ફાઈનાન્સ કંપનીવાળાઓ ઘેર ધકકા ખાતા હોવાથી આર્થિકભીંસના કારણે તેણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું છે.
ગાગવાધારમાં રહેતા બાબુભાઈ હીરાભાઈ વાઘેલા નામના 34 વર્ષના યુવાને ઝેરી દવા પી લેતા જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને તેના આપઘાતના પગલા અંગે મૃતકના કાકાજી સસરા રામાભાઈ પરમાર અને જીગર પરમાર સામે ચોંકાવનારા આક્ષેપો કર્યા હતાં. મૃતક યુવાનના નામે ફાઈનાન્સમાં બે ટ્રક લઈ લીધા પછી તેના હપ્તા નહીં ભરી મૃતક યુવાન પર પૈસા ભરવા માટે દબાણ કરાયું હતું. પોતાની આર્થિક તંગીને લઈને તેણે આ પગલું ભર્યાનું જાહેર કરાયું હતું. મૃતક બાબુભાઈને તેના કાકાજી સસરા અને જીગર પરમાર હેરાન-પરેશાન અને ધાક ધમકી તેમજ દબાણ કરતા હોવાની એક અરજી મેઘપર પોલીસ સ્ટેશન, જામનગર જિલ્લા પોલીસ વડા તેમજ ડીઆઈજીને પણ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. જેની સામે કોઈ પગલાં લેવાયા નથી અને તે બંનેના કારણે જ બાબુભાઈએ આપઘાતનું પગલું ભરી લીધું છે. જેથી તેઓ સામે ગુનો નોંધવામાં નહીં આવે ત્યાં સુધી લાશનો સ્વીકાર કરવામાં નહીં આવે તેવું પરિવારજનોએ જણાવતા ભારે દોડધામ થઈ હતી. મોડી રાત્રે લાશને હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવી હતી. આખરે મૃતકના ભાઈ ગાગવાધારમાં રહેતા મનજો ઉર્ફે મુન્નાભાઈ હીરાભાઈ વાઘેલાની ફરિયાદના આધારે મૃતકના કાકાજી સસરા રામાભાઈ વિરમભાઈ પરમાર અને જીગર વિરમભાઈ પરમાર સામે મેઘપર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યા બાદ પરિવારજનોએ લાશને સ્વીકારી હતી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer