મોટીગોપ ગામના વેપારીને જુગારના કેસમાં ફસાવીને તોડ કર્યાની ફરિયાદ

મહિલા પીઆઈ, ફોજદાર અને સ્ટાફ વિરૂધ્ધ ઉચ્ચકક્ષાએ રજૂઆત
જામજોધપુર, તા.31 : જામજોધપુર તાબેના મોટીગોપ ગામે રહેતા વેપારીને જુગારના કેસમાં ફસાવીને તોડ કર્યાની મહિલા પીઆઈ, ફોજદાર અને સ્ટાફ વિરૂધ્ધ વેપારીએ જિલ્લા પોલીસવડા, મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો.
આ બનાવ અંગેની વિગત એવી છે કે જામજોધપુર તાબેના મોટીગોપ ગામે રહેતા અને ખેતીકામ કરતા તથા ભગીરથ જનરલ સ્ટોર નામે દુકાન ધરાવતા વશરામભાઈ વેજાણંદભાઈ કારેણા નામના વેપારીએ જામજોધપુર પોલીસ મથકના મહિલા પીઆઈ પ્રજાપતિ, ફોજદાર ઝાલા, પોલીસમેન અર્જુનસિંહ અને ત્રણ અજાણ્યા પોલીસ કર્મચારીઓ સહિતના વિરૂધ્ધ ખોટો  વરલી મટકાનો કેસ કરી તોડ કર્યા સહિતના આક્ષેપો સાથે  જામનગર જિલ્લા પોલીસવડા, રાજકોટ રેન્જ આઈ.જી., ગૃહસચિવ, માનવઅધિકાર પંચ સમક્ષ લેખીત ફરિયાદ કરી હતી.
ફરિયાદમાં આક્ષેપો કરતા વશરામભાઈ કારેણાએ જણાવ્યું હતું કે ગત તા.ર3/7/ર0ના તેની દુકાને બેઠા હતા ત્યારે મહિલા પીઆઈ. પ્રજાપતિ, ફોજદાર ઝાલા, પોલીસમેન અર્જુનસિંહ અને અન્ય ત્રણ અજાણ્યા પોલીસ કર્મચારીઓ દુકાને આવ્યા હતા અને વરલી મટકાનો ધંધો કરતા હોવાનું જણાવી ખાનામાં પડેલી બિલબુક તથા રૂ.3040 ની રકમ લઈ લીધી હતી અને બાદમાં પોલીસ મથકે લઈ જઈ મહિલા પીઆઈ. પ્રજાપતિએ ધમકાવી કોરા કાગળમાં સહી કરાવી લીધી હતી. બાદમાં ગામના મનસુખ સામત સોલંકી, રજની નાથા કારેણા, પ્રતિક જોષી અને પરબત દેવાણંદ શીર મળવા આવ્યા હતા. તેની પાસે રૂ.10 હજારની માગણી કરી હતી. બાદમાં બધાએ ભેગા થઈ રૂ.9 હજાર હોવાનું જણાવતા પોલીસે રૂ.9 હજારની રકમ પડાવી લીધી હતી. આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ હોય તેના ફૂટેજ મેળવવા જણાવાયું હતું. આ મામલે જવાબદાર પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer