વડોદરામાં રૂ.4ર લાખમાં આંધળીચાકણ સાપ વેચવા નીકળેલા પાંચ શખસો ઝડપાયા

વડોદરા, તા.31 : તાંત્રિક વિધિ માટે ઉપયોગમાં લેવાતી આંધળીચાકણ સાપને રૂ.4ર લાખમાં વેચવા નીકળેલા પાંચ શખસોને ફોરેસ્ટ વિભાગના સ્ટાફે ઝડપી લઈ વધુ તપાસ હાથધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, વડોદરા-સુરત હાઈવે પરની એલ એન્ડ ટી કંપની પાસેના વિસ્તારમાં સાપનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યાની બાતમીના આધારે વડોદરા વન વિભાગના સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું અને બોડેલીથી આંધળીચાકણ સાપ લાવનાર અરુણ ખત્રી અને ઝાકીર હુશેન અબ્દુલ કરીમ ખત્રી તેમજ વેચાણ માટે દલાલની ભૂમિકા ભજવનાર ડભોઈના ગોવીંદ રબારી, ચીંતન પરમાર ઉર્ફે ચીકો અને દીનેશ મોચીને સાપ સાથે ઝડપી લીધા હતા. ફોરેસ્ટ વિભાગની પ્રાથમિક તપાસમાં પાચેય શખસો તાંત્રિક વિધિ માટેથી આ સાપનું રૂ.4ર લાખમાં વેચાણ કરવા નીકળ્યા હતા. બે મોઢાવાળા સાપ તરીકે આંધળીચાકણ ઓળખાય છે. આ સાપ રાખવાથી ધનલાભ થતો હોવાની અંધશ્રદ્ધાને કારણે તેનો વેપાર થતો હોય છે. તાંત્રિક વિધિ માટે આ સાપ લાખોમાં વેચાતો હોય છે. ફોરેસ્ટ વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer