જામનગર જિલ્લાના આરબલુસની ઘટના યુવાને ભાભી સાથે અનૈતિક સંબંધમાં આડખીલીરૂપ પત્નીનું ગળે ટૂંપો દઈ કાસળ કાઢયાનું ખુલ્યું


જામનગર, તા.31: (ફૂલછાબ ન્યુઝ) જામનગર જિલ્લાના આરબલુસની યુવતી પૂર્ણાબાના આપઘાત પ્રકરણમાં નવો વણાંક આવ્યો છે. પતિ અને મૃતકની જેઠાણી વચ્ચેના અનૈતિક સંબંધ આડખીલીરૂપ થતા પત્નીનું ગળેટૂંપો દઈ કાસળ કાઢી નાખ્યાનું ખુલ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ગળેટૂંપો દીધો હોવાનો ખુલાસો થતા પોલીસે ખૂનનો ગુનો નોંધ્યો છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસમાં એક નવ પરિણીતા દહેજના ખપ્પરમાં હોમાઈ ગઈ હોવાનું જાહેર થયું હતું. જેમાં નવો ખુલાસો થયો છે. પરિણીતાએ આપઘાત નહીં પરંતુ તેના પતિએ ગળેટૂંપો દઈને હત્યા નિપજાવી હોવાનો પી.એમ.િરપોર્ટના આધારે ખુલાસો થયો છે. પતિ અને જેઠાણી વચ્ચેના અનૈતિક સંબંધોમાં આડખીલીરૂપ પત્નીનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હોવાનું સામે આવતા પોલીસ તંત્ર ચોંકી ઉઠયું છે અને આ પ્રકરણમાં ખૂનનો ગુનો નોંધ્યો છે.
ભાવનગર તાલુકાના ભંડારિયા ગામના વતની જયુભા કનુભા ગોહિલની પુત્રી પૂર્ણાબા કે જેના લગ્ન ગત 31મી જાન્યુઆરી 2020ના દિવસે લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા શક્તિસિંહ રાજુભા જાડેજા સાથે થયા હતા. તે લગ્નના ત્રીજા માસથી દહેજના કારણે પૂર્ણાબાને દહેજ ઓછું લાવી છો તેમ કહી પતિ-સાસુ અને જેઠાણી અવારનવાર મેણાંટોણા મારી ત્રાસ ગુજારતા હતા. આ ત્રાસ સહન નહીં થતા પૂર્ણાબાએ ગઈ 27મીએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લઈ જિંદગીનો અંત લાવી
દીધો હતો.
આ મામલો લાલપુર પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને લાલપુર પોલીસે પૂર્ણાબાના પિતૃ પક્ષને ભાવનગર જાણ કરતા મૃતકના પિતા જયુભા ગોહિલ લાલપુર દોડી આવ્યા હતા. તેમણે પોતાની પુત્રીને દહેજના કારણે ત્રાસ આપતો હોવાનું જણાવ્યું હતું. જેથી જામનગર મહિલા પોલીસ મથકમાં મૃતકના પિતા જયુભા ગોહિલની ફરિયાદના આધારે મૃતકના પતિ શક્તિસિંહ રાજુભા જાડેજા, સાસુ રેખાબા રાજુભા જાડેજા અને જેઠાણી અનિતાબા અનુપસિંહ જાડેજા સામે આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપવા માટેની કલમ સહિતનો ગુનો નોંધાવ્યો હતો અને દહેજ પ્રતિબંધક અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન લાલપુર પોલીસ દ્વારા હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેના રિપોર્ટમાં મૃતકને ગળેટૂંપો અપાયો હોવાનું તારણ નિકળતા આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. લાલપુર પોલીસે મૃતકના પતિ શક્તિસિંહની વધુ પૂછપરછ કરી હતી. જેમાં આખરે આરોપી ભાગી ગયો હતો અને પોતે જ દોરડા વડે ગળેટૂંપો દઈ હત્યા કરી હોવાનું કબૂલી લીધું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer