હવનના ધૂમાડાથી આખા વિસ્તારને સેનેટાઇઝડ

કરવાનો પ્રથમ પ્રયોગ રવિવારે ભાવનગરમાં થશે

(ફૂલછાબ ન્યુઝ)

ભાવનગર, તા.31:  તા.2જીના  રોજ  સાંજે 5 થી 8  ભાવનગરના  “ભાઈબંધો’’ દ્વારા યજ્ઞયાત્રા  પ્રોજેકટ, તંત્રના સૂચન અનુસાર  સિન્ધુનગર વિસ્તારમાં યોજવામાં આવશે.

સમગ્ર દેશમાં કોઈ વિસ્તારને વ્યાપક સ્વરૂપે વૈદિક વિજ્ઞાનના  આધારે ડો.ઓમ ત્રિવેદી સંશોધિત યજ્ઞ થેરાપી દ્વારા વિશિષ્ટ પ્રકારે યજ્ઞ યાત્રા યોજી વાતાવરણને શુદ્ધ કરવા સાથે હકારાત્મક ઉર્જાના સંચાર માટે મેડિસીનલ સ્મોક (હવનના ધૂમાડા)થી સેનેટાઇઝ કરવાનો પ્રથમ પ્રયોગ ભાવનગર શહેરના સિન્ધુનગર વિસ્તારમાં કરવામાં આવનાર છે.

સંપૂર્ણ વિસ્તારનું યજ્ઞયાત્રા માધ્યમથી મેડિસીનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવા માટે 25  “ભાઈબંધો’’ સાથે વિશિષ્ટ પ્રકારે તૈયાર કરેલ 62 કરતા વધુ દ્રવ્યો ધરાવતી હવન સામગ્રી સાથે લાવિંગ, અજમાં, ભીમસેની કપૂર, ચોખા, ટોપરું, લીમડો, ખડીસાકર, ગૂગળ, ગાયનું ઘી,ગાયના છાણા, આંબાના સમીધ સહિત કુલ 73 જેટલી આર્યુવેદીક ઔષધિઓ (દ્રવ્યો)ના હોમનો ઉપયોગ કરવામાં આવશે.

યજ્ઞ યાત્રા 2/8 રવિવારે, નવજવાન સેવા મંડળ, સિન્ધુનગરથી સાંજે 5 વાગે ગાયત્રી મંત્રની આહૂતિ આપ્યા બાદ શરૂ થઈ, વિશિષ્ટ પ્રકારે ડિઝાઇન કરેલ 20 હવનકુંડ સાથે સંપૂર્ણ સિન્ધુનગર વિસ્તારના 3.5 કિ.મી જેટલા દરેક રસ્તાઓ પર ફરી કુલ 127 કિલો સામગ્રીના હોમ કરશે. યાત્રા પૂર્ણ થયે ફોર વ્હીલર પણ સેનેટાઇઝ કરવામાં આવશે.

પવિત્ર કાર્ય માટે શહેરના નામાંકિત સેવાભાવી ઉદ્યોગપતિઓ, હોસ્પિટલ ઈન્ડ. એડવોકેટ, ધાર્મિક-સામાજીક સંસ્થાઓના કાર્યકર્તાઓ, રિટાયર્ડ બેન્ક કર્મી, પોલીસ કર્મીઓ, પ્રાધ્યાપકો, અધ્યાપકો, શિક્ષકો સહિત નાગરિકોએ વિવિધ સ્વરૂપે સહયોગી બની સામાજિક ઋણ અદા કર્યું છે.

આપણી પ્રાચીન વૈદિક પરંપરા અને વૈદિક વિજ્ઞાનને પુન:સ્વીકારી શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રકારે યજ્ઞ યાત્રા યોજી મેડીસીનલ સ્મોક દ્વારા પોતપોતાના વિસ્તારોને સેનેટાઇઝ કરવાં માટે શહેરના યુવાઓ વિચારે તેમજ શક્ય બને તો પોતાના ઘરે નિયમિત માત્ર ગાયત્રી મંત્રની આહુતિ સાથે યજ્ઞ શરૂ કરે તેવી પ્રેરણા આપવાનો “યજ્ઞયાત્રા મોડેલ’’ નો પવિત્ર ઉદ્દેશ છે.

 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer