ખંભાળિયાના 11 ગામોમાં મીઠાના અગરના વિરોધમાં રજૂઆત

મીઠાના અગરમાં જગ્યા અપાશે તો મહત્ત્વની યોજના બેહ બંધારા નષ્ટ થશે: સરપંચો

જામખંભાળિયા, તા.31:  ખંભાળિયાના ઝાકસિયા, બેહ, નાના આસોટા, ચાર બારા, ચુડેશ્વર, ગોંઇઝ, કાલાવડ સીમાણી, બેરાજા ગામના સરપંચો અને જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા 11 ગામોના વિસ્તારમાં મીઠા અગર થવાના વિરોધમાં અને આને કારણે મહત્ત્વની યોજના બેહ બંધારા યોજના નષ્ટ થશે બાબતે જિલ્લા કલેક્ટરે આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

ખંભાળિયા તાલુકાના ઝાકસિયા, બેહ, નાના આસોટા, બેરાજા, દખણાદા બારા, ઉગમણા બારા, વચલા બારા, આથમણા બારા, ચુડેશ્વર, ગોંઇઝ, કાલાવડ સીમાણી, બેરાજા ગામના સરપંચો અને જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજા, બેહ ગામના અગ્રણી અને માર્કાટિંગ યાર્ડના ડાયરેક્ટર વેરશીભાઈ ગઢવી દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પાઠવી રજૂઆત કરી હતી કે ઉપરોક્ત ગામો દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા હોય અને તેમાં મીઠાના અગરની માગણીઓ કંપની દ્વારા કરવામાં આવી હતી તે ફાઈલો મામલતદાર ઓફિસમાં આપેલ છે તે માગણી સામે અને મીઠાના અગર કરવા સામે અમને વિરોધ છે. મીઠાના અગરથી અમારા આજુબાજુના 10થી 15 ગામો જમીનમાં મીઠાના સંગ્રહના હિસાબે ભૂગર્ભના પાણી ખારા થઈ જશે જેના હિસાબે અમારી લાખો હેકટર જમીનમાં ખારાશ અને બંજર બની જાશે અને ત્યાં પંદર ગામોના વસવાટ કરતાં પશુપાલકો પશુ વિહોણા થશે તેમજ મહત્ત્વની યોજના જે મીઠા પાણીના સંગ્રહ માટે બેહ બંધારા યોજના નષ્ટ થશે અને ગોંઇઝ બંધારા યોજના બંધ રહેશે જેના કારણે લાખો હેકટરમાં જમીનમાં જે વાવેતર થાય છે તે બંધ થશે ત્યારે મીઠાના અગરની માંગણી કરવામાં આવી છે તે માગણીઓ નામંજુર કરવામાં આવે અન્યથા ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer