નવી મગફળીના આગોતરા સોદા ટૂંકમાં શરૂ થશે

કપાસના ઓરવીને કરવામાં આવેલા વાવેતરમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ થતા ખેડૂતોમાં ચિંતા
 
રાજકોટ, તા.31: (ફૂલછાબ ન્યૂઝ) મગફળીના ઐતિહાસિક વાવેતર પછી હવે ફોરવર્ડ સોદાના ગણિતો મંડાવા લાગ્યા છે. મે મહિનાના બીજા અઠવાડિયે વાવેતર કરેલી મગફળી પોણા ત્રણ માસની થઇ જતા હવે ફોરવર્ડ વેપાર માટે ભાવ ક્વોટ કરવાનું શરું થયું છે. અલબત્ત હજુ સોદા પડયા નથી. ઉભા પાકની સ્થિતિ ખૂબ સારી છે છતાં હવે એક સાર્વત્રિક સારાં વરસાદની આવશ્યકતા છે કારણ કે વરસાદ પડયાને ઘણા દિવસો જતા રહેતા ખેડૂતોને પિયત શરું કરી દેવા પડયા છે. કપાસની સ્થિતિ પણ ખૂબ સારી છે. છતાં કપાસના પાકમાં આગોતરા વાવેતરમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ શરું થયાની ખેડૂતો તરફથી ફરિયાદ શરું થઇ છે.
મગફળીનું વાવેતર ગુજરાતમાં 20.37 લાખ હેક્ટરમાં થયું છે. પાછલા વર્ષથી તે દોઢું છે. મોટાંભાગના વિસ્તારોમાં મગફળી દોઢથી બે મહિનાની થવા આવી છે. આગોતરા વાવેતરની મગફળીને પોણા ત્રણ માસ થયા છે. આવા સંજોગમાં નવા વાવેતર કરવા માટે તજવીજ શરું થઇ છે. દલાલ શાંતિલાલ નારણદાસ પેઢીના અભ્યાસુ બ્રોકર નીરજ અઢીયા કહે છે, નવા માલમાં ફોરવર્ડ સોદાની તૈયારી થઇ રહી છે. જાવાનો ભાવ 80-90 કાઉન્ટમાં રુ. 70000 અને 50-60 કાઉન્ટમાં રુ.75000 પ્રતિ ટન ખૂલે તેવી ધારણા છે. તેમણે આઠ-દસ દિવસમાં સોદા શરું થવાની ધારણા છે એમ કહ્યું હતુ.
તેમણે કહ્યું કે, પાકની સ્થિતિ ખૂબ સારી છે.  રોગ-જીવાતનો કોઇ ઉપદ્રવ નથી. વાતાવરણ અને વરસાદ જળવાઇ રહે તો 18થી 20 મણના ઉતારા હાલની સ્થિતિએ આવવાની પૂરી સંભાવના દેખાય રહી છે.
ખેડૂત રમેશ ભોરણીયા કહે છે, વરસાદ છૂટોછવાયો અને ધીમો છે એટલે ક્યાંક ક્યાંક પિયતની ગરજ સારે છે પરંતુ મોટાંભાગના વિસ્તારોમાં હવે પાણીની સખત જરુર છે. પરિણામે ખેડૂતોએ પિયત આપવાનો આરંભે ચાર પાંચ દિવસથી કરી દીધો છે. કૂવા, તળાવો અને ચેકડેમો અગાઉના સારા વરસાદને લીધે ભરેલા છે એટલે સમસ્યા નથી. ખેડૂતો પિયત આપી શકે છે.
ઘણાખરા ખેતરોમાં ખેડૂતોએ યુરિયાના ડોઝ આપવાનું પણ શરું કરી દીધું છે. ખાતરના છંટકાવ સાથે પિયતની પણ હવે જરુર હોય છે. મગફળીના પાકમાં કોઇ સમસ્યા નથી તેમ એમણે કહ્યું હતુ. અલબત્ત કપાસના ખેતરોમાં હવે ક્યાંક ક્યાંક ગુલાબી ઇયળનો ઉપદ્રવ દેખાવા લાગ્યો છે. બે મહિના કે તેનાથી વધુ સમય વીતી ગયો હોય તેવા કપાસમાં ફૂલ બેસવાની અવસ્થા શરું થઇ છે. આ સંજોગમાં ગુલાબી ઇયળ દેખાવા લાગી છે એનાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. સુરેન્દ્રનગર, જૂનાગઢ, વાંકાનેર અને મોરબી પંથકમાંથી ખેડૂતોની ફરિયાદ આવી રહી છે. ગુલાબી ઇયળનો અત્યારથી નાશ કરવો ખૂબ જરુરી છે. કારણ કે સામાન્ય વર્ષોમાં આ સમયે ઇયળો થતી નથી. સમય કરતા વહેલી આવી છે એ જોતા ખતરો વધારે છે. કોઇપણ ભોગે ખેડૂતોએ ઇયળના ઉપદ્રવ ઉપર દવા છાંટીને નિયંત્રણ મેળવી લેવું અતિ આવશ્યક બની ગયું છે. જો ખેડૂતો આગોતર કપાસમાં નિયંત્રણ નહીં મેળવી શકે તો પછી નિયમિત વાવેતરમાં પણ ઇયળો આવી શકે છે.  ગુજરાતમાં કપાસનું વાવેતર પાછલા વર્ષના 23.76 લાખ હેક્ટર સામે 22.16 લાખ હેક્ટરમાં થયું છે. કપાસના ભાવ પાછલા વર્ષ કરતા ઓછાં મળ્યા હતા અને સરકારી ખરીદી પણ ધીમી રહેતા ગુજરાતમાં વિસ્તાર ઓછો છે. અલબત્ત દેશભરમાં કપાસનો કુલ વાવેતર વિસ્તાર વધારે છે એટલે પુરવઠામાં ખાંચો પડવાની કોઇ સમસ્યા થવાની નથી. ગુજરાતમાં ચાલુ સીઝનનો આશરે આઠથી દસ લાખ ગાંસડી જેટલો કપાસ પુરાંત તરીકે નવી સીઝનમાં આવવાનો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer