‘કોરોના પોઝિટિવ દર્દીના નામ જાહેર કરો’: રાજકોટમાં કોંગ્રેસના દેખાવો

મ્યુનિ. કચેરીએ વિજીલન્સ સાથે કોર્પોરેટરોમાં ઘર્ષણ : ઉપવાસ પર બેસવા જતાં પૂર્વે અટકાયત

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા.31 : મ્યુનિ.તંત્ર દ્વારા ચાલુ સપ્તાહથી એકાએક શહેરના કોરોના પોઝિટિવ દર્દીઓના નામ અને સરનામાં જાહેર કરવાનું બંધ કરતાં વાયરસના સંક્રમણથી દૂર રહેવું શહેરીજનો માટે અશક્ય બની જતાં તેના વિરોધમાં આજરોજ વિપક્ષ દ્વારા મનપા કચેરીએ ઉગ્ર રજૂઆત તથા ઉપવાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અલબત્ત ડે.કમિશનરે તેઓને ધરણા પર બેસવા દઈને વિજીલન્સ અને સિટી પોલીસે કોંગ્રેસના ચાર નેતાઓની અટકાયત કરી હતી.

આજરોજ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ઉપનેતા મનસુખભાઈ કાલરિયા, દંડક અતુલ રાજાણીએ અગાઉ આપેલી મુદ્દત પૂર્ણ થતાં મ્યુનિ. કચેરીની બહાર ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો. અલબત્ત સમયે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ કોર્પોરેશનમાં હાજર હોય, ડે.કમિશનર ચેતન નંદાણીને રજૂઆત કરવામાં આવી હતી.મ્યુનિ.તંત્રએ સરકારની ગાઈડલાઈન અનુસાર જાહેર હિતમાં વિગતો પ્રસિદ્ધ કરવાનું મોકૂફ રાખ્યું હોવાનું જણાવ્યું હતું. જો કે, કોંગ્રેસે એવું જણાવ્યું હતું કે, દર્દીઓના નામ જાહેર થાય તો શહેરના તમામ લોકો અંધારામાં રહી જશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી છતાં તંત્ર ટસના મસના થતાં કોંગ્રેસે ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી.

અલબત્ત અંગે પૂર્વ મંજૂરી લેવામાં આવી હોય મનપાના વિજીલન્સ ડીવાયએસપી રાજેન્દ્રસિંહ ઝાલા તથા અન્ય સ્ટાફ તેમજ એ- ડિવીઝન પોલીસે તમામને ડે.કમિશનરની ચેમ્બરમાંથી બહાર કાઢ્યાં હતાં. કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતાં ંપોલીસે તમામ નેતાઓને પગથિયાથી ઉતારી, ઢસડીને મોબાઈલ વાનમાં બેસાડી દીધા હતાં. પ્રજાહિતમાં કોરોના સંક્રમિત દર્દીઓના નામ જાહેર કરવા છેક સુધી કોંગ્રેસના નેતાઓએ માગણી કરી હતી.

 

દર્દીના નામ જાહેર કરવાનો મુંબઈ હાઈકોર્ટનો ચૂકાદો છે : ઉદય કાનગડ

સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓના નામ જાહેર કરવા જોઈએ કારણ કે, દર્દીના નામ જાહેર કરવાથી દર્દીને માનસિક ત્રાસ સહન કરવો પડે છે. સમાજમાં ભેદભાવ ઉભો થાય છે, આસપાસ રહેતા લોકો પણ તેમને બહિષ્કૃત અને ઘૃણાસભર દ્રષ્ટિએ જુવે છે. કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ દર્દીના નામ ગુપ્ત રાખવા બાબતે ખુદ મુંબઈ હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. પ્રકારના વિરોધ પ્રદર્શન કરનારા કોંગ્રેસના નેતાઓની માનસિકતા સમાજ વિરોધી હોવાનું નજરે ચડી રહ્યું છે.

 

જનતા કોરોનાથી ત્રસ્ત, ભાજપ તાયફાઓમાં વ્યસ્ત : સાગઠિયા

વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર શહેરની જનતા કોરોનાથી ત્રસ્ત છે ત્યારે ભાજપના નેતાઓ તાયફાઓમાં વ્યસ્ત છે. અગાઉ જ્યારે કોરોના પોઝિટિવ દર્દીઓના નામ-સરનામા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતાં હતાં ત્યારે તેઓના પરિચિતોના સાથે સંપર્કમાં આવનારા લોકો પણ એલર્ટ થઈ જતાં હતાં પરંતુ હવે છેક સુધી લોકો અંધારામાં રહેવાના છે. ક્યારેય કઈ વ્યક્તિ સંક્રમિત છે તે જાણી શકાશે નહીં. મ્યુનિ.તંત્ર સંક્રમિત લોકોની ગોપનિયતાનો ભંગ થાય તેવું બહાનું આગળ ધરી રહ્યું છે પરંતુ કુદરતી આફત જેવી મહામારીથી કોઈના અંગત હિતને નુકશાન થતું નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer