બેંક બાદ LIC ઉપર પણ NPAનું સંકટ

બેંક બાદ LIC ઉપર પણ NPAનું સંકટ
36694 કરોડને પાર પહોંચ્યો આંકડો : એક વર્ષમાં ઝડપી વધારો
નવી દિલ્હી, તા.31: બેન્કો બાદ સરકારી ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ના એનપીએમાં પણ વધારો થયો છે અને વધીને 2019-20મા 8.17 ટકા થયો છે. એક વર્ષ પહેલા આ આંકડો 6.15 ટકાનો જ હતો. જેનાથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા એક વર્ષમાં જ એલઆઈસીના એનપીએમાં બે ટકાનો વધારો થયો છે.
એલઆઈસીની કુલ સંપત્તિનો આંકડો 31.96 લાખ કરોડ થયો છે. જેમાં નાણાકીય વર્ષ 2019ના મુકાબલે મામૂલી વધારો થયો છે. ગયા વર્ષે એલઆઈસીની એસેટ્સ 31.1 કરોડ લાખ કરોડ રૂપિયા હતી. એલઆઈસીના એનપીએમાં વધારાથી સામાન્ય લોકોની મૂડી ઉપરનું જોખમ વધ્યું છે. એક અહેવાલ મુજબ અર્થવ્યવસ્થામાં જે સ્થિતિ પેદા થઈ છે એનપીએમાં વધારો તેનું પરિણામ છે. કોર્પોરેટ સેક્ટરમાં ડિફોલ્ટ અને ડાઉનગ્રેડના કારણે એનપીએમાં વધારો થયો છે. કોર્પોરેટ કર્જના આધારે એનપીએ 8.17 ટકા છે. પરંતુ કુલ એસેટ્સની તુલનામાં જોવામાં આવે તો તે એક ટકા જેટલું છે. 20 માર્ચના એલઆઈસીની એનપીએ કુલ 36694.20 કરોડ રૂપિયા હતી.
 ગયા વર્ષે 24772.2 કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત 30 સપ્ટેમ્બર 2019 સુધી એલઆઈસીની એનપીએ વધીને 30,000 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. એલઆઈસીની કુલ મૂડીમાંથી 68-70 ટકા રકમ કેન્દ્ર અને રાજ્ય સરકારોની સિક્યોરિટિઝ ઉપર રોકાણ કરવામાં આવી છે. આ ઉપરાંત બાકી રકમને ઈક્વિટીઝ અને કોર્પોરેટ કરજમાં રોકવામાં આવી છે. એલઆઈસીએ 2019-20માં ગયા વર્ષની તુલનામાં પહેલા વર્ષના પ્રીમિયમ મામલે 25 ટકા  ગ્રોથ નોંધાવ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer