કોરોનાનો હાહાકાર જારી : વિક્રમી 55078 કેસ

કોરોનાનો હાહાકાર જારી : વિક્રમી 55078 કેસ
એક દિવસમાં વિક્રમી 37,805 દર્દી સાજા થતાં કુલ આંક 10,57,805: રિકવરી રેટ વધીને 64.54 ટકા
નવી દિલ્હી, તા. 31 : કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે, 2020નું વર્ષ વિશ્વભરના આરોગ્ય માટે આટલું ભારી રહેશે. પાંચ મહિનાથી દેશ-દુનિયામાં ઉચાટ ફેલાવનારા કોરોના વાયરસથી ભારતમાં શુક્રવારે સર્વાધિક 55,078 લોકો સંક્રમિત થયા હતા. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 16,38,870 થઈ ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં 779 મોત થઈ જતાં કુલ મરણાંક વધીને 35,747 પર પહોંચી ગયો છે. આજે લગાતાર બીજા દિવસે સંક્રમણના 50 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.
દેશમાં 5,45,318 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં વિક્રમી 37,805 દર્દી વાયરસમુક્ત થતાં દેશમાં કુલ 10,57,805 દર્દી સાજા થઈ ચૂક્યા છે.
આમ, બે તૃતીયાંશ સંક્રમિતો સાજા થઈ જતાં રિકવરી રેટ એટલે કે, દર્દીઓ સાજા થવાનો દર પણ વધીને 64.54 ટકા થઈ ગયો છે.
અનલોક-2ના અંતિમ દિવસે શુક્રવારે થયેલા 779માંથી સૌથી વધુ 266 સંક્રમિતોનાં મોત મહારાષ્ટ્રમાં થયાં છે. ત્યારબાદ તામિલનાડુમાં 97, કર્ણાટકમાં 83, આંધ્રપ્રદેશમાં 68, ઉત્તરપ્રદેશમાં 57 દર્દી ‘કોરોનાનો કોળિયો’ બની ગયા છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ 35,747 મોતમાંથી સૌથી વધુ 14,728 મોત સાથે મહારાષ્ટ્ર મોખરે છે. દિલ્હીમાં 3936, તામિલનાડુમાં 3838, ગુજરાતમાં 2418, કર્ણાટકમાં 2230 દર્દી જાન ગુમાવી ચૂક્યા છે. કોરોનાના કહેરની સૌથી વધુ અસરવાળા શહેરોમાં સામેલ દિલ્હીમાં શુક્રવારે 1195 નવા કેસ સાથે સંક્રમિતોની સંખ્યા 1,35,598 પર પહોંચી ગઈ છે. સમાંતરે દિલ્હીમાં સૌથી ઊંચો 89.18 ટકા રિકવરી રેટ છે.
દેશમાં માત્ર 0.27 ટકા દર્દીઓ એવા છે, જે વેન્ટિલેટર પર હતા, તો 1.58 ટકા આઈસીયુમાં દાખલ છે, 2.28 ટકા દર્દીઓને કોઈ પણ પ્રકારના ઓક્સિજન સપોર્ટની જરૂર પડી રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer