રામ મંદિરના ભૂમિ પૂજનની તડામાર તૈયારી

રામ મંદિરના ભૂમિ પૂજનની તડામાર તૈયારી
અયોધ્યામાં ભૂમિપૂજન માટે 11.15 વાગ્યે પહોંચશે મોદી
કાર્યક્રમમાં મંચ ઉપર હશે            માત્ર પાંચ લોકો
નવી દિલ્હી, તા. 31 : અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ પૂજન કાર્યક્રમને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પાંચમી ઓગષ્ટના રોજ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. આ અવસરને વિશેષ બનાવવા માટે કામગીરી તેજીથી ચાલી રહી છે અને અત્યારે તમામ નજરો અયોધ્યા ઉપર છે. તૈયારીના ભાગરૂપે અયોધ્યામા મુખ્ય સ્થાનોને શણગારવામાં આવી રહ્યા છે. અયોધ્યામાં પાંચમી ઓગષ્ટના થનારા રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે. ભૂમિ પૂજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચવાના છે. સૂત્રો મુજબ પીએમ મોદી 11.15 વાગ્યે અયોધ્યા પહોંચશે. તેઓ બે કલાકથી વધુ સમય અયોધ્યા રહેશે. તેમજ બપોરના બે વાગ્યે અયોધ્યાથી રવાના થઈ જશે.  અયોધ્યા પહોંચીને પીએમ મોદી સૌથી પહેલા હનુમાનગઢી જશે અને ત્યાં દર્શન કરશે.
કાર્યક્રમમાં મંચ ઉપર માત્ર પાંચ લોકો જ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ મંચ ઉપર રહેશે. અયોધ્યા યાત્રા દરમિયાન પીએમ મોદીને રામની લાકડીની પ્રતિમા અને એક ફુટની લવકુશની પ્રતિમા ભેંટ કરવામાં આવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer