કોંગ્રેસમાં તડાં સપાટી ઉપર

કોંગ્રેસમાં તડાં સપાટી ઉપર
સોનિયા ગાંધીએ બોલાવેલી બેઠકમાં ઘર્ષણ બહાર આવ્યું
 યુવા નેતાઓએ કોંગ્રેસની વિફળતાઓ માટે યુપીએ સરકારનાં બીજા કાર્યકાળને જવાબદાર ગણાવ્યો
આનંદ વ્યાસ
નવીદિલ્હી,તા.31: કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુરુવારે યોજેલી પક્ષનાં સાંસદોની ઓનલાઈન બેઠકમાં ફરી એકવાર પક્ષની આંતરિક તિરાડ સપાટી ઉપર આવી ગઈ છે. આ બેઠકમાં યુવા નેતાઓ તરફથી સખત તર્કવિતર્ક અને આલોચનાઓ કરવામાં આવી અને પક્ષની લોકપ્રિયતામાં થયેલી અધોગતિ માટે યુપીએ સરકારનાં બીજા કાર્યકાળ ઉપર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીની ટીમનાં સદસ્યો દ્વારા કોંગ્રેસની અવદશા માટે યુપીએ-2ને જવાબદાર ગણાવવામાં આવ્યું હતું તો સામે પક્ષે પક્ષનાં વરિષ્ઠ નેતાઓ તરફથી છદ્મ પ્રહારોમાં લોકસભા ચૂંટણી 2019નાં રકાસને જવાબદાર ઠરાવવામાં આવી હતી. 2019ની ચૂંટણી કોંગ્રેસે રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં લડેલી અને તેમાં કોંગ્રેસનું ધોવાણ થઈ જતાં અધ્યક્ષપદેથી રાહુલ ગાંધીનાં રાજીનામાનું આખું નાટક ભજવવામાં આવ્યું હતું. 2014ની ચૂંટણી પછી પણ એ.કે.એન્ટોનીનાં વડપણ હેઠળ પક્ષની સમીક્ષા સમિતિએ તથ્યશોધન અહેવાલ આપેલો પણ કોંગ્રેસની નેતાગીરી દ્વારા તેનો ક્યારેય અમલ કરવામાં આવ્યો નહીં. આ સ્થિતિમાં હવે બન્ને પ્રતિદ્વંદી પક્ષો વચ્ચે સમાધાનનો માર્ગ અપનાવીને સોનિયા ગાંધી પક્ષનાં પ્રમુખપદે યથાવત રહેવાનું પસંદ કરશે કે નહીં તે જોવું રહ્યું.
આ બેઠકમાં પક્ષનાં યુવા નેતાઓ દ્વારા કથિતરૂપે એવું કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસનાં જનાધારમાં ગાબડાની જવાબદારી છેલ્લી યુપીએ સરકારનો હિસ્સો રહેલા લોકોએ લેવી જોઈએ. આમાંથી જ કેટલાંક દ્વારા પક્ષનાં અધ્યક્ષસ્થાને રાહુલ ગાંધીની વાપસીની માગણી પણ કરી હતી અને કહ્યું હતું કે, પ્રમુખપદ માટે અન્ય કોઈ ઉમેદવાર ઉપર સહમતી સાધી શકાય તેમ નથી. સૂત્રોનાં કહેવા અનુસાર આ ખેંચતાણ દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ સદંતર મૌન રહ્યા હતાં અને એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો. એવું કહેવાય છે કે બેઠકમાં આ કડાકૂટની શરૂઆત વરિષ્ઠ રાજ્યસભા સદસ્યો દ્વારા કરવામાં આવી હતી. કોરોના ઉપરાંત ચીન સહિતનાં મુદ્દે મોદી સરકારને ઘેરવામાં પક્ષની નિષ્ફળતા ઉપર તેમનાં તરફથી નિરાશા વ્યક્ત કરાઈ હતી. આટલું જ નહીં મોદીનાં સમર્થન અને લોકપ્રિયતા સામે કોંગ્રેસનું આકલન અત્યંત કમજોર અને અવ્યવસ્થિત ગણાવીને આત્મમંથન માટે આગ્રહ રાખવામાં આવ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer