કોમ્યુનિટી હોલમાં પુઠ્ઠાના બેડ સાથે કોવીડ કેર સેન્ટર બનાવાયું

કોમ્યુનિટી હોલમાં પુઠ્ઠાના બેડ સાથે કોવીડ કેર સેન્ટર બનાવાયું

પુઠ્ઠાના બેડ ઉપરાંત ટીપોઇ, ટેબલ પણ બનાવાયાં: મુંબઇ, દિલ્હી, ત્રિવેન્દ્રમમાં પુઠ્ઠાના બેડનો ઉપયોગ થાય છે

રાજકોટ, તા. 13: કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં કોવીડ-19 હોસ્પિટલ ઉભી કરવા પ્રયાસ ચાલી રહ્યા છે. ત્યારે મોરબી રોડ પરના કોમ્યુનિટી હોલમાં પુઠ્ઠાના બેડ સાથે કોવીડ કેર સેન્ટર ઉભુ

કરાયું છે.

ગુજરાતમાં પ્રથમ એવા આધુનિક પુઠ્ઠાના બેડ સાથેના કોરોના કેર સેન્ટરની મ્યનિ. કમિશનર ઉદીત અગ્રવાલે મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા લોખંડના એક પલંગ પાછળ અંદાજે રૂ. સાતથી આઠ હજારનો ખર્ચ થાય છે. જયારે પુઠ્ઠાના બેડ (પલંગ) પાછળ માત્ર 900થી 1000 જેવો ખર્ચ થાય છે.

મજબુત પુઠ્ઠાનો ઉપયોગ બેડ, ટીપોઇ, ટેબલ, પાર્ટીશન વગેરેમાં કરવામાં આવે તો લોખંડના પલંગ કરતા ઓછો ખર્ચ આવે અને તેની હેરફેર પણ સરળતાથી થઇ શકે તેવો વિચાર અનંત નેશનલ ડિઝાઇન યુનિવર્સિટીમાં એફોર્ડેબલ હાઉસીંગ વિભાગના વડા તરીકે ફરજ બજાવતાં રાજકોટના પ્રૌ.ધવલ મોનાણીને આવ્યો હતો. વિચારને અમલમાં મુકવા માટે તેમણે પ્રયાસ શરૂ કર્યા હતાં. માટે તેમણે પ્રથમ પુઠ્ઠાના બેડની ડિઝાઇન  તૈયાર કરી હતી. બાદમાં ડિઝાઇન પ્રમાણે પુઠ્ઠાના બોકસ તૈયાર કરાવીને બેડ તૈયાર કર્યો હતો. પુઠ્ઠાના બેડ અંગે પુરતી ચકાસણી કરીને બજારમાં મૂકયા હતાં. કોરુગેટેડ બોકસમાંથી બેડ બનાવવામાં આવ્યા હતાં. તેનો માસ સુધી ઉપયોગ કરી શકાય છે.

કોરોનાના વધતા જતા સંક્રમણના કારણે પુઠ્ઠાના બેડને ડિસઇન્ફેકટ બનાવવાનું આયોજન કરાયું હતું. આથી પુઠ્ઠાને પ્લાસ્ટીક કોટેડ બનાવવામાં આવ્યા હતાં. પુઠ્ઠા પ્લાસ્ટીક કોટેડ  હોવાથી તેના પર ડિસઇન્ફેકટ સ્પ્રે કરવામાં આવે તો પણ નુકસાની થાય. પુઠ્ઠાના બેડ ઉપરાંત પ્રો. ધવલ મોનાણીએ પુઠ્ઠાના ટીપોઇ, ટેબલ, બે બેડ વચ્ચે આડશ મૂકવા માટે પાર્ટીશન પણ બનાવ્યા હતાં.

દેશમાં કોરોનાનો પ્રવેશ થયા બાદ પ્રો. મોનાણીએ પીએમને પત્ર લખીને કોરોનાના કેસ વધે તો સારવાર માટે કોમ્યુનિટી હોલ, આવાસ યોજના સહિતના સ્થળે પુઠ્ઠાના કોવીડ સેન્ટર ઉભા કરવા મોડેલ સાથે રજૂઆત કરી હતી.   રજૂઆત બાદ અહીના મોરબી રોડ પરના કોમ્યુનિટી હોલમાં અમદાવાદના પરિવર્તન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી  પુઠ્ઠાના 70 બેડનું કોવીડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું હતું. આજે મ્યુનિ. કમિશનર અગ્રવાલે કોવીડ કેર સેન્ટરની મુલાકાત લઇને બેડની ચકાસણી પણ કરી હતી. બેડ સહિતની સુવિધા વિશેની માહિતી પણ મેળવી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer