ફોજદાર સહિતની કાવત્રાખોર ત્રિપુટી સસ્પેન્ડ : ચારેયની શોધખોળ

ફોજદાર સહિતની કાવત્રાખોર ત્રિપુટી સસ્પેન્ડ : ચારેયની શોધખોળ

ફરિયાદી સહિતના પરિવારનું અને પીઆઈ-રાઈટરનુ નિવેદન લેવાયું

પોલીસની બેધારી નીતિ : ફોજદાર સહિતની ટોળકી નાસી છુટયા બાદ ગુનો નોંધ્યો

રાજકોટ, તા.13 : ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ સહિતના સ્ટાફને એસીબીમાં ફસાવવાનો કારસો કરવાના પ્રકરણમાં ફોજદાર સહિત ચાર શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યા બાદ કાવત્રાખોર ટોળકી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી અને ફોજદાર સહિતની ત્રિપુટીને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.એ.વાળા તથા ફોજદાર પટેલ અને રાઈટર રશ્મીન પટેલને બદલીનો ખાર રાખીને તોડકાંડ રચીને ફસાવવાનો કારસો કરવાના પ્રકરણમાં ફોજદાર એમ.બી.જેબલિયા, જમાદાર પ્રશાંત રાઠોડ અને પોલીસમેન પ્રતાપ કરપડા વિરુદ્ધ માધાપર ચોકડી પાસેની મહાવીર રેસી.માં રહેતા અંકિત બકુલભાઈ શાહ નામના વણિક શખસની ફરિયાદ નોંધવામાં આવી હતી.

 સમગ્ર પોલીસબેડામાં ચર્ચાસ્પદ બનેલા પ્રકરણમાં પોલીસે અંકિત શાહની ફરિયાદ પરથી ફોજદાર જેબલિયા, જમાદાર પ્રશાંત રાઠોડ અને પોલીસમેન પ્રતાપ કરપડા તથા કારચાલક વિશાલ સહિતના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તપાસ યુનિ.પોલીસ મથકના પીઆઈ ઠાકરને સોંપવામાં આવી હતી.

મામલે પીઆઈ ઠાકર તથા સ્ટાફે ફરિયાદી અંકિત શાહ તથા તેના પરિવારજનોના નિવેદનો નોંધ્યા હતાં તેમજ પીઆઈ વાળા તથા રાઈટર રશ્મીન પટેલના નિવેદનો નોંધવામાં આવ્યા હતા તેમજ ફરિયાદી અંકિત શાહ, ફોજદાર જેબલિયા, પોલીસમેન પ્રશાંત રાઠોડ, પોલીસમેન પ્રતાપ કરપડા સહિતનાની મોબાઈલની કોલ ડિટેઈલની પણ વિગતો તપાસમાં કેન્દ્રીત કરવામાં આવી હતી તેમજ અંકિત શાહના ઘર પાસેના અને જે તે બનાવ સ્થળે લઈ જવામાં આવેલ તે સ્થળ પાસેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ કબજે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ફોજદાર જેબલિયા સહિતની ટોળકી ફરાર થઈ ગઈ હતી અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ફોજદાર જેબલિયા, જમાદાર પ્રશાંત રાઠોડ અને પોલીસમેન પ્રતાપ કરપડાને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો અને ફોજદાર સહિતની ટોળકી મોબાઈલ ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગઇ હોય શોધખોળ શરૂ કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, શહેર પોલીસે એક નવી પદ્ધતિ શરૂ કરી છે. ગુનો નોંધતા પહેલાં જે તે આરોપીઓને ઝડપી લીધા બાદ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે. જો કે સમગ્ર પોલીસબેડામાં ચર્ચાસ્પદ બનેલા બનાવમાં આરોપી પોલીસ હોય પોલીસે બેધારી નીતિ અપનાવતા પોલીસની કામગીરી સંદર્ભે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે ત્યારે નાસી છુટેલા ફોજદાર સહિતની ત્રિપુટીને પોલીસ ઝડપી લેશે કે પછી આગોતરા જામીન મેળવીને રજૂ થશે તે મામલે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. કે પછી નાસી છુટેલા ફોજદાર સહિતનાને ક્રાઈમબ્રાંચ-એસઓજીની બ્રાંચ દ્વારા નાટકીયઢબે ઝડપી લેવાની કામગીરી કરવામાં આવશે તે મામલે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer