રાજકોટમાં ટેસ્ટ વધારાતા કેસની સંખ્યા વધી છે : આરોગ્ય અગ્રસચિવ

રાજકોટમાં ટેસ્ટ વધારાતા કેસની સંખ્યા વધી છે : આરોગ્ય અગ્રસચિવ
 -કેસ ન વધે તે માટે 3 તબક્કામાં સ્ટ્રેટેજી બનાવાઈ હોવાનો દાવો
-રજૂઆત કરવા પહોંચેલા મનપાના વિપક્ષ નેતાની પોલીસે અટકાયત કરી
 
 
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.13 : ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ જામનગર બાદ સાંજે રાજકોટ આવી પહોંચ્યા છે. તેઓએ રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે,  અત્યારે ટેસ્ટ વધારવામાં આવ્યા હોવાથી પોઝિટિવ કેસનો આંક પણ વધી રહ્યો છે. આરોગ્ય તંત્રનો હેતુ વાયરસનું સંક્રમણ અટકાવવાનો છે. આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ રાજકોટ આવી પહોંચતા જ કલેક્ટર કચેરીએ મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠીયા રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસે તેની અટકાયત કરી લેતા હોબાળો મચાવ્યો હતો. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ટેસ્ટ ન થતા કોરોના સંક્રમણ વધ્યું છે. ગુજરાતમાં સરકાર અને તંત્ર પેપર ટાઇગર છે.
રાજકોટમાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિએ પત્રકાર પરિષદમાં વધુમાં ઉમેર્યુ હતુ કે, જામનગર અને રાજકોટની મુલાકાત લીધી છે અને હવે રાજકોટની સ્થિતિ અંગે તમામ વિગતો મેળવીશું. આખી ટીમ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. બીજા જિલ્લાની સરખામણીમાં રાજકોટમાં કેસ વધ્યા નથી. અનલોકની સ્થિતિમાં કેસોની સંખ્યા વધતી હોય છે અને કેસો ન વધે તે માટે 3 તબક્કામાં સ્ટ્રેટેજી બનાવી છે. જેમાં ખાસ કરીને ડોર ટુ ડોર સર્વેલન્સ, જેમાં કોઈ ચિન્હો જણાય તો તેમને સારવાર, ધન્વંતરિ રથ દ્વારા ગામેગામ લોકોનું પરીક્ષણ અને નિદાન તેમજ ઈતિહાસ સોફ્ટવેરની એપ દ્વારા વિવિધ સ્પોટ નક્કી કરી કેસ હિસ્ટ્રી પરથી કોરોના સંક્રમણ ઘટાડવા ખાસ એક્શન લેવા અંગે વિવિધ પગલાંઓ અમલી બનાવ્યા છે. જેમાં જાગૃતિ, સંક્રમણને અટકાવવાના પગલાં તથા સંક્રમીતોને ત્વરીત સારવાર એમ ત્રણ સ્તરીય કામગીરી કરી કારોના સંક્રમણને નાથવાની પ્રયોજના અમલી બનાવી છે.
આ ઉપરાંત જયંતી રવિએ હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અને માનવ સંસાધન પર ખાસ ભાર મૂકી જરૂરી માહિતી મેળવી હતી. તેમણે રિવર્સ કવોરેન્ટીન કોન્સેપ્ટ અંગે ખાસ ધ્યાન દોરી જણાવ્યું હતું કે, ઘરમાં મોટી ઉંમરના તેમજ ગંભીર રોગ ધરાવતા લોકોને ઘરમાં જ કવોરેન્ટીન કરવા ખાસ ભાર મુક્યો હતો. આ ઉપરાંત હોમ આઇસોલેશન થકી માઈક્રો અને મોડરેટ લક્ષણો ધરાવતા દર્દીઓ ઘરે બેઠા જ સારવાર મેળવી શકશે. તેઓએ ઓક્સીમિટર ડિવાઈસ દ્વારા ઓક્સિજન લેવલ થકી સંક્રમિત વ્યક્તિને ઓળખી કાઢવામાં સરળતા રહેતી હોઇ દરેક સર્વેલન્સ ટીમ ઓકસીમીટર સાથે રાખી કાર્ય કરે તેમ સુચવ્યું હતું.
અગ્ર સચિવએ હાલ રાજકોટ ખાતે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાની માહિતી મેળવી હતી તથા જરૂરીયાત અન્વયે વધારે બેડની સુવિધા વધારાશે તેમ જણાવ્યું હતું. હાલ 770 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે તથા 950 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વધારાના વેન્ટીલેટર અને અન્ય માળખાકીય તથા સાધનિક સુવિધા ઉપલબ્ધ કરાવવા તૈયારી દર્શાવી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer