કોરોનાની રસી તૈયાર કરી લીધાનો રશિયાનો દાવો

કોરોનાની રસી તૈયાર કરી લીધાનો રશિયાનો દાવો
 
-ગેમલી ઈન્સ્ટિટયૂટ ઓફ એમિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ વેક્સીન તૈયાર કરી 
-ઉત્પાદનમાં 2-3 મહિનાની સંભાવના : માત્ર 38 લોકો ઉપર પરિક્ષણના કારણે સવાલો પણ ઉઠયા
નવી દિલ્હી, તા. 13 : મોસ્કોની સેચેનોવ યૂનિવર્સિટીએ કોરોનાની પહેલી વેક્સીનનું સફળતાપૂર્વક પરિક્ષણ પુરૂ કર્યાનો દાવો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયાની ગેમલી ઈન્સ્ટિટયૂટ ઓફ એમિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ વેક્સીન તૈયાર કરી હતી. સ્કેનોવ યૂનિવર્સિટીમાં વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું હતું. વેક્સીનનું અંતિમ પરિક્ષણ તે માણસો ઉપર કેટલી હદે સુરક્ષિત છે તે જાણવા માટે કરવામાં આવ્યું હતું. સંશોધકોના કહેવા પ્રમાણે તમામ સ્ટેજમાં રસીનું પરિક્ષણ સફળ રહ્યું છે.  જો કે હજી આ દવાના ઉત્પાદન માટે 2-3 મહિનાનો સમય લાગે તેવી સંભાવના છે. વધુમા રસી ઉપર સવાલો ઉઠી રહ્યા હોવાથી મંજૂરીમાં વિલંબની પણ સંભાવના છે. રસીના પરિક્ષણ માટે માત્ર 38 સ્વયંસેવકોનો ઉપયોગ થયો હોવાથી સવાલો ઉઠી રહ્યા છે.
દુનિયાની પહેલી કોરોના વાયરસ વેક્સીનનું માણસો પર પરિક્ષણ પુરૂ થયું છે. રશિયાની સ્કેનોવ ફર્સ્ટ મોસ્કો સ્ટેટ યૂનિવર્સિટીએ આ દાવો કર્યો છે. સ્વયંસેવકો ઉપર 18 જૂનથી ટ્રાયલ શરૂ કરવામાં આવ્યા હતા. હવે જો દાવો સાચો હોય તો કોરોના વેક્સીન વિકસિત કરવામાં રશિયા સૌથી આગળ નિકળી ગયું છે. કારણ કે હજી સુધી કોઈપણ અન્ય રસીનું ટ્રાયલ થઈ શક્યું નથી. ચીન, અમેરિકા અને અન્ય ઘણા દેશો વેક્સીનના પરિક્ષણના બીજા કે ત્રીજા તબક્કામાં જ છે. અમુક તો શરૂઆતી તબક્કામાં જ નિષ્ફળ સાબિત થયા છે. પરંતુ રશિયાએ પહેલી રસીની સફળતાનો દાવો કર્યો છે. યૂનિવર્સિટીના ઈન્સ્ટિટયૂટ ફોર ટ્રાન્સલેશન મેડિસિન એન્ડ બાયોટેક્નોલોજી ડાયરેક્ટર વદિમ તરાસોવ મુજબ ગેમલી ઈન્સ્ટિટયૂટ ઓફ એમિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ વેક્સીન તૈયાર  કરી છે.
યૂનિવર્સિટીના ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ પેરાસાઈટોલોજીના ડાયરેક્ટર એલેક્ઝાન્ડર લુકાશેવના કહેવા પ્રમાણે ડેવલોપરે આગળની વેક્સીન ડેવલોપમેન્ટનો પ્લાન બનાવી લીધો છે. હવે વાયરસના રેગ્યૂલેટરી અપ્રુવલ બાદ પ્રોડક્શન શરૂ થઈ જશે. લુકાશેવે કહ્યું હતું કે, પ્રોડક્શન વધારવાની સંભાવનાઓ ઉપર પણ કામ થઈ રહ્યું છે. જો તમામ કામગીરી યોગ્ય રહી તો બેથી ત્રણ મહિનામાં રસીનું ઉત્પાદન શરૂ થઈ જશે. જો કે ટ્રાયલ ઉપર ઘણા સવાલ ઉઠી રહ્યા છે જેને લઈને અપ્રૂવલમાં વિલંબ થઈ શકે છે. રશિયાની રસી ઉપર ઘણા સવાલ ઉઠી રહ્યા છે. હજી સુધી સ્પષ્ટ નથી કે રસીને કેવી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત ટ્રાયલમાં માત્ર 38 લોકોના ઉપયોગ ઉપર પણ આંગળી ચિંધવામાં આવી રહી છે. 
--------------
રસી જલ્દી નહીં આવે તો ભારતની આર્થિક ગતિ પર પડશે માઠી અસર
વૈશ્વિક બ્રોકિંગ કંપનીના અનુમાન અનુસાર અર્થવ્યવસ્થા 7.5 ટકા જેટલી ગબડી શકે
નવી દિલ્હી, તા. 13 : કોરોના વાયરસની રસી માત્ર જીવન બચાવવા જ નહીં, અર્થવ્યવસ્થા માટે પણ જરૂરી બનતી જઈ રહી છે. એક આર્થિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, જો ભારતમાં સમયસર કોરોનાની રસી ઉપલબ્ધ થશે નહીં તો દેશની અર્થવ્યવસ્થા પર અસર દેખાશે.
વૈશ્વિક બ્રોકિંગ કંપની બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝ અનુસાર રસી આવવામાં લાંબો સમય લાગશે તો ભારતીય અર્થવ્યવસ્થા  નાણાકીય વર્ષ 2020-21માં 7.5 ટકા સુધી ગબડી રહી શકે છે. જો કે પરિસ્થિતિ આશા મુજબની રહેશે તો પણ બ્રોકિંગ કંપનીએ ભારતીય અર્થવ્યવસ્થામાં ચાર ટકાના ઘટાડાનું અનુમાન દર્શાવ્યું છે.
કંપનીના અર્થશાત્રીઓએ એક સપ્તાહની અંદર જ ભારતના જીડીપી દર અંગેના પોતાના અનુમાનને સંશોધિત કર્યું છે. અહેવાલ અનુસાર દેશમાં આર્થિક ગતિવિધિઓમાં આવેલા ઘટાડાને કારણે જો સમયસર રસી આવી જાય તો પણ અર્થવ્યવસ્થાના દરમાં ચાર ટકાનો ઘટાડો આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ અનેક વિશ્લેષકોએ ભારતીય અર્થવ્યવસ્થામાં વર્તમાન નાણાકીય વર્ષ દરમ્યાન પાંચ ટકા ઘટાડાનું અનુમાન દર્શાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer