ગુજરાતમાં કોરોનાના વિક્રમી 902 કેસ

ગુજરાતમાં કોરોનાના વિક્રમી 902 કેસ
 
રાજ્યના 29 જિલ્લામાં
સંક્રમણ : કુલ દર્દીનો આંક 42,908 : વધુ 10 મૃત્યુ સાથે મરણાંક 2057, સુરતમાં સૌથી વધુ 288 કેસ : કુલ 29,806 દર્દી સાજા થયા
અમદાવાદ, તા. 13: દેશના આઠ સૌથી વધુ કોરોના પીડિત રાજ્યોમાં સ્થાન ધરાવતા ગુજરાતમાં સંક્રમણ દિવસોદિવસ વિક્રમો સર્જી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 902 કેસ સામે આવતાં સંક્રમિતોની સંખ્યા 42,908 પર પહોંચી ગઈ છે. આજે વધુ 10 મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 2057 પર પહોંચી ગયો છે.
વધુ ચિંતાજનક બાબત એ છે કે, હવે ચેપગ્રસ્ત દર્દીઓ સારવારમાં હોય તેની સંખ્યા અત્યાર સુધીમાં પ્રથમ વાર 11 હજારની નજીક અર્થાત 10,945 થઈ છે. નોંધનીય બાબત એ છે કે, 5 જુલાઈના રોજ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 8279 હતી, જે માત્ર 8 દિવસમાં વધીને 10,945 થઈ છે.
રાજ્યમાં જુલાઈ બેસતાંની સાથે દરરોજ કેસોનો વિક્રમ થતો જઈ રહ્યો છે. આજે કુલ 29 જિલ્લામાં કોરોના સંક્રમિતના કેસ નોંધાવા પામ્યા છે. આજે નોંધાયેલા 902 કોરોના પોઝિટિવ કેસમાં સૌથી વધુ સુરતમાં 288, અમદાવાદમાં 164, વડોદરામાં 74, જૂનાગઢમાં 46, ભાવનગરમાં 40, રાજકોટમાં 34, અમરેલીમાં 29, સુરેન્દ્રનગરમાં 26, ગાંધીનગરમાં 25, ખેડા અને નવસારી 19-19, દાહોદ-16, ભરૂચ-15, જામનગરમાં 13, બનાસકાંઠા અને મહેસાણામાં 12-12, પાટણમાં 10, આણંદ અને મોરબીમાં 9-9, વલસાડમાં 8, કચ્છ અને સાબરકાંઠામાં 7-7, મહીસાગરમાં 5, પોરબંદરમાં 4, અરવલ્લી, છોટાઉદેપુર અને પંચમહાલમાં 3-3, બોટાદમાં 2 અને તાપીમાં 1 કેસ નોંધાયા છે. સુરતમાં આજે 288 કેસ નોંધાતા સુરતમાં કોરોના પોઝિટિવનો આંક 8 હજારને વટાવીને 8116 જ્યારે અમદાવાદમાં આજે 164 કેસ નોંધાતાં અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસનો આંક 23,259 થયો છે.
વીતેલા 24 કલાક દરમિયાન કોરોનાને લઈને કુલ 10 દર્દીના મૃત્યુ થયાં છે. જેમાં પહેલી વખત અમદાવાદમાં સૌથી ઓછા 3, સુરતમાં 5, જ્યારે ગાંધીનગર અને મોરબીમાં 1-1 જણનો સમાવેશ થાય છે. આજે 608 જેટલા દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થયા હતા. જેને લઈને ગુજરાતમાં કુલ ડિસ્ચાર્જ દર્દીનો આંક 29,806 થયો છે. જ્યારે આજે વધુ 10 મૃત્યુ નોંધાતાં કુલ મૃત્યુઆંક 2057 થયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer