ગૂગલ ભારતમાં રોકશે 752 અબજ

ગૂગલ ભારતમાં રોકશે 752 અબજ
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ વચ્ચે થઈ વીડિયો કોન્ફરન્સ
 
નવી દિલ્હી, તા. 13: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે ડિજિટલ ઇન્ડિયા મુદ્દે વાતચીત કરી હતી. વડાપ્રધાનની વાતચીત બાદ ગૂગલે ઘોષણા કરી હતી કે, દેશમાં ડિજિટલ અર્થવ્યવસ્થા બનાવવા માટે 10 બિલિયન અમેરિકી ડોલરનું (752 અબજ રૂપિયા) રોકાણ કરવામાં આવશે. વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું હતું કે, સવારે સુંદર પિચાઈ સાથે ખૂબ જ લાભદાયક સંવાદ થયો હતો. જેમાં ઘણા વિષયો ઉપર વાતચીત થઈ હતી. વિશેષ કરીને ભારતીય ખેડૂતો, યુવાનો, ઉદ્યમીઓની જિંદગીમાં બદલાવ લાવવા માટે ટેકનિકલ શક્તિનો ફાયદો ઉઠાવવા  સંબંધમાં વાતચીત થઈ હતી.
તેમણે કહ્યું હતું કે, વાતચીત દરમિયાન કોવિડ-19ને ધ્યાને લઈને વિકસિત થઈ રહેલી નવી કાર્યસંસ્કૃતિ ઉપરાંત ખેલ જેવા ક્ષેત્રોમાં મહામારીને કારણે સર્જાયેલી સ્થિતિ અંગે પણ પિચાઈ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જાણકારોના કહેવા પ્રમાણે પ્રધાનમંત્રી મોદીએ વિશ્વવિખ્યાત કંપની દ્વારા શિક્ષા, ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ચુકવણીને મજબૂત બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસો ઉપર પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બન્ને વચ્ચે ડેટા સુરક્ષા અને સાઇબર સુરક્ષા મુદ્દે પણ મહત્ત્વની વાતચીત થઈ હતી. વડાપ્રધાને અન્ય એક ટ્વિટમાં કહ્યું હતું કે, ગૂગલ દ્વારા શિક્ષા, ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ચુકવણીને મજબૂત બનાવવા સહિત અન્ય અલગ અલગ ક્ષેત્રોમાં થઈ રહેલા પ્રયાસોથી પ્રસન્નતા થઈ હોવાનું કહ્યું હતું.
ભારતીય મૂળના સુંદર પિચાઈ ગૂગલના સીઈઓ બનતા પહેલા કંપનીમાં સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ હતા. ચૈન્નઈમાં 1972માં જન્મેલા સુંદર પિચાઈનું મૂળ નામ પિચાઈ સુંદરરાજન છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતમાં પ્રતિભાની કમી નથી. ભારતના યુવાનો કોઈપણ સેક્ટરમાં કામ કરીને પોતાની પ્રતિભાને દુનિયા સમક્ષ રજૂ કરી શકે છે. આ જ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ વડાપ્રધાન મોદી અલગ અલગ સેક્ટર સાથે જોડાયેલા લોકો સાથે ચર્ચા કરી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer