પાયલટનો વિદ્રોહ, સેફ લેન્ડિંગ માટે ગહેલોતની મથામણ

પાયલટનો વિદ્રોહ, સેફ લેન્ડિંગ માટે ગહેલોતની મથામણ
 
106 ધારાસભ્યોનાં સમર્થન સાથે સરકાર ઉપર કોઈ જ ખતરો ન હોવાનો ગહેલોતનો દાવો:
પાયલટે દોહરાવ્યું કે સરકારે બહુમત ગુમાવી દીધો: બાગી નેતાને મનાવવા કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ સક્રિય
 
જયપુર, તા.13 : રાજસ્થાનનાં રાજકીય મલયુદ્ધમાં ઉપમુખ્યમંત્રી સચિન પાયલટની ખુલ્લેઆમ બગાવતથી સરકાર ગબડી પડવાનાં પેદા થયેલાં સંકટ વચ્ચે આજે મુખ્યમંત્રી અશોક ગહેલોતે પોતાના નિવાસે વિધાયકોની બેઠક બોલાવી હતી અને ત્યારબાદ વિજયી મુદ્રા બતાવી હતી. કોંગ્રેસે પાયલટ સામે ગહેલોતનાં આ શક્તિપ્રદર્શન પછી કહ્યું હતું કે, 106 વિધાયકોનાં સમર્થન સાથે સરકાર ઉપર કોઈ જ જોખમ નથી. જ્યારે સચિન પાયલટે તેનું ખંડન કરતાં દોહરાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બહુમત ગુમાવી ચૂકી છે. પાયલટ સહિતના 20 ધારાસભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા નહોતા. આ સંજોગોમાં કોઈપણ પ્રકારનું જોખમ નહીં ખેડતા ગહેલોતે પોતાના તમામ વિધાયકોને બસ દ્વારા રિસોર્ટમાં ખસેડી લીધા હતા. જેથી કોઈપણ પ્રકારના તખ્તાપલટના પ્રયાસોને નિવારી શકાય. તો બીજીબાજુ કોંગ્રેસના કેટલાક શીર્ષ નેતાઓએ સચિન પાયલટનો સંપર્ક સાધીને તેને મનાવી લેવાના પ્રયાસો પણ હાથ ધર્યા હતા. કોંગ્રેસના આ આંતરિક ટકરાવમાં મોકાનો લાભ ઉઠાવતા ભાજપે બહુમત પરીક્ષણની માગણી ઉઠાવીને આખા રાજકીય નાટકમાં નવી ઉત્તેજના ભરી દીધી હતી.
દરમિયાન કોંગ્રેસે પાયલટ અને ગહેલોત વચ્ચે સમાધાન કરાવવા આવતીકાલે સવારે 10 વાગ્યે ફરી એકવાર વિધાયકદળની બેઠક બોલાવી છે. આ બેઠક માટે પાયલટને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે.
રાજસ્થાનનું રાજકીય સંકટ ઉકેલવા માટે દિલ્હીથી જયપુર મોકલવામાં આવેલા રણદીપ સુરજેવાલા સામે આજે મુખ્યમંત્રી ગહેલોતે શક્તિ પ્રદર્શન કર્યું હતું. બેઠકમાં કોઈનું પણ નામ લીધા વિના પક્ષ અને સરકાર વિરોધી ગતિવિધિ સામે સખત કાર્યવાહીનો ઠરાવ પણ કરી નાખવામાં આવ્યો હતો. જે દેખીતી રીતે જ પાયલટને નિશાને લેતો હતો. આ બેઠકમાં હાજર નહીં રહેલા પાયલટ અને તેના સમર્થકોને દિલ્હીનાં પ્રતિનિધિમંડળે વાટાઘાટનો અનુરોધ કર્યો હતો. તો સચિન પાયલટના જૂથનો 30 વિધાયકનાં સમર્થનનો દાવો છે. સામે પક્ષે કોંગ્રેસનાં સૂત્રો પાયલટ પાસે 16થી વધુ વિધાયકો ન હોવાનો વળતો દાવો કરવામાં આવ્યો હતો. તેમ છતાં કોંગ્રેસને ડર છે કે ભાજપ સક્રિયતાથી પાયલટને સાધીને સરકારનો પછાડવાનો પ્રયાસ કરે તો આ સંકટ વધુ ઘેરું બની શકે તેમ છે.
દરમિયાન પાયલટે ભાજપમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો હતો. જેનાથી પાછલા બારણે કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ રાજસ્થાનમાં પણ મધ્યપ્રદેશનાં જ્યોતિરાદિત્ય સિંધિયાવાળી ન થાય તેની તકેદારી રાખતા પાયલટને પાછા વાળવાનાં પ્રયાસમાં પ્રયત્નશીલ હોવાનું દેખાઈ રહ્યું છે. ભલે પાયલટે દિલ્હીમાં સોનિયા ગાંધી, રાહુલ કે પ્રિયંકા સાથે મુલાકાત નથી કરી પણ સમાધાનનો માર્ગ ખોળવા માટે આ લોકો સંપર્કમાં હોવાનું કહેવાય છે.
રાજસ્થાનમાં કોંગ્રેસના બન્ને શીર્ષસ્થ નેતાઓ વચ્ચે છેલ્લાં બે વર્ષથી ચાલતા ગજગ્રાહમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારને અસ્થિર કરવાના કથિત પ્રયાસની તપાસમાં પૂછપરછ માટે સચિન પાયલટને મોકલવામાં આવેલી નોટિસ પછી સત્તાની સાઠમારી સાર્વજનિક રૂપે બહાર આવી ગઈ હતી. પોલીસનું કહેવું છે કે, આ નોટિસ શુક્રવારે ધરપકડ કરવામાં આવેલા ભાજપના બે સદસ્યોના ફોનકોલના આધારે મોકલવામાં આવી હતી.
------------- 
પાયલટ સમર્થકો રાજીનામાં આપે તો ?
આમ તો સચિન પાયલટની છાવણી 2પથી 30 ધારાસભ્યોનાં સમર્થનનો દાવો કરે છે પણ કોંગ્રેસે આજે બોલાવેલી વિધાયક દળની બેઠકમાં 19 વિધાયકો જ ગેરહાજર રહ્યા હતા. જો મધ્યપ્રદેશની તર્જ ઉપર આ બાગી ધારાસભ્યો રાજીનામા આપે તો વિધાનસભાની કુલ ક્ષમતા 200થી ઘટીને 181 થઈ જાય અને આ સંજોગોમાં બહુમત માટે કમસેકમ 91 બેઠકની કોંગ્રેસને જરૂર પડે.
--------------
ભાજપ પાસે શું ગણિત ?
ભાજપ પાસે 72 બેઠકો છે અને 3 તેના સહયોગી દળ આરએલપી પાસે છે. જો પાયલટ અને તેના ટેકેદારો રાજીનામાં આપે તો ગહેલોતે અપક્ષ અને નાના પક્ષોની મદદથી પોતાની સરકાર બચાવવી પડે. મધ્યપ્રદેશની જેમ ભાજપ અહીં તો જ સરકાર બનાવી શકશે જો કોંગ્રેસના 2પથી 30 ધારાસભ્યો રાજીનામાં આપે. આવું થાય તો જ ભાજપ અપક્ષો અને નાના પક્ષોના ટેકેથી સરકાર રચવાની સ્થિતિમાં આવશે.
---------------
પાયલટ તરફથી નાણા અને ગૃહ જેવા મહત્વના ખાતાની માગ
નવી દિલ્હી, તા. 13 : રાજસ્થાનમાં અશોક ગહલોત સરકાર ઉપર સંકટ ટળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે પણ સચિન પાયલટની બગાવત હજી પણ મુશ્કેલી બનીને ઉભી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પણ મુશ્કેલીને સમજે છે માટે પાયલટને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પક્ષના નેતૃત્વએ પાયલટને સંદેશ આપ્યો છે કે તેઓ પક્ષમાં પરત ફરે. વધુમાં વાપસીમાં ભૂતકાળ વાંધો નહી બને તેમ પણ કહ્યું છે. આ સાથે સન્માનથી વાપસી માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. બીજી તરફ પાયલટ પોતાની છાવણીના ચાર વિધાયકોને મંત્રી બનાવવા માગે છે અને નાણા અને ગૃહ જેવા મહત્વપૂર્ણ વિભાગની માગણી રાખી છે. આ સાથે તેઓને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદની પોતાની ખુરશી પણ સુરક્ષિત પરત જોઈએ છીએ. માગ તો હજી પણ ઘણી થઈ શકે છે પણ તોલમોલની રાજનીતિમાં સોદો ક્યાં સુધી સંભવ થશે તે એકબીજાની ક્ષમતા અને નબળાઈના આકલન અને વિશ્લેષણ ઉપર જ નિર્ભર છે.
-----------------
ગહેલોતની નજીકના એક ગ્રુપ ઉપર આવકવેરાની તવાઈ
- મુંબઈ, દિલ્હી, જયપુરમાં દરોડા: મોટા રોકડ વ્યવહારો બહાર આવવાની આશંકા
નવીદિલ્હી, તા.13: એકબાજુ રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત પોતાની સરકાર બચાવવાની મથામણમાં પડયા છે ત્યારે બીજીબાજુ અશોક ગહેલોતની નજીક ગણાતા કેટલાક લોકો ઉપર આવકવેરા વિભાગે આજે દેશના જુદાજુદા ભાગોમાં ધોંસ બોલાવી છે. આવકવેરા વિભાગે ઝવેરાતના કારોબાર સાથે સંકળાયેલા રાજસ્થાનના એક સમૂહ ઉપરકરચોરીના મામલે દિલ્હી, જયપુર, મુંબઈ અને કોટામાં દરોડા પાડયા હતા. આ દરોડાની કાર્યવાહીમાં પોલીસ અધિકારીઓ સહિત આશરે 80 જેટલા આવકવેરા અધિકારીઓ સામેલ હતા.
આવકવેરાનાં સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો અનુસાર મોટી રોકડની લેતીદેતીની જાણકારીને પગલે આ સમૂહને નિશાન ઉપર લેવામાં આવ્યો છે. રાજસ્થાનમાં અન્ય એક પેઢીની તલાશી પણ ચાલી રહી છે. જો કે આ ઘટનાક્રમને રાજસ્થાનનાં રાજકીય સંકટ સાથે સંબંધ હોવા અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નહોતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer