ભારતમાં ચાર દિવસમાં એક લાખથી વધુ કેસ

ભારતમાં ચાર દિવસમાં એક લાખથી વધુ કેસ
24 કલાકમાં વિક્રમી 28,701 કેસ
સાથે દેશમાં કુલ 8,78,254 દર્દી: વધુ 500 મોત સાથે મરણાંક 23,174
નવી દિલ્હી, તા. 13 : ભારતમાં કાળમુખા કોરોના વાયરસનું સંક્રમણ જેટ ગતિએ ફેલાઇ રહ્યું છે. છેલ્લા માત્ર ચાર દિવસમાં એક લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે, તો સક્રિય કેસોનો આંક આજે ત્રણ લાખને પાર કરી ગયો હતો. વીતેલા 24 કલાકમાં સંક્રમણે વધુ એક વિક્રમ સર્જતાં સર્વાધિક 28,701 નવા કેસ સામે આવ્યા હતા જેના પગલે દેશમાં સંક્રમિતોની સંખ્યા પોણા નવ લાખને પાર કરી 8,78,254 પર પહોંચી ગઇ છે. આંકડાને ધ્યાને લઇએ તો દુનિયાનો કોરોનાનો દર 8મો નવો દર્દી ભારતનો હોય છે.
બીજીતરફ, દેશના વિવિધ ભાગોમાં સોમવારે 500 દર્દીએ જીવ ખોતાં મરણાંક પણ વધીને 23,174 પર પહોંચી ગયો છે.
આજની તારીખે દેશમાં 3,01,609 સક્રિય કેસ છે. વધુમાં વીતેલા 24 કલાકમાં 18,850 દર્દી વાયરસ મુક્ત થતાં કુલ 5,53,471 દર્દી સાજા થઇ ચૂક્યા છે. આમ, દર્દીઓ સાજા થવાનો દર એટલે કે રિકવરી રેટ પણ વધીને 63 ટકાને પાર કરી 63.01 ટકા થઇ ગયો છે. છેલ્લા ચાર દિવસથી ભારતમાં દરરોજ સવાર ઊગે અને 25 હજારથી વધુ કોરોના સંક્રમણના વધી રહેલા મામલાઓએ દેશના આરોગ્ય તંત્રની સાથોસાથ લોકોની ચિંતામાં પણ વધારો કરી નાખ્યો છે. કોરોનાની સૌથી ખરાબ નજર મહારાષ્ટ્ર પર પડી છે. આ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6497 નવા કેસ સામે આવ્યા છે જેના પગલે સંક્રમિતોની સંખ્યા, 2,60,924 થઇ  ગઇ છે. મહારાષ્ટ્રમાં આજે વધુ 193 સંક્રમિતોએ જીવ ખોયા હતા. આ રાજ્યમાં કુલ 1,05,637 સક્રિય કેસ છે. કુલ 1,44,507 સંક્રમિતો સાજા થઇ ચૂક્યા છે.
દેશના આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, 19 રાજ્યોમાં દર્દીઓ સાજા થવાનો દર એટલે કે રિકવરી રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાંય સારો છે.
મહારાષ્ટ્રને બાદ કરતાં કોરોનાથી સૌથી વધુ કણસતા તામિલનાડુમાં સોમવારે વધુ 4328 કેસ સામે આવતાં સંક્રમિતોની સંખ્યા વધીને 1,42,798 થઇ ગઇ છે. આ દક્ષિણ ભારતીય રાજ્યમાં આજે વધુ 66 દર્દીએ જીવ ખોતાં મરણાંક વધીને 2032 થઇ ગયો છે.
દિલ્હીમાં 15 ટકા આબાદીમાં
કોરોના : સીરો સર્વેમાં ખુલાસો
રાજધાની દિલ્હીની 15 ટકા જેટલી આબાદીમાં કોરોના સંક્રમણ ફેલાઇ ચૂક્યું છે તેવું સીરો સર્વેલન્સ સર્વેના તારણો પરથી જાણવા મળ્યું છે. આ સર્વે 27 જૂનથી પાંચ જુલાઇ વચ્ચે હાથ ધરાયો હતો, જેમાં દિલ્હીના તમામ જિલ્લાના 20 હજાર ઘર આવરી લેવાયાં હતાં.
આબાદીના કેટલા હિસ્સામાં ઘાકત વાયરસનું સંક્રમણ ફેલાયું છે તે જાણવા આ કવાયત કરાઇ હતી. બીજીતરફ 10થી 15 ટકા લોકોને આ બીમારી થઇ હતી જે સાજા પણ થઇ ગયા છે.
કેટલાંક સ્થળો પર સાજા થવાનો આ આંકડો 15 ટકાથી પણ વધી રહ્યો છે. કોરોનાનો પ્રસાર અલગ-અલગ જિલ્લામાં અલગ-અલગ પ્રમાણમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ આઇસીએમઆર દ્વારા પણ દિલ્હીમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં સીરો સર્વે કરાયો હતો, જેમાં 10-30 ટકા પ્રસારનું તારણ મળ્યું હતું.
આંતરરાષ્ટ્રીય ઊડાનો, જીમ, થિયેટર થશે અનલોક !
અનલોકના ત્રીજા ચરણમાં 31 જુલાઇ
            બાદ વિવિધ છૂટછાટની
            કેન્દ્રની વિચારણા; શાળા, કોલેજો હજુ બંધ જ રહેશે
નવી દિલ્હી, તા. 13 : દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે એકતરફ રાજ્યો લોકડાઉન લાદી રહ્યાં છે તો બીજીતરફ કેન્દ્ર વધુ ઢીલ આપવાના પક્ષમાં દેખાય છે.
કેન્દ્ર સરકાર અનલોકના ત્રીજાં ચરણમાં 31 જુલાઇ બાદ આંતરરાષ્ટ્રીય ઊડાનો, જીમ, સિનેમા હોલ જેવી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાની છૂટ આપી શકે છે. મોદી સરકાર અનલોકિંગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી) પણ તૈયાર કરી રહી છે, પરંતુ એ ફેંસલો રાજ્યો પર છોડાશે કે રોજબરોજની પ્રવૃત્તિઓ પર કેટલી છૂટછાટ આપી શકાય.
જે યાત્રિઓનો રિપોર્ટ નેગેટિવ હશે તેમને આંતરરાષ્ટ્રીય ઊડાનમાં સફરની છૂટ મળશે. એરપોર્ટ પર ઓન એરાઇવલ ટેસ્ટિંગની સુવિધા પણ હશે.
યાત્રિનો નેગેટિવ રિપોર્ટ 48-72 કલાકથી જૂનો ન હોવો જોઇએ. પહોંચ્યા પછી 45 મિનિટમાં રિઝલ્ટ આપી દે તેવો રેપિડ એન્ટિજન ટેસ્ટ પોતાના ખર્ચે કરાવવાનો રહેશે જેની ફી 500 રૂપિયા જેટલી છે.
વધુમાં ચાર મહિનાથી બંધ સિનેમા હોલ્સ ખોલવાની છૂટ પણ મળી શકે છે. હાલતુરત 15થી 50 વર્ષના દર્શકોને થિયેટરમાં પ્રવેશ મળશે. બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે.
પહેલી ઓગસ્ટથી જીમ અને ફીટનેસ સેન્ટર્સ પણ ખૂલી શકે છે. જો કે જીમ સંચાલકો તેમજ નાગરિકો સુરક્ષાની જવાબદારી લે તેવી શરતે આ છૂટ મળી શકે છે.
અનલોક-3 હેઠળ સૌથી મુશ્કેલ ફેંસલો શાળા, કોલેજોને ફરી ખોલવાનો છે. ચર્ચા થઇ ચૂકી છે પરંતુ આ મુદ્દે કોઇ સહમતી સધાઇ નથી.
અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં બાળકોના આરોગ્યના હિતમાં શૈક્ષણિક સંસ્થાઓને કેન્દ્ર સરકાર હજુ બંધ જ રાખી શકે છે.
ડેક્સામેથાસોન દવાને WHOએ પણ માની સુરક્ષિત
નવી દિલ્હી, તા. 13 : કોરોના વાયરસથી બચાવ માટે અત્યાર સુધી ઉપલબ્ધ દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિક છેલ્લા 6 મહિનાથી દર્દીઓને બચાવવા માટે કયારેક હાઈડ્રોક્સીક્લોરોક્વીન તો ક્યારેક બીસીજી દવાને યોગ્ય માની ચુકયા છે. પરંતુ હાલમાં જ થયેલી એક શોધમાં સામે આવ્યું છે કે તમામથી અલગ એક સ્ટેરોઈડ દવા છે. જે કોરોના વાયરસ સંક્રમણના દર્દીઓ માટે જીવનદાન સાબિત થઈ રહી છે. આ દવાનું નામ ડેક્સામેથાસોન છે જેને ડબલ્યુએચઓએ પણ સુરક્ષિત ગણાવી છે. ઈંગ્લેન્ડના વૈજ્ઞાનિકોએ પોતાની એક શોધમાં જાણ્યું હતું કે, કોરોના સંક્રમિત દર્દીઓના ઈલાજમાં ડેક્સામેથાસોન ખુબ જ કારગર અને સસ્તી દવા છે. એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોજાને ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતી આ દવા કોરોના વાયરસ સંક્રમણમાં જોરદાર રીતે કામ કરી રહી છે. જે દર્દીઓની હાલત ખરાબ છે તેઓનો જીવ બચાવવા માટે દવા સફળ સાબિત થઈ છે. રિસર્ચ ડેટામાં સામે આવ્યું હતું કે, દવાના ઉપયોગથી વેન્ટીલેટર ઉપર રાખવામાં આવેલા દર્દીઓના મૃત્યુદરમાં 33.33 ટકા અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓમાં 20 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસના ઈલાજમાં વર્તમાન દવાઓની સુરક્ષા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેવામાં વૈજ્ઞાનિકોએ વર્તમાન સમયમાં ડેક્સામેથાસોનથી વધુ સાઈડ ઈફેક્ટ જોઈ નથી. જેના આધારે ડબલ્યુએચઓએ પણ દવાને સુરક્ષિત ગણાવી છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer