લીંબડીના બોડિયા ગામે ખુલ્લેઆમ રેતીની ચોરી

ગ્રામજનોની રજૂઆત છતાં તંત્રનું મૌન
લીંબડી, તા. 13: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે. નીચેથી ઉપર સુધી ખિસ્સા ગરમ કરી દેવાતા હોવાથી રેતી સહિતની ખનીજ ચોરી કરતાં માથાભારે શખસો સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.  લીંબડીના બોડિયા ગામે ખુલ્લેઆમ રેતીની ચોરી થઇ રહી છે પણ કોઇ પગલાં લેવાતા નથી. બોડિયા ગામ પાસેથી સરાજાહેર રેતીનું ખનન કરીને ખનિજ ચોરી થાય છે. પાસ, પરમીટ વગર નદીમાંથી રેતી ભરીને ડમ્પર અને ટ્રક  હાઇવે પરથી પસાર થઇ રહ્યા છે. આ બાબતે ગ્રામજનોએ મામલતદાર, પોલીસ અધિકારીઓ, ડેપ્યુટી કલેકટર, ભુસ્તર શાત્રી વગેરેને રજૂઆત પણ કરી હતી પરંતુ કોઇ પગલાં લેવાયા નથી અને સરકારી અધિકારીઓએ મૌન સેવી લીધું છે. સરકારી અને કુદરતી સંપત્તિની સરેઆમ થઇ રહેલી લૂંટ સામે સરકારી તંત્ર કયારે જાગશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, બધાને હપ્તા પહોંચાડવામાં આવતા હોવાથી આપણા ગામમાં કોઇ નહીં આવે. ખનિજ ચોરી અંગે ભુસ્તર શાત્રીને ફોટા અને વીડિયો કલીપ સાથે મેસેજ કરનાર નાગરિકોના  ફોન નંબર પણ બ્લેકલીસ્ટમાં મૂકી દેવાયાનું બહાર આવ્યું છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer