સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પૂર્વ પિચ ક્યુરેટર રસીકભાઈ મકવાણાનું નિધન

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પૂર્વ પિચ ક્યુરેટર રસીકભાઈ મકવાણાનું નિધન
 
રસીકચાચાને સચિન અને ધોની સહિતના ખેલાડીઓ માનથી બોલાવતા
 
રાજકોટ, તા.13: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સાથે લગભગ ચાર દાયકા સુધી જોડાયેલા રહેલા પૂર્વ પીચ ક્યુરેટર રસીકભાઇ મકવાણાનું 71 વર્ષની વયે નિધન થયું છે. રસીકભાઈ સૌરાષ્ટ્રના ક્રિકેટ વર્તુળમાં રસીકચાચાનાં નામે લોકપ્રિય હતા. તેઓ ફક્ત પીચ ક્યુરેટર જ ન હતા પણ એક સારા માર્ગદર્શક પણ હતા. તેમની કોઠાસૂઝ ગજબની હતી. તેઓ માટીના માણસ હતા. આથી તેઓ જમીનની સ્થિતિ અનુસાર પીચ બનાવી જાણતા હતા. પીચ બનાવવાની સાથે તેનો સારા ખેલાડી પણ તૈયાર કરતા હતા. તેમનો પુત્ર કમલેશ મકવાણા સૌરાષ્ટ્રની રણજી ટીમમાં પાછલા 10 વર્ષથી રમી રહ્યો છે. બીસીસીઆઇના પૂર્વ ચીફ ક્યુરેટર ધીરજ પરસાણા પણ રસીકચાચા સાથે કોઇ પીચ બનાવી હોય તો ચર્ચા કરતા હતા.  રસીકચાચાએ રાજકોટમાં 80ના દાયકામાં રમાયેલ ઇરાની ટ્રોફીની ટર્ફ પીચ રેસકોર્સ પર ફક્ત એક મહિનાના ગાળામાં તૈયાર કરી હતી. આ પછી તેમણે રેસકોર્સ પર રમાયેલા તમામ મેચની વિકેટ અને મેદાન તૈયાર કર્યાં હતાં. એસીએના નવા અદ્યતન સ્ટેડિયમનું લીલુંછમ્મ મેદાન અને સ્પોર્ટિંગ વિકેટ પણ રસીકભાઈ મકવાણાને આભારી છે. રસીકચાચાને તેમના હસમુખા સ્વાભાવને લીધે સચિન તેંડુલકર, યુવરાજસિંઘ, મહેન્દ્રસિંહ ધોની સહિતના રાષ્ટ્રીય ક્રિકેટરો માનથી બોલાવતા હતા. રસીકભાઇ મકવાણાના નિધન પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના મોભી નિરંજનભાઈ શાહે શોક વ્યક્ત કર્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer