ઇંગ્લેન્ડ સામેની જીતથી વિન્ડિઝનું ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ખાતું ખૂલ્યું

ઇંગ્લેન્ડ સામેની જીતથી વિન્ડિઝનું ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ખાતું ખૂલ્યું
 
2007 બાદ વિદેશની ધરતી પર શ્રેણીનો પહેલો મેચ જીત્યો: 200 કે તેથી ઓછું લક્ષ્ય 55મી વખત પાર પાડયું
 
સાઉથમ્પટન, તા.13 : કોરોના મહામારી વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટના વાપસી ટેસ્ટ મેચમાં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની ટીમે ઇતિહાસ રચીને ગૃહ ટીમ ઇંગ્લેન્ડને 4 વિકેટ હાર આપી હતી. વિન્ડિઝના આ વિજયને વિશ્વના ક્રિકેટ વિવેચકો અને ચાહકોએ યાદગાર અને શાનદાર લેખાવ્યો છે. વિન્ડિઝની જીત માટે મેચની ચોથી ઇનિંગમાં 200 રનનું પડકારરૂપ લક્ષ્યાંક મળ્યું હતું. જે કેરેબિયન ટીમ બ્લેકવૂડની 9પ રનની જોરદાર ઇનિંગથી 6 વિકેટ ગુમાવીને પાર પાડયું હતું. આથી વિન્ડિઝ ટીમ 3 મેચની શ્રેણીમાં 1 - 0થી આગળ થઇ છે. મેચમાં કુલ 9 વિકેટ લેનાર ફાસ્ટ બોલર ગેબ્રિયલ મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ સાથે વેસ્ટ ઇન્ડિઝની ટીમે 20 વર્ષ બાદ ઇંગ્લેન્ડની ધરતી પર શ્રેણીનો પહેલો મેચ જીત્યો છે. વિન્ડિઝે ઓવરઓલ 2007 બાદ વિદેશમાં શ્રેણીનો પહેલો મેચ જીત્યો છે. છેલ્લે તેમણે દ.આફ્રિકાને શ્રેણીના પહેલા મેચમાં પોર્ટ એલિઝાબેથના મેદાન પર હાર આપી હતી. આ રેકોર્ડમાં અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશને સામેલ કરાયા નથી. આ ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝની ટીમે ચોથી ઇનિંગમાં 200 કે તેનાથી નીચેનો લક્ષ્ય પપમી વખત હાંસલ કર્યોં છે. 200 કે તેનાથી ઓછો લક્ષ્યનો પીછો કરતા વિન્ડિઝ ટીમ કયારે પણ હારી નથી. ઇંગ્લેન્ડ સામેની જીતથી વેસ્ટ ઇન્ડિઝ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ખાતું પણ ખોલાવ્યું છે. ચેમ્પિયનશિપમાં આ તેનો ત્રીજો મુકાબલો હતો. આ પહેલા તે ભારત સામે બે મુકાબલા હારી હતી. વિન્ડિઝના હવે 40 પોઇન્ટ છે અને સાતમા સ્થાને છે. પહેલા સ્થાને ભારત 360 પોઇન્ટ સાથે છે. આ પછી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકાના નંબર આવે છે. દ.આફ્રિકા 8મા અને બાંગ્લાદેશ 9મા સ્થાને છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer