ટોળા એકઠા કરનારી ચા-પાનની 17 દુકાનને સીલ મારતી મનપા

ટોળા એકઠા કરનારી ચા-પાનની 17 દુકાનને સીલ મારતી મનપા
આજથી ત્રણ દિવસ સ્વેચ્છાએ દૂકાનો બંધ રાખવાનો ચાના ધંધાર્થીઓનો નિર્ણય
રાજકોટ તા.10 : કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઇરસનું સંક્રમણ પ્રસરતું અટકે તે અને લોકોમાં જાગૃતિ પણ ફેલાય તે માટે જાહેર સ્થળોએ જનસમૂહ એકત્ર ન થાય તેવા હેતુથી મનપા દ્વારા ચા અને પાનની દુકાનોએ સઘન ચાકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં 17 દુકાનો સીલ કરવામાં આવી છે જેમાં એક થડાનો સામાન પણ જપ્ત કરાયો છે.
મ્યુનિ.તંત્રની યાદીમાં જણાવ્યાનુસાર આજરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ચા અને પાનની દુકાનો ખાતે સઘન ચાકિંગન હાથ ધરાયું હતું. જેમાં જે દુકાનોમાં ગ્રાહકોના ટોળા જોવા મળ્યાં હતા તેને સીલ કરાઈ છે તેમાં  દ્વારકાધીશ ટી સ્ટોલ-નાનામવા રોડ, જાફર ટી સ્ટોલ, ડી.એચ. કોલેજ, ખોડીયાર પાન-મવડી ચોકડી, ખોડીયાર કોલ્ડ્રીંક્સ- મવડી ચોકડી, ખોડીયાર ટી એન્ડ ખોડીયાર વડાપાઉ- મવડી ચોકડી, રવેચી સ્ટોલ-150 ફૂટ રીંગ રોડ બાલાજી હોલ પાસે તથા ગોપાલ ટી- બાલાજી હોલ પાસે 150 ફૂટ રીંગ રોડ અને દોશી હોસ્પિટલ પાસે ચા ના એક થડાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અન્ય વિસ્તારની શક્તિ ટી શોપ - સંત કબીર રોડની પાસે, ભાવનગર રોડ, ગાત્રાડ પાન ટી સ્ટોલ - માર્કાટિંગ યાર્ડ મેઈન રોડ, ખેતલા આપા ટી સ્ટોલ - અમુલ સર્કલ, 80’ ફૂટ રોડ, રાધે હોટેલ - અટિકા ફાટક પાસે, મોમાઈ હોટેલ - રૈયા ચોકડી, કિસ્મત હોટેલ - હનુમાન મઢી, રૈયા રોડ, ખોડિયાર હોટેલ - ફૂલછાબ ચોક અને શક્તિ હોટેલ -ડિલક્ષ ચોક, કુવાડવા રોડ ખાતેની દુકાનો સીલ કરાઈ હતી, ચુનારવાડ ચોક પાસેની ચાની દુકાનોએથી દબાણ હટાવ કરવામાં આવ્યું હતું તેમજ એક કાઉન્ટર ડિટેઇન કરાયું છે.
સૂત્રોના જણાવ્યાનુસાર શહેરના ચાના ધંધાર્થીઓએ હવે સ્વેચ્છાએ આવતીકાલે શનિવારથી  ત્રણ દિવસ એટલે કે સોમવાર સુધી પોતાની દુકાનો, હોટલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer