શહેરમાં વધુ 4 હોસ્પિટલ કોવિડ કેર માટે તૈયાર કરાશે : સંચાલન ખાનગીને સોંપાશે

શહેરમાં વધુ 4 હોસ્પિટલ કોવિડ કેર માટે તૈયાર કરાશે : સંચાલન ખાનગીને સોંપાશે

સોમવારથી ગોકુલ, મંગળવારથી મેડીસર્જ અને સ્ટર્લિંગ તેમજ ગુરુવારથી વોક હાર્ટ હોસ્પિટલ કાર્યરત થશે

રાજકોટ, તા.10 : રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને લોકોની બેદરકારી તેમજ તંત્રની અણસુઝના કારણે આગામી દિવસોમાં પણ કેસ વધવાની ભીતી સેવાઈ રહી છે. જો કે, અત્યારે શહેરની સિવિલ હોસ્પિટલ અને બે ખાનગી હોસ્પિટલ કોરોનાના દરદીઓથી ભરાઈ ગઈ છે. વધતા જતા કેસને ધ્યાને લઈને રાજકોટ શહેરમાં વધુ ચાર હોસ્પિટલને કોરોનાના દરદીઓની સારવાર માટે તૈયાર કરવા તંત્રએ તૈયારી આદરી છે. જેમાં શહેરની જૂની અથવા હાલ બંધ પડેલી હોસ્પિટલનું નવનિર્માણ કર્યા બાદ આધુનિક સાધનો અને ઈંઈખછની ગાઈડ લાઈન મુજબ નવી કોવિડ હોસ્પિટલ શરૂ થશે અને જેનું સંચાલન શહેરની નામાંકિત ખાનગી હોસ્પિટલો કરશે.

રાજકોટ જિલ્લા કલેકટરે આજે તાકીદે એક બેઠક બોલાવીને શહેરના ડોક્ટર્સને નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા કહ્યું હતું. જેથી આવતા અઠવાડિયાથી નવી ચાર કોવિડ હોસ્પિટલો શરૂ થશે. ડો.વલ્લભ કથીરીયાની વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી જૂની શ્રેયસ હોસ્પિટલ મંગળવારથી 28 બેડની સુવિધા સાથે તૈયાર કરાશે જેનું સંચાલન મેડિસર્જ-સાર્થક અને જીવનદીપ ગ્રુપ દ્વારા કરવામાં આવશે. વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલ દ્વારા સંચાલિત ઉદય ઓનકો હોસ્પિટલ સોમવારથી 25 બેડની સુવિધા સાથે તૈયાર કરાશે અને તેમાં ડો.પ્રકાશ મોઢાની ટીમ કાર્યરત રહેશે. તેવી રીતે વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી ડો.વરસાણીની કર્મયોગ હોસ્પિટલને સ્ટર્લિંગ દ્વારા સંચાલન કરવામાં આવશે અને 32 બેડની કોવીડ હોસ્પિટલ બનશે. ડો.સંકલ્પ વણઝારા અને તેમની ટીમ અહી કાર્યરત રહેશે. કર્મયોગ હોસ્પિટલમાં ચાર આઇસીયુ અને 6 એચડીયુ સહિતના બેડ ઉપલબ્ધ રહેશે. જ્યારે શહેરના 150 ફૂટ રીંગ રોડ પર પીપલ્સ કો.ઓ.બેંકની બાજુમાં આવેલી મીની મંગલમ હોસ્પિટલને ગુરૂવારથી કોવીડ હોસ્પિટલ તરીકે શરૂ કરાશે. જેનું સંચાલન વોકહાર્ટ હોસ્પિટલ કરશે. હોસ્પિટલમાં 30 બેડની સુવિધા રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer