સૌરાષ્ટ્રમાં કોરોના બેકાબૂ : વધુ 195 કેસ, 10 મૃત્યુ

સૌરાષ્ટ્રમાં કોરોના બેકાબૂ : વધુ 195 કેસ, 10 મૃત્યુ

રાજકોટ શહેરમાં 18 ને ગ્રામ્યમાં 15 કેસ, શંકાસ્પદ દરદીનું મૃત્યુ: સુરેન્દ્રનગરમાં 23 કેસ, જિલ્લા તંત્રએ આંકડા જાહેર ન કર્યા

જામનગરમાં 21, મોરબીમાં 15, ગીર સોમનાથમાં 14, જૂનાગઢમાં 11 કેસ ને ચારેય જિલ્લામાં 1-1 મૃત્યુ

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા.10 : સૌરાષ્ટ્રમાં કોરોના મહામારી હવે હાવી થઈ ગઈ હોય તેમ દિવસે ને દિવસે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ભાવનગર જિલ્લામાં પહેલી વખત એક સાથે 71 કેસ અને 5 દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો. તો રાજકોટ શહેરમાં 18 તથા ગ્રામ્યના 15 મળીને જિલ્લામાં નવા 33 કેસ નોંધાયા હતા અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક દરદીનો રિપોર્ટ આવે તે પહેલાજ મૃત્યુ નિપજ્યુ હતુ. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 23, જામનગરમાં 21 કેસ અને ધ્રોલના પ્રૌઢાનું મૃત્યુ નિપજ્યુ હતુ. મોરબી જિલ્લામાં પહેલી વખત એક સાથે 15 નવા કેસ અને વૃદ્ધનું મૃત્યુ નિપજ્યુ હતુ. ગીર સોમનાથમાં 14 નવા કેસ અને એક મૃત્યુ, જૂનાગઢમાં 11 કેસ અને એક મૃત્યુ, અમરેલીમાં 3, બોટાદમાં 2 અને દ્વારકા તથા પોરબંદરમાં 1-1 નવો કેસ નોંધાયો હતો.

રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર શિવધામ સોસાયટીમાં એકજ પરિવારમાંથી 28 વર્ષીય યુવતી તથા 23 વર્ષીય યુવક, અંકુર સોસાયટીમાંથી 78 વર્ષીય વૃદ્ધ, રેલનગરમાં દંપતી તથા 60 વર્ષીય પ્રૌઢ, કોઠારિયા રોડ પર 42 વર્ષીય યુવતી, આજીડેમ ચોકડી પાસે 37 વર્ષીય યુવક, મવડી બાયપાસ નજીક રહેતા ખાનગી તબીબ 33 વર્ષીય ડો.અંકુર રમેશ પારેખ, ગાંધીગ્રામમાં 65 વર્ષીય પ્રૌઢ, લક્ષ્મીવાડીમાં 12 વર્ષીય તરૂણી, નંદનવન પાર્કમાં 38 વર્ષીય યુવક, રામનાથપરામાં 32 વર્ષીય યુવક, જીવનનગરમાં 39 વર્ષીય યુવક, થોરાળામાં 52 વર્ષીય આધેડ, મવડી રોડ પર ગુંજન ટાઉનશીપમાં 38 વર્ષીય યુવક, ગૌતમ નગરમાં 21 વર્ષીય યુવક અને વર્ધમાન નગરમાં 65 વર્ષીય આધેડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સાથે શહેરમાં પોઝિટિવ કેસનો કુલ આંક 338 થવા પામ્યો હતો, જેમાંથી હાલ 161 દરદી સારવારમાં છે.

રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના ધોરાજીના આનંદનગરમાં 55 વર્ષીય પ્રૌઢ અને તાલુકાના પાટણવાવ ગામે દંપતી પોઝિટિવ આવ્યું હતુ. જ્યારે ગોંડલમાં જેતપુર રોડ પર સાંઢીયાપુલ પાસે 39 વર્ષીય યુવતી, મહાદેવવાડીમાં 40 વર્ષીય યુવતી, પાટખીલોરીમાં 23 વર્ષીય યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેતપુર શહેરના નવી દેસાઈ વાડી વિસ્તારમાં અગાઉના પોઝિટિવના સંપર્કમાં આવેલા 45 વર્ષીય યુવાન અને તાલુકાના ભેડાપીપળિયા ગામે સુરતથી આવેલા 40 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગ્રામ્યના એક કોરોના પોઝિટિવ દરદીનું મૃત્યુ થયુ હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યુ હતુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે પણ એકસાથે પહેલી વખત 23 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. આ અંગેની માહિતી રાજ્ય સરકારની યાદીમાં છે, પરંતુ આજના કેસો અંગેની કોઈ વિગત જિલ્લા તંત્રએ બહાર પાડી નથી. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાના કેસ અને મૃત્યુઆંકને છૂપાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યુ છે.

જામનગર શહેરમાં જોલી બંગલા પાસેના 76 વર્ષના વૃધ્ધા, સરસ્વતી કોલોનીમાં 47 વર્ષનો યુવાન, અમન-ચમન સોસાયટીમાં 50 વર્ષના પ્રૌઢા, પટેલ કોલોનીમાં 45 વર્ષની યુવતી, શ્રીનિવાસ કોલોનીમાં 43 વર્ષની યુવતી, રંગમતી-1માં 58 વર્ષના પ્રૌઢા, ખોડિયાર કોલોનીમાં 57 વર્ષના પ્રૌઢ, કિશાન ચોકમાં 54 વર્ષના પ્રૌઢ, હર્ષદમીલની ચાલી પાસે 54 વર્ષના પ્રૌઢા, મેહુલનગરમાં 54 વર્ષના પ્રૌઢ, 53 વર્ષના પ્રૌઢા, પવનચક્કી રોડ પર 70 વર્ષના વૃદ્ધ, ખંભાળિયા નાકા બહાર 35 વર્ષની યુવતી, ગ્રેઈન માર્કેટ પાસે 65 વર્ષના પ્રૌઢ, રામેશ્વર નગરમાં 26 વર્ષની યુવતી તેમજ જિલ્લાના કાલાવડ તાલુકાના રાજડા ગામે યુવતી, ધ્રોલમાં 57 અને 60 વર્ષના પ્રૌઢ, જામજોધપુર તાલુકાના વસંતપુર ગામે 40 વર્ષની યુવતી, ફલ્લા ગામે 60 વર્ષના પ્રૌઢા અને લાવડિયા ગામે 55 વર્ષના પ્રૌઢાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત ધ્રોલના 65 વર્ષના મહિલા દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતુ.

ગીર સોમનાથના જિલ્લાના વેરાવળમાં સોમનાથ ટોકીઝ વિસ્તારની સુપર કોલોનીમાં રહેતા 60 વર્ષીય ફાતીમાબેન રહેમાનનો ગઈકાલે સાંજે કોરોના રિપોર્ટ  પોઝિટિવ આવતા સિવિલમાં આઈસોલેટ કરાયા હતા. ફાતીમાબેનની ગતરાત્રીના જ તબીયત લથડતા વેન્ટીંલેટર પર લઇ સારવાર ચાલી રહી ત્યારે આજે વ્હેલી સવારે મૃત્યુ નિપજ્યુ હતુ. ફાતીમાબેનને ડાયાબીટીસની બિમારી પણ હોવાથી તેમના મૃત્યુનું કારણ ડેથ ઓડીટ કમિટી તપાસ કરી જાહેર કરશે. બીજી તરફ જિલ્લાના વેરાવળમાં મોદીની વાડી પાસે રહેતા અને સોમનાથ મંદિરમાં ફરજ બજાવતા 58 વર્ષીય પુરુષ પોલીસ કર્મચારી, તાલાલાના આંકોલવાડી ગામે 24 વર્ષીય યુવાન, ધાવાગીર ગામે 44 વર્ષીય યુવાન, ચિત્રોડ ગામે 24 વર્ષીય યુવતી, સુરતથી તાલાલા આવેલો 28 વર્ષીય યુવાન, ઉના શહેરમાં 70 વર્ષીય વૃદ્ધા, 32 વર્ષીય યુવાન, તાલુકાના દાંડી ગામે 30 વર્ષીય યુવતી, દેલવાડા ગામે 34 વર્ષીય યુવાન, ગરાળા ગામે 40 વર્ષીય યુવાન તથા 45 વર્ષીય યુવાન, અંજાર ગામે 23 વર્ષીય યુવાન, કાણેકબરડા ગામે 45 વર્ષીય યુવાન, આમોદ્રા ગામે 25 વર્ષીય યુવાન મળીને કુલ 14 નવા કોરોના પોઝિટિવ આવ્યા હતા.

મોરબી શહેરમાં શનાળા રોડ પર રહેતા 67 વર્ષીય વૃદ્ધ, રવાપર રોડ પરના 61 વર્ષીય વૃદ્ધા, પારેખ શેરીમાં 85 વર્ષીય વૃદ્ધા, વસંત પ્લોટમાં 62 વર્ષીય પ્રૌઢા, યદુનંદન પાર્કમાં 26 વર્ષીય યુવાન, શક્ત શનાળાના 45 વર્ષીય આધેડ, વાવડી રોડ પરના 29 વર્ષીય યુવાન, પુનિતનગરમાં 30 વર્ષીય યુવાન, જેટકોમાં 80 વર્ષીય વૃદ્ધા, વિદ્યુતપાર્કમાં 55 વર્ષીય પ્રૌઢા, તેમજ જેલ રોડ પર 55 વર્ષીય પ્રૌઢ અને જિલ્લાના હળવદના ધનાળા ગામે 59 વર્ષીય પ્રૌઢ, વાંકાનેર તાલુકાના વાંકિયા ગામે 60 વર્ષીય પ્રૌઢ અને વાંકાનેરમાં પ્રતાપ ચોકમાં 27 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ શનાળા રોડ પર આવેલા વિઠ્ઠલનગરમાં આજે 83 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને મોડી સાંજે તેમનું ટૂંકી સારવાર દરમિયાન જ મૃત્યુ નિપજ્યુ હતુ. આ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 93 અને મૃત્યુઆંક 6 થયો હતો. 

જૂનાગઢ શહેરમાં લક્ષ્મીનગરમાં 68 વર્ષના વૃધ્ધનો ગઈકાલે જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ગતરાતે જ તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. તેમને કોરોનાની સાથે ડાયાબીટીશ અને હાર્ટની તકલીફ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આજના એક મૃત્યુ સાથે જિલ્લામાં મૃત્યુ આંક 7 પર પહોંચ્યો છે. બીજી તરફ આજે શહેરના ગુણાતિતનગરમાં 63 વર્ષના પ્રૌઢ, ગોધાવાવની પાટી પાસે 60 વર્ષના પ્રૌઢા, ગાંધીગ્રામમાં 74 વર્ષના વૃધ્ધ, વાંઝાવાડમાં 63 વર્ષના પ્રૌઢ, જોષીપરામાં 49, 30 અને 45 વર્ષની ત્રણ મહિલા, શાંતેશ્વર રોડ ઉપર 50 વર્ષના પ્રૌઢા, મધુરમમાં 31 વર્ષનો યુવાન તેમજ જિલ્લાના નાની મોણપરી ગામે 32 વર્ષના યુવાન અને વિસાવદરના પીરવડ ગામે 18 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 141 થઇ છે. 

અમરેલી જિલ્લામાં ધારીના ધારગણીના 60 વર્ષીય પ્રૌઢ, લીલિયાની 35 વર્ષીય યુવતી અને લાઠીના દહિંથરાના 65 વર્ષીય પ્રૌઢનો આજે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લાનો કુલ આંક 132 થયો છે. બોટાદ શહેરમાં હિફલી વિસ્તારમાં 52 વર્ષીય પ્રૌઢા અને ગઢડા તાલુકાના નિંગાળા ગામે 58 વર્ષીય પ્રૌઢનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 83 પર પહોંચી છે, જેમાંથી હાલ 39 દરદી સારવારમાં છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ગૂગળી ચોક વિસ્તારમાં રહેતા 55 વર્ષીય કરિયાણાના વેપારી કોરોના પોઝિટિવ આવ્યા હતા. દ્વારકા જિલ્લાનો કુલ પોઝિટિવ આંક 31 થયો છે. જેમાંથી હાલ 6 એક્ટિવ કેસ છે. પોરબંદરના વનાણા ટોલનાકાના મેનેજર કોરોના પોઝિટિવ આવતા ફફટાડ ફેલાયો છે. હાલ ટોલનાકુ અને રાણાવાવમાં પીપળિયા રોડ પર આવેલી આશાપુરા સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

 સોમનાથ મંદિરમાં ફરજ બજાવતા પોલીસકર્મી કોરોનાગ્રસ્ત

જગ વિખ્યાત સોમનાથ મંદિર ખાતે મુખ્યમમંત્રી વિજયભાઇ રૂપાણી આવી રહ્યા છે તે પૂર્વે વેરાવળમાં મોદીની વાડી પાસે રહેતા અને સોમનાથ મંદિર ખાતે સુરક્ષામાં ફરજ બજાવતા 58 વર્ષીય પોલીસકર્મી આજે સવારે કોરોના પોઝિટિવ આવ્યાના સમાચારથી તંત્રમાં દોડધામ મચી હતી. જો કે, તંત્રએ સતર્કતાના ભાગરૂપે તાબડતોડ સોમનાથ મંદિરમાં ફરજ બજાવતા અન્ય પોલીસ કર્મચારીઓના કોરોના ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી હતી. પોઝિટિવ આવેલા પોલીસ કર્મીને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો તે માટે સઘન તપાસ કરવામાં આવી રહી છે.

 

પોરબંદરમાં કોરોનાનું સંક્રમણ ફેલાવવા સરકારી હોસ્પિટલ સક્રિય!

 એકબાજુ લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે પોરબંદરવાસીઓને વહીવટીતંત્ર ડાહીડમરી શીખામણો આપીને નિતિ-નિયમોનું પાલન કરાવે છે પરંતુ  જેની જવાબદારી કોરોનાને અટકાવવાની છે તે પોરબંદરની કોવિડ હોસ્પિટલ સરકારી ભાવાસિંહજી હોસ્પિટલ દ્વારા જ કોરોનાનું સંક્રમણ ફેલાવાતું હોય તેવું એક કિસ્સામાં બહાર આવ્યું છે.

પોરબંદરની એચડીએફસી બેંકના કર્મચારી જયદેવ તેરૈયા નામના યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેણે સ્પષ્ટપણે માહિતી આપીને  જણાવ્યું હતું કે, તેની કોઇ જ ટ્રાવેલ્સ હીસ્ટ્રી નથી છતાં  ભાવાસિંહજી હોસ્પિટલના સત્તાધીશો તેને રાજકોટ જઇ આવ્યો હોવાનું ગણાવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આ યુવાને જણાવ્યું હતું કે, મંગળવારે પોતાના ડોકટર મિત્રને ફોન કરતા  સરકારી હોસ્પિટલમાં કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો સલાહ આપતા બુધવારે સાંજે સિવિલમાં  કોરોનાના ટેસ્ટ માટે ગયો ત્યારે તેને સેમ્પલ લઇને ત્યાં રાખવાને બદલે ‘વાંધો નહીં ઘરે જાવ’તેમ કહીને જવા દીધો હતો.  બીજે દિવસે તે ઘરે હતો ત્યારે ફોન કરીને એવું જણાવાયું હતું કે, ‘તમારો કોરોના રીપોર્ટ પોઝિટિવ છે હોસ્પિટલે આવી જાવ’ યુવાનના સેમ્પલ લેવાયા પછી હોસ્પિટલે રાખવાને બદલે કોરોનાનું સંક્રમણ ફેલાય તે માટે હોસ્પિટલના સત્તાધીશોએ જ તેને જવા દીધો?  તેવા સવાલ સાથે પોરબંદર સરકારી હોસ્પિટલના તંત્રની બેદરકારી આ બનાવમાં સ્પષ્ટપણે બહાર આવી છે.


ભાવનગરમાં એકસાથે 71 કેસ, પાંચ મૃત્યુ

 

-સારવારમાં 300 દરદી : 10 દિવસમાં જ 262 કેસ

ભાવનગર, તા.10 : સૌરાષ્ટ્રમાં લોકો સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતની બાબતોનું પાલન કરવામાં અને તંત્ર કરાવવામાં લાપરવાહી દાખવી રહ્યું છે. જ્યારે જિલ્લાઓમાં ઓછા કે નહીવત કેસ હતા ત્યારે કડકાઈ રાખવામાં આવી હતી અને હવે જ્યારે કેસ વધી રહ્યા છે ત્યારે તંત્ર અને સરકારે હાથ ઉંચા કરી દીધા હોય તેમ કેસમાં જેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસમાં રાજકોટ પછી બીજા ક્રમે રહેલા ભાવનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જુલાઈ મહિનાના પહેલા અઠવાડીયામાં જ 148 કેસ નોંધાયા હતા અને આજે 71 કેસ મળીને છેલ્લા 10 દિવસમાં જ કોરોનાના 262 કેસ સામે આવ્યા છે. ભાવનગર જિલ્લામા આજે 71 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 519 થવા પામી છે. જેમાં ભાવનગરના જ્વેલ્સ સર્કલમાં 58 વર્ષીય આધેડ, અક્ષર પાર્કમાં 50 વર્ષીય આધેડ, સંસ્કાર મંડળ ખાતે 45 વર્ષીય યુવાન, કુંભારવાડામાં 38 વર્ષીય યુવાન, બોરતળાવ પાસે 28 વર્ષીય યુવાન, આખલોલ જકાતનાકા પાસે 45 વર્ષીય યુવાન, વડવા ચોરા પાસે 27 વર્ષીય યુવતી, એંગી વિલાપમાં 37 વર્ષીય યુવાન, ગાયત્રીનગરમાં 45 વર્ષીય યુવતી, ન્યુ રીંગરોડ, પંચાલ ખાતે 35 વર્ષીય યુવાન, કાળીયાબીડમાં 57 વર્ષીય આધેડ, સંત કંવરરામ ચોકમાં 42 વર્ષીય યુવાન, વિજયરાજનગરમાં 90 વર્ષીય વૃદ્ધ, પાનવાડીમાં 77 વર્ષીય વૃદ્ધ, મારૂતીનગરમાં 20 વર્ષીય યુવાન, ઈન્દીરાનગરમાં 28 વર્ષીય યુવતી, કણબીવાડમાં 53 વર્ષીય પ્રૌઢા, કુંભારવાડામાં 40 વર્ષીય યુવાન, ચિત્રામાં 47 વર્ષીય યુવાન, દામાભાઈ હોટલની પાસે 29 વર્ષીય યુવાન, ચાવડી ગેટમાં 56 વર્ષીય આધેડ, આનંદનગરમાં 64 વર્ષીય આધેડ, ઘોઘા સર્કલ ખાતે 35 વર્ષીય યુવાન, ભગત શેરીમાં 61 વર્ષીય આધેડ, કુંભારવાડામાં 38 વર્ષીય યુવાન, ઘોઘા રોડ પર 38 વર્ષીય યુવાન, જુની માણેકવાડીમાં 58 વર્ષીય આધેડ, બોર તળાવ પાસેની કાછીયાની વાડીમાં 22 વર્ષીય યુવાન, કુંભારવાડામાં 26 વર્ષીય યુવાન,  વિજયરાજનગરમાં 44 વર્ષીય યુવાન, ઉત્તર કૃષ્ણનગરમાં 52 વર્ષીય આધેડ, કુંભારવાડામાં 24 વર્ષીય યુવાન, 57 વર્ષીય આધેડ, આખલોલ જકાતનાકા પાસે 55 વર્ષીય મહિલા, વિદ્યાનગરમાં 34 વર્ષીય યુવાન, રસાલા કેમ્પમાં 55 વર્ષીય આધેડ, ઘોઘા રોડ પાસે 65 વર્ષીય આધેડ, રસાલા કેમ્પમાં 20 વર્ષીય યુવક, શાંતિનગર-1માં 21 વર્ષીય યુવાન, શાસ્ત્રીનગરમાં 50 વર્ષીય મહિલા, 50 વર્ષીય આધેડ, વિજયરાજનગરમાં 50 વર્ષીય મહિલા, રૂપાણી સર્કલ નજીક, 67 વર્ષીય આધેડ, નિર્મળનગરમાં 30 વર્ષીય યુવાન, દેવુબાગમાં 63 વર્ષીય આધેડ, સિતારામનગરમાં 53 વર્ષીય આધેડ, કુંભારવાડામાં 45 વર્ષીય મહિલા, 61 વર્ષીય આધેડ, કાળીયાબિડમાં 35 વર્ષીય યુવાન, સંત કંવરરામ ચોકમાં 55 વર્ષીય મહિલા, પ્રભુદાસ તળાવ પ્લોટમાં 56 વર્ષીય મહિલા, ગાયત્રીનગરમાં 27 વર્ષીય યુવાન, દેસાઇનગરમાં 48 વર્ષીય મહિલા, આનંદનગરમાં 42 વર્ષીય મહિલા, રસાલા કેમ્પ લાઇનમાં 28 વર્ષીય યુવાન, સરદારનગરમાં 34 વર્ષીય યુવતી, રુપાણી સર્કલ પાસે 45 વર્ષીય યુવાન, સિંધુનગરમાં 30 વર્ષીય યુવાન, નિર્મળનગરમાં 1 વર્ષીય બાળકી, ગારીયાધારના માનગઢમાં 19 વર્ષીય યુવાન, પાલીતાણાના બડેલી નવગામે 28 વર્ષીય યુવતી, ઉમરાળાના દડવા રાંદલના ગામે 77 વર્ષીય વૃદ્ધ, ગારીયાધારમાં 23 વર્ષીય યુવાન, ધારુકા ગામે 62 વર્ષીય આધેડ, મહિલા, ભંડારિયામાં 37 વર્ષીય યુવાન, કમળેજમાં 25 વર્ષીય યુવતી, થોરડીગામમાં 45 વર્ષીય યુવાન, ધોળા ગામે 75 વર્ષીય વૃદ્ધ, મહુવાના ગોરસમાં 60 વર્ષીય પ્રૌઢ અને ઉમરાળાના હડમતાળા ગામે 54 વર્ષીય આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આમ જિલ્લામા નોંધાયેલા 519 કેસ પૈકી હાલ 300 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 192 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 14 દર્દીઓનુ અવસાન થયેલું છે.

 

પાંચ પૈકીના ચાર મૃતકને અન્ય બિમારી હોવાથી કોરોના ડેથમાં નહી ગણે તંત્ર

ભાવનગરમાં કોરોનાથી આજે એક જ દિવસમાં કોવિડ હોસ્પિટલમાં પાંચ દરદીનાં મૃત્યુ નિપજ્યા હતા. જેમાં જિલ્લાનાં મહુવાનાં ગોરલ ગામના જટાશંકર મણીશંકર પંડયા (ઉ.વ.60)નું કોરોનાથી મૃત્યુ નિપજતાં ભાવનગરમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 14 થયો છે. આ ઉપરાંત કોરોના વોર્ડમાં અન્ય ચાર દર્દીઓ ધોળા-ઉમરાળાના બાબુભાઇ નારણભાઇ ગોવાણી (ઉ.વ.75), શહેરના વિજયરાજનગરના છોટાલાલ માવજીભાઇ શાહ (ઉ.વ.90) ભંડારીયાના વલ્લભભાઇ નરસીભાઇ ધોરી (ઉ.વ.55) તથા શહેરનાં હાદાનગરના પાર્વતીબેન રમેશભાઇ સરવૈયા (ઉ.વ.58)નું પણ મૃત્યુ નિપજ્યું હતુ. આ ચારેય દર્દીઓને કોરોનાની સાથે અન્ય બીમારીઓ પણ હોવાથી તંત્રએ તેનો સમાવેશ કોરોનાથી મૃત્યુ આંકમાં થયો નહી.

 

વધુ 875 પોઝિટિવ : રાજ્યમાં કોરોનાનાં કેસ 40 હજારથી વધુ

 

અત્યાર સુધી 4,49,349 ટેસ્ટ કરવામાં આવ્યા, જ્યારે 28,183 લોકોને ડિસ્ચાર્જ કરાયા

અમદાવાદ, તા.10 : રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો 800ને વટાવી 875 નોંધાયો છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતનો આંકડો 40 હજારને વટાવી 40155 થયો છે. રાજ્યમાં આજે કોરોનાને લીધે 14 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક રાજ્યમાં 2024 થયો છે. રાજ્યમાં 441 દર્દીઓ ડિસ્ચાર્જ આજે કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 28183 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલની સ્થિતિએ એક્ટિવ કેસમાં ઝડપી વધારો થતા 10 હજારની નજીક પહોંચતા 9880 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં 68 દર્દીઓ વેન્ટીલેટર પર અને 9880 સ્ટેબલ છે. રાજ્યમાં છેલ્લા સપ્તાહમાં પાંચ દિવસ 700ને પાર અને બે દિવસ 800ને પાર કેસ નોંધાતા એક જ સપ્તાહમાં 5469 કેસો કોરોના પોઝિટિવના નોંધાતા આરોગ્ય તંત્ર દોડતુ થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના રાજ્યમાં 7657 ટેસ્ટ કરવામાં આવતા 875 જેટલા વિક્રમી કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 3 અને ગ્રામ્યમાં 1, અરવલ્લી, ગાંધીનગર, જામનગર, જુનાગઢ કોર્પોરેસન અને મહેસાણામાં 1-1 મૃત્યુ સાથે કુલ 14 મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં આજે કોરોના પોઝિટિવના 153 અને ગ્રામ્યમાં 12 સાથે કુલ 165 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ સંક્રમિતનો આંકડો 22745 થયો છે. આજે વધુ 5 દર્દીના મોત થતા અમદાવાદમાં કુલ મૃત્યુઆંક 1511 થયો છે. સુરત શહેરમાં 202 અને ગ્રામ્યમાં 67 સાથે 269 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોના સંક્રમિતનો કુલ આંકડો 7307 થયો છે. આજે વધુ 4 દર્દીઓના મોત થતા મૃત્યુઆંક 206 થયો છે. વડોદરા શહેરમાં 61 અને ગ્રામ્યમાં 8 કેસ સાથે કુલ 69 કોરોનાના કેસ આજે નોંધાયા છે. આની સાથે વડોદરા શહેરમાં કુલ સંક્રમિતનો આંકડો 2905 થયો છે. ગાંધીનગર કોર્પોરેશન 10 અને ગ્રામ્યમાં 21 સાથે કુલ 31 દર્દીઓ કોરોનાના નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો 836 થયો છે. જ્યારે વધુ 1 મોત સાથે મૃત્યુઆંક 34 પહોંચ્યો છે.  રાજ્યના 8 કોર્પોરેશન અને 29 જિલ્લામાં કોરોના વાયરસે પગપેસારો કર્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 449349 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લામાં આજની તારીખે 304048 વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 301077 વ્યક્તિઓ હોમ ક્વોરોન્ટાઈન છે અને 2971 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરોન્ટાઈન રાખવામાં આવ્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer